GSTV
Home » News » પશુપાલન કરવું હોય તો જીતેન્દ્રભાઈની જેમ, એવી રીતે કરે છે કે મહિને 2 લાખની આવક મળે છે

પશુપાલન કરવું હોય તો જીતેન્દ્રભાઈની જેમ, એવી રીતે કરે છે કે મહિને 2 લાખની આવક મળે છે

પોતાની જ જમીન હોય તો જ પશુપાલન કરી શકાય તેવું નથી. જમીન ના હોય તો પણ જ્યારે ગાયો પ્રત્યેનો લગાવ વધી જાય છે ત્યારે તેને પદ્ધતિસર અપનાવી શકાય છે. આજે કૃષિ વિશ્વમાં પણ એવા જ એક ગૌપાલકની વાત કરવાની છે. જેમણે ગાયની યોગ્ય રીતે માવજત કરી તેની તમામ પ્રોડક્ટ્સમાંથી આશરે 2 લાખ રૂપિયા જેટલી ચોખ્ખી આવક મેળવી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના જીતેન્દ્ર ભાઈ જોશીની ગૌપાલન ક્ષેત્રની સફળતાનું શું છે રહસ્ય ?

ગૌપાલન સાથે ગવ્ય ચિકિત્સા થકી એક આગવી ઓળખ બનાવી છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડાના જીતેન્દ્ર કુમાર જોશીએ. ચાર ભાઈઓનું સંયુક્ત પરિવાર ધરાવતા જિતેન્દ્રભાઈ અને તેમના મોટાભાઈએ ગૌ ચિકિત્સાનો વૈદિક અભ્યાસ પણ કર્યો છે. છેલ્લા ૧૦ વર્ષથી ગૌપાલન સાથે જોડાયેલા જિતેન્દ્રભાઈ પાસે હાલમાં નાની મોટી મળીને કુલ ૪૫ જેટલી ગાયો છે. જેના થકી માસિક ૨ લાખ રૂપિયાથી વધુની આવક રહે છે.

જીતેન્દ્રભાઈ નાના હતા ત્યારથી જ તેમના ઘરે ગાયોનો ઉછેર થતો હતો. અને હવે તેઓ પણ છેલ્લા ૯ વર્ષથી વ્યવસાયિક ધોરણે ગાયનો ઉછેર કરી રહ્યા છે. પોતાનો આઈસ્ક્રીમ રો મટીરિયલનો વ્યવસાય ધરાવતા હોવા છતાં ગાયો પ્રત્યે અલગ લગાવ હોય ગાય પાલન તરફ વળ્યા છે. તેમણે ગૌપાલનની શરૂઆત ૫ ગાયોથી કરી હતી. હાલમાં તેમની પાસે ૪૫ થી પણ વધુ ગાયો છે. ગાયોને રાખવા માટે ૧૦૦ ફૂટ બાય ૩૦ ફૂટનો શેડ બનાવ્યો છે. જેમાં બંને સાઈડ ગમાણ અને વચ્ચેના ભાગે ગાયોને બાંધવાની સગવડ છે. ગૌમૂત્ર વહીને એક જ જગ્યાએ એકત્ર થાય તે માટે વચ્ચે નાની નીક પણ બનાવી છે. ગાય માટેનો શેડ દેશી સિસ્ટમથી નાળિયેરીના પાન અને ઘાસનો બનાવ્યો છે. જેથી કુદરતી ઠંડક જળવાય રહે.

હાલ તેઓ પાસે કોઈ જાતની જમીન ન હોવા છતાં ભાડે જમીન રાખીને ગાયો માટે ઓર્ગેનિક ચારો તૈયાર કરીને ખવડાવે છે. ગાયોને કોઈ જાતની કંપનીના મિનરલ્સ કે કેલ્શિયમયુક્ત દવાઓ આપતા નથી. આયુર્વેદિક ઔષધો ધરાવતા ૧૪ પ્રકારની વનસ્પતિઓનું જાતે તૈયાર કરેલું મિશ્રણ દરરોજ ખાણ સાથે ૧૦થી ૧૫ ગ્રામ આપે છે. જેથી ગાયોની તંદુરસ્તી અને દૂધની પૌષ્ટિકતા જળવાય છે. ગાયોને સૂકા ચારામાં માંડવીનો પાલો, ચણાનો પાલો, અને જુવારની કડબ આપવામાં આવે છે. આ સિવાય મકાઈ, લીલી જુવાર પણ ગાયોને ખવડાવે છે. મોટેભાગે ઝેરમુક્ત જંગલના ગૌચરમાં ચરિયાણ માટે લઈ જતા હોવાથી ખોરાક પાછળનો ખર્ચ પણ ઓછો આવે છે. ઉપરથી ભાડે રાખેલી જમીનમાં ઝીંઝવો ઘાસ હોય તેનો ખર્ચ પણ ઘટે છે.

ગૌમાતાને દાન નહીં સન્માન આપોના સૂત્ર સાથે તેઓએ ગૌ પાલન અપનાવ્યું છે… જેમાં ગાયોના ખોરાક પાછળ મહિને દહાડે ૧.૨૦ લાખ રૂપિયા આસપાસ ખર્ચ આવે છે. જેમાં ગાયોની માવજત કરવા રાખેલા માણસોનો પગાર પણ આવી જાય છે. ગાયોની માવજત માટે ૪ માણસો રાખેલા છે. ૨૨ જેટલી મોટી ગાયોમાંથી રેગ્યુલર રીતે ૧૨થી ૧૪ જેટલી ગાયોનું દૂધ સતત મળતું હોય છે. દરરોજ ૩૫થી ૪૦ લિટર એક ટંકનું દૂધ ઉત્પાદન રહે છે. જેનું સીધું ગ્રાહકોને વેચાણ કરે છે. દરરોજનું ૧૦થી ૧૫ લિટર દૂધ ઘી બનાવવા માટે ઉપયોગ કરે છે. ગાયના ઘીનું ૧ કિલોના ૧,૮૦૦ રૃપિયા અને દૂધનું ૭૦ રૂપિયા લિટરના ભાવે વેચાણ થાય છે. દૂધના વેચાણથી ૧.૩૦ લાખ રૂપિયા આસપાસ આવક રહે છે. તો ૧૫થી ૧૮ કિલો આસપાસ મહિને ઘી તૈયાર થાય છે. જેના પણ લગભગ ૨૫થી ૩૦ હજાર રૃપિયા મળી રહે છે. આ સિવાય ગળતિયું ખાતર તૈયાર કરીને પણ વેચાણ મળે છે.

તેઓએ સરકારી વૈદિક અભ્યાસ કર્યો હોવાથી ગૌમૂત્ર આધારિત દવાઓ પણ તૈયાર કરે છે. જેના માટે વહેલી સવારે ગૌમૂત્ર સીધું એકત્ર કરે છે. આ એકત્ર કરેલા ગૌમૂત્ર, છાણ તેમજ જંગલમાંથી ભેગી કરેલી ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરીને વિવિધ પ્રોડક્ટ તૈયાર કરે છે. જેનું પણ ૩૦થી ૩૫ હજાર રૂપિયાનું વેચાણ મળે છે. દર મહિને ૨ લાખ રૂપિયાથી વધુની ગૌમાતા આવક કરાવી આપે છે. જીતેન્દ્રભાઈને તમામ ખર્ચા બાદ કરતાં પણ 1 લાખ રૂપિયાથી વધુનો નફો રહે છે.

READ ALSO

Related posts

ઠંડીમાં જલસો કરાવી દેશે ચીઝી..ચીઝી…મહારાજા ચીઝ બ્લાસ્ટ, જોતા જ મોઢામાં પાણી આવી જશે

Bansari

ધર્મલોક : ગુજરાતના એ પવિત્ર યાત્રાધામો જ્યાં શનિદેવના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે

Mayur

ભાગ્યદર્પણઃ જાણો ઉચ્ચ અભ્યાસના બાધક દોષ અને તેના ઉપાયો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!