સફેદ ફૂલોની ચાદર જોઈને મનમાં હરખ થાય તે સ્વાભાવિક છે. રાજયમાં માવઠાની મુશ્કેલી હોવા છતાં ખેડૂતના ખેતરમાં આવો પાક લહેરાઈ રહ્યો છે તે જ મોટી વાત છે. ત્યારે આવો અજમાનો પાક લેવામાં સફળ રહ્યા છે બોટાદના સીતાપર ગામના ખેડૂત બાબુભાઈ લાલજીભાઈ માણિયા. ૩૦ એકર જમીન ધરાવતા બાબુભાઈએ બે, પાંચ કે દસ વીઘા નહી. પૂરા ૬૦ વીઘામાં અજમા પાકનું વાવેતર કર્યું છે. મસાલા પાકની ખેતીમાં જોખમ હોવા છતાં ખેડૂતો આવા પાકમાં ઉત્પાદન લેવામાં સફળતા મેળવી ઓછા ખર્ચમાં સારી આવક લઈ રહ્યા છે.

સામાન્ય રીતે અજમાનું વાવેતર રવી સિઝનમાં કરવામાં આવે છે. પરંતુ સીતાપરના બાબુભાઈ તો છેલ્લા ૫ વર્ષથી ચોમાસામાં અજમાનું વાવેતર કરી દે છે. અજમાનું વહેલું વાવેતર કરવાનું મુખ્ય કારણ પાણીની સમસ્યા છે. તેમના વિસ્તારમાં અજમાના પાકમાં દાણા ભરાય ત્યારે પાણીની ઘટ રહેતા પાક ફેલ જતો હતો. ચોમાસુ ખરીફ પાકમાં પણ કપાસ વગેરેમાં ખર્ચા મારી નાંખતા હતા. જેથી તેઓ આ પાક તરફ વળ્યા છે.

૩૦ એકર જમીનમાં ખેડૂત પહેલા મગફળી, કપાસ, તુવેર વગેરેની ખેતી કરતા હતા. પરંતુ છેલ્લા ૫ વર્ષથી અજમાના પાકમાં માસ્ટરી આવી ગઈ છે. આ વર્ષે પણ ૬૦ વીઘામાં અજમાનો પાક લીધો છે. તો ૫ એકરમાં તેમણે અજમા સાથે મગફળીનો આંતરપાક પણ લીધો છે. આંતરપાકમાં વધારાની આવક તરીકે મગફળીનું વીઘે ૧૩ મણ ઉત્પાદન લીધું છે. છેલ્લા ૧૦ વર્ષથી તેઓએ ગાય આધારિત ખેતી અપનાવી છે. ઉપરથી ૫ વર્ષથી અજમાની ખેતીમાં ઘરનું જ બિયારણ વાપરે છે.
અજમાની ખેતી માટે જમીન તૈયારી વખતે ખાસ ઊંડી ખેડની પણ જરૂર પડતી નથી. વરસાદ પછી વીઘે ૧ ટ્રોલી છાણિયું ખાતર ભરી છીછરી ખેડ કરી હતી. વરસાદ પછી નીંદણ ઊગે એટલે એકથી બે વખત આડી ઊભી ખેડ થઈ જાય તો નીંદણનો પ્રશ્ન દૂર થાય છે. અજમામાં સારા ઉત્પાદન માટે ૩૦૦ જેટલી મધપેટીઓ પણ લગાવી છે. જેના પરિણામે ફ્લાવરિંગ બાદ ફલિનીકરણમાં મદદ મળશે. ખેતરમાં ફ્લાવરિંગ સમયે પહેલી વખત છાસ અને ગૌમૂત્રનો છંટકાવ કર્યો છે. અજમાને ઉગાવો થાય પછી પાણીની જરૂર ઓછી પડે છે. અત્યાર સુધીમાં તેમણે બે વખત જ પિયત આપ્યું છે. અજમામાં બે છોડ વચ્ચે ૪થી ૬ ઈંચ અને બે હાર વચ્ચે ૬૦ ઈંચનું અંતર જાળવ્યું છે.

બાબુભાઈને છેલ્લા ૫ વર્ષથી અજમાની ખેતીમાં વીઘે ૮થી ૧૦ મણનું ઉત્પાદન એવરેજ મળે છે. અજમાનો ૧ મણનો છેલ્લા ચાર વર્ષની એવરેજે ૩૦૦૦થી ૩,૪૦૦ રૂપિયા ભાવ મળ્યો છે. ૨૫થી ૩૦ હજાર રૃપિયાનો વીઘો પડે છે. અજમો ઉપાડીને તેના પાથરા કરી દેવામાં આવે છે. ત્રણ ચાર દિવસે સુકાઈ જાય પછી ઓપનર કે પછી ખળુ કરીને દાણા છુટા પાડવામાં આવે છે. ૩૦ ટકા મજૂરી ભાગે તેઓ ખેતી કરાવે છે. ગાય આધારિત જૈવિક ખેતી હેઠળ તેઓ ૩૦ એકર જમીન માટે ૩૦ ડબા જેટલો ગોળ ખરીદે છે. બાકી કોઈ વસ્તુની ખરીદી કરતા નથી. ખેતીમાં બળદથી પહોંચી ના વળાય તો જ ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. ખેતી માટે ૨ ગાય ૨ નાની વાછરડી અને બે બળદ રાખ્યા છે. હાલ તો ગાય આધારિત ખેતી હેઠળ અજમાની નવી ટેકનોલોજી સાથે તેઓ ઉત્તમ આવક લઈ રહ્યા છે.
READ ALSO
- ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી
- દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ
- પ્રિયંકા અને નિકને હવે આ જ કરવાનું બાકી રહી ગયું હતું, નવા કામનું નામ જાણી રહી જશો દંગ
- સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?
- જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ