GSTV
Home » News » હંગેરીના મિલાકે ફેલ્પ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડીને 200 મીટર બટરફ્લાયમાં ગોલ્ડ મેડલ જીત્યો

હંગેરીના મિલાકે ફેલ્પ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડીને 200 મીટર બટરફ્લાયમાં ગોલ્ડ મેડલ જીત્યો

હંગેરીના ૧૯ વર્ષીય સ્વિમર ક્રિસ્ટોફ મિલાકે ૨૦૦ મીટર બટરફ્લાયમાં લેજન્ડરી અમેરિકી સ્વિમર માઈકલ ફ્લેપ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. સાઉથ કોરિયાના ગ્વાંગજૂ ખાતે ચાલી રહેલી વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં મિલાકે એક મિનિટ અને ૫૦.૭૩ સેકન્ડના કીર્તિમાન સાથે રેકોર્ડબૂકમાં સુવર્ણાક્ષરે પોતાનું નામ અંકિત કરાવી દીધુ હતુ. નોંધપાત્ર છે કે, અગાઉનો ૧ મિનિટ અને ૫૧.૫૧ સેકન્ડનો વર્લ્ડ રેકોર્ડ અમેરિકાના લેજન્ડરી સ્વિમર ફ્લેપ્સના નામે હતો, જે તેણે ૨૦૦૯માં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં નોંધાવ્યો હતો. 

પુરુષોની ૨૦૦ મીટર બટરફ્લાય ઈવેન્ટમાં જાપાનના ડાઈયા સેટોને (૧ઃ૫૩.૮૬) સિલ્વર અને સાઉથ આફ્રિકાના ચાડ લે ક્લોસને (૧ઃ૫૪.૧૫) સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. બ્રિટનના એડમ પૅટીએ ૫૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકની ઈવેન્ટમાં સતત ત્રીજી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પોતાનો દબદબો કાયમ રાખતાં સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. આ સાથે પૅટીએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં રેકોર્ડ સાતમો ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. નોંધપાત્ર છે કે એડમ પેટી ૨૦૧૫ અને ૨૦૧૭ની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ૫૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોકનો ગોલ્ડ જીત્યો હતો.

બ્રિટીશ સ્વિમરે ૨૬.૦૬ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે તેના કરતાં ૦.૬૦ સેકન્ડ પાછળ રહેલા બ્રાઝિલના ફેલિપે લિમાને સિલ્વર અને બ્રાઝિલના જ જોએઓ ગોમેઝ જુનિયરને ૨૬.૬૯ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 

ઈટાલીની ફેડેરિકા પેલેગ્રિનીએ મહિલાઓની ૨૦૦ મીટર ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં ચોથી વખત વર્લ્ડ ચેમ્પિનશીપનો ગોલ્ડ જીત્યો હતો. તે અગાઉ ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૭માં પણ આ જ ઈવેન્ટમાં ચેમ્પિયન બની હતી. પેલેગ્રિની ૧ મિનિટ અને ૫૪.૨૨ સેકન્ડના સમય સાથે ટોચના ક્રમે રહી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટિટમસ (૧ઃ૫૪.૬૬)ને સિલ્વર અને સ્વિડનની સ્જોસ્ટ્રોમને (૧ઃ૫૪.૭૮) બ્રોન્ઝમેડલ મળ્યો હતો. પુરુષોની ૮૦૦ મીટર ફ્રિસ્ટાઈલમાં ઈટાલીનો પાલ્ટ્રિનિરી (૭ઃ૩૯.૨૭) ગોલ્ડ, નોર્વેનો ક્રિસ્ટિઅનસેન (૭ઃ૪૧.૨૮) સિલ્વર અને ફ્રાન્સનો ઓબ્રી (૭ઃ૪૨.૦૮) સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મિક્સ મેડલે રિલેમાં ઓસ્ટ્રેલિયા 0.02 સેકન્ડથી ગોલ્ડ જીત્યું

વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપની ૪ બાય ૧૦૦ મીટર મિક્સ મેડલે રિલેમાં ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે તેમના કરતાં માત્ર ૦.૦૨ સેકન્ડ પાછળ રહેલી અમેરિકન ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. મિચ લાર્કિન, મેથ્યુ વિલ્સન, ઈમા મેક્કેઓન અને કેટ કેમ્પબેલની ટીમે ૩ મિનિટ અને ૩૯.૦૮ સેકન્ડના સમય સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે રાયન મર્ફી, લિલી કિંગ, કેલેબ ડ્રેસલ અને સિમ્વન મેન્યુઅલની ટીમ ૩ મિનિટ અને ૩૯.૧૦ સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીતી હતી. બ્રિટનની જ્યોર્જિના ડેવિસ, એડમ પૅટી, જેમ્સ ગાય અને ફ્રેયા એન્ડરસનની ટીમે ૩ મિનિટ અને ૪૦.૬૮ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેળવ્યો હતો. 

READ ALSO

Related posts

OMG : દેશનાં આ રેલ્વે સ્ટેશન પર વેચાઈ રહ્યું છે હવાથી બનેલું પાણી!, કિંમત 5 રૂપિયા લીટર…

pratik shah

અમદાવાદની શાન ગણાતી આ હોસ્પિટલ ખંઢેર બની છતા મેયર કહી રહ્યા છે ‘ઓલ ઈઝ વેલ’

Nilesh Jethva

ઉબોનની SW-11 સ્માર્ટવોચ ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!