GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ! ઉત્સાહનું ઘોડાપૂર, ઠેરઠેર શોભાયાત્રા અને મટકી ફોડ સહિત કાર્યક્રમો

સૌરાષ્ટ્રમાં ગત બે વર્ષ કોરોના કાળના નિયંત્રણો અને ડર વચ્ચે સાદગીપૂર્ણ ઉજવણી બાદ સૌરાષ્ટ્રભરમાં ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ દિવસ જન્માષ્ટમી ખૂબ ધામધૂમથી ઉજવાશે. સૌરાષ્ટ્રમાં ગામે ગામ સવારથી સાંજ સુધી જન્માષ્ટમી શોભાયાત્રાના અને રાત્રિના મટકી ફોડના તથા મંદિરોમાં આખો દિવસ વિશેષ પૂજન, આરતી, અભિષેકના આયોજનોના અહેવાલો ગામે ગામથી મળ્યા છે. શોભાયાત્રાના રૂટ પર અદભૂત શણગાર ઉપરાંત રાસગરબા સહિતના આયોજનો થયા છે અને પોલીસ દ્વારા રૂટ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મૌસમ વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી નથી ત્યારે જન્માષ્ટમી, નોમ ઉજવવા અનેરો થનગનાટ જોવા મળ્યો છે.

ભગવાન શ્રી કૃષ્ણનો 5249 મો પ્રાગટયોત્સવ ઉજવવા વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાના આયોજનો થયા છે જેમાં રાજકોટમાં મવડી ચોકડીથી સવારે નવ વાગ્યે સવાસો ફ્લોટ્સ સાથેની ભવ્ય શોભાયાત્રા  નીકળશે જે બપોરે બે વાગ્યે પેડકરોડ પર સમાપન થશે. શહેરમાં ચોકે ચોકે નયનરમ્ય શણગાર, રોશની કરાઈ છે. રાત્રે મટકી ફોડના કાર્યક્રમો યોજાયા છે. 

શોભાયાત્રાના રૂટ પર રાસગરબા

જામનગરમાં નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી શોભાયાત્રા નીકળશે, બજરંગદળમાં જોડાનાર યુવકેને ત્રિશુલ દિક્ષા અપાશે, હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક રોડ, બર્ધન ચોક, ચાંદી બજાર સર્કલ, રણજીત રોડ, બેડીગેઈટ, ટાવર વિસ્તાર, ભંગાર બજાર થઈ હવાઈ ચોક ખાતે તે સંપન્ન થશે અને દરેક ચોકમાં મટકી ફોડ, પ્રસાદ વિતરણ સહિત કાર્યક્રમો યોજાયા છે. શોભાયાત્રાના રૂટ પર શણગાર કરાયો છે.  મોરબીમાં સવારે 8 વાગ્યે જડેશ્વર મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ થશે અને સુપર ટોકિઝ, પરાબજાર, નવાડેલા રોડ, સાવસર પ્લોટ, વસંત પ્લોટ, ગાંધી ચોક, નગર દરવાજા, ગ્રીન ચોક થઈને દરબાર ગઢ ખાતે પૂર્ણ થશે. ૧૮ મુખ્ય ચોકમાં મટકી ફોડના અને અંગ કસરના દાવો પણ રજૂ થશે. 

જુનાગઢમાં  ગજરાજ પર ભગવાનની સવારી સાથે શોભાયાત્રા

જુનાગઢમાં  ગજરાજ પર ભગવાનની સવારી સાથે શિવ મહાવિવાહ સહિત 40 આકર્ષણ ફ્લોટ્સ સાથે બપોરે 3 વાગ્યે ઉપરકોટ નજીક રામચંદ્રજી મંદિરથી શોભાયાત્રા નીકળશે, જે દિવાન ચોક, માલીવાડા, આઝાદ ચોક, એમ.જી. રોડ, કાળવા ચોક થઈને જવાહર રોડ પર સ્વામિનારાયણ મંદિરે સંપન્ન થશે. મયારામજી આશ્રમ ખાતે ઈનામ વિતરણ થશે. ઉપરાંત હાટકેશ યુવક મંડળ દ્વારા મટકી ફોડ, વત્સાસુર વધ, દ્વારકાધીશ મંદિરની આબેહૂમ રંગોળી સહિત ગધ્રપવાડામાં હાટકેશ્વર મંદિરે ભવ્ય ફ્લોટ્સ્ નિર્માણ કરાયું છે. 

આ ઉપરાંત ગોંડલમાં દેશભક્તિ,સંસ્કૃતિને ઉજાગર કરતા 45 ફ્લોટ્સ સાથે ભગવતપરા પટેલ વાડીથી શોભાયાત્રા નીકળીને નાનીબજાર, ઉદ્યોગભારતી ચોક, ભોજરાજપરા, મોટીબજાર, વેરી દરવાજા હવેલીએ પૂર્ણ થશે. ખંભાળિયામાં  સવારે 8-30 વાગ્યે ગોવર્ધનનાથજી હવેલી ખાતેથી શોભાયાત્રાનું પ્રયાણ થશે અને પાંચહાટડી ચોક, લુહારશાળ, ઝવેરી બજાર, હર્ષદ માતાજીનું મંદિર, મેઈનબજાર, ગાંધી ચોક, રાજડા રોડ, શ્રી રામ મંદિર, નગર ગેઈટ, શારદા સિનેમા થઈ મહાપ્રભુજીની બેઠકજી ખાતે સંપન્ન થશે. ધ્રોલ હિન્દુ સેના આયોજિત શોભાયાત્રા સવારે 9 વાગ્યે વૈષ્ણવ હવેલીથી પ્રસ્થાન કરી મુખ્યમાર્ગો પર ફરશે. ઉપરાંત જામનગર-ધ્રોલ વચ્ચે ફલ્લામાં પણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે.

વાંકાનેરમાં 8-30 વાગ્યે જડેશ્વર રોડ પર ફળેશ્વર મહાદેવ મંદિરથી પરંપરાગત પૂજા અર્ચના બાદ મહારાજા કેસરીદેવસિંહજી તથા સંતો મહંતોની હાજરીમાં પ્રસ્થાન કરશે, રૂટ પર રાસગરબાની રમઝટ સાથે તલવાર રાસ અને હુડો રાસ પણ યોજાશે અને રાજમાર્ગો પર પસાર થઈ જીનપરા ચોકમાં ધર્મસભામાં પરિવર્તીત થશે. 37  વર્ષથી વાંકાનેરમાં શોભાયાત્રા નીકળે છે. જામકંડોરણામાં સવારે 8 વાગ્યે રામજી મંદિરથી શોભાયાત્રા શરૂ થઈ પટેલ ચોક, ભાદરાનાકા, ગોંડલ રોડ, બસ સ્ટેશન, બાલાજી ચોક, પટેલ ચોક થઈ નગરનાકાએ પૂર્ણ થશે જેમાં પચાસ જેટલા વાહનોમાં આકર્ષક ફ્લોટ્સ જોડાશે. પોરબંદરમાં સુદામા મંદિરે મટકી ફોડના કાર્યક્રમ, કેક કાપીને પ્રસાદી ભક્તોને અપાશે. રેલવે સ્ટેશન પાસે આવેલા ઈસ્કોન મંદિરમાં હિંડોળા દર્શન, સંકીર્તન, દિવ્ય કથા, છપ્પનભોગ સહિત કાર્યક્રમો યોજાયા છે. સાંદિપની શ્રી હરિમંદિર ખાતે સંત રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી અને નંદ મહોત્સવ ઉજવાશે. 

સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત ટંકારામાં 9 વાગ્યે લક્ષ્મીનારાયણ સોસાયટીથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને રાજમાર્ગો પર ફરશે, રાત્રે બાર વાગ્યે લક્ષ્મીનારાયણ મંદિર, બાલકૃષ્ણ હવેલી સહિત મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ  ઉજવાશે અને દેરીનાકા,મેઈનબજાર,દેરાસર રોડ સહિત કમાનો,રોશનીથી શણગાર કરાયો છે. ધોરાજીમાં ભવ્ય શોભાયાત્રા કાલે સવારે ૭ વાગ્યે બહુચરાજી મંદિર, ખરાવડ પ્લોટ ખાતેથી મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન થશે અને અંગ કસરતના દાવો, આકર્ષક 100થી વધુ ફ્લોટ્સ સાથે અવેડા ચોક, જેતપુર રોડ, પોસ્ટ ઓફિસ રોડ, ગરબી ચોક, રામમંદિર માર્કેટ થઈ પંચનાથ મંદિરે સમાપન થશે. ઉપલેટામાં ક્રિષ્ણા ગુ્રપ દ્વારા ત્રિલોકનાથ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં ઘોડા, બેન્ડ વાજા ઉપરાંત  સીદી બાદશાહના આદિવાસી નૃત્ય જમાવટ કરશે. ચોકે ચોકે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા છે. વેરાવળમાં ગોપાલ ચોક નવી હવેલીથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે  જે શ્રીપાલ ચોક, ગીતાનગર, સાઠ ફૂટ રોડ, રેયોન, બસ સ્ટેન્ડ, ટાવર ચોક, લાઈબ્રેરી, સટ્ટાબજાર, સુભાષરોડ થઈ દ્વારકાધીશની હવેલીએ પૂર્ણ  થશે. તલાલા રોડ પર મોટી હવેલી સહિત મંદિરોમાં પ્રાગટય મહોત્સવ સહિત અનેક કાર્યક્રમો તો શ્રીપાલનગરમાં રાત્રે 12 વાગ્યે મટકી ફોડ, છાત્રોડામાં બાબા  અમરનાથની ગુફાનું આયોજન કરાયું છે. સાવરકુંડલામાં આકર્ષણ જગાવનાર 108 કાનુડા સાથે વિશાળ શોભાયાત્રા નાસિકના ઢોલ સાથે જેસર રોડ પર બપોરે 1.30 વાગ્યે નીકળશે. 

READ ALSO

Related posts

મોટી દુર્ઘટના/ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માની પલ્લીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું, પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી

pratikshah

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah
GSTV