શહીદ બબલુ સંત્રાના પરિવારજનોના આક્રંદથી ગમગીન બન્યું વાતાવરણ, રિટાયરમેન્ટ બાદ વ્યવસાય કરવા માંગતા હતા

કાશ્મીરના આતંકી હુમલામાં પશ્ચિમ બંગાળના હાવડાના જવાન બબલુ સંત્રા પણ શહીદ થયા છે. ત્યારે શહીદ બબલુ સંત્રાને અંતિમ વિદાય આપવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. બહોળી સંખ્યામાં લોકોએ એકત્રિત થઇ હાથમાં તિરંગા લઇને પાકિસ્તાન વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ શહીદ બબલુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંતિમવિધિ દરમ્યાન બબલુ સંત્રાના પરિવારજનોના આક્રંદને કારણે સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું.

બબલુ સંત્રાના પરિવારમાં તેમના માતા, પત્ની અને ચાર વર્ષની પુત્રી છે. બબલુ સંત્રા એક વર્ષ બાદ જ રિટાયરમેન્ટ લઇને વ્યવસાય કરવા માંગતા હતા. પરંતુ તે પહેલા જ તે શહીદ થયા. બબલુ સંત્રાના પરિવારે માંગણી કરી છે કે જવાનોની શહીદીનો બદલો લેવામાં આવે અને આતંકીઓને એવો પાઠ ભણાવાય કે તેઓ ક્યારેય ન ભૂલે.

મહત્વનું છે કે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરના પ્રજાજનોમાં પાકિસ્તાન સામે બદલો લેવાની માંગણી પ્રબળ બની રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ફરી એક વખત આતંકવાદીઓને કડક સજા આપવાની ખાતરી આપી છે. મહારાષ્ટ્રના યવતમાલમાં જાહેર સભાને સંબોધવા પીએમ મોદીએ પુલવામાના આતંકવાદી હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે શહીદોનું બલિદાન એળે નહીં જાય.

આતંકીઓ ભલે ગમે ત્યાં છૂપાઇને બેઠા હોય. તેમને સજા ચોક્કસ મળશે. સાથે જ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે આજે પડોશી દેશ આતંકનો બીજો પર્યાય બની ગયો છે અને આતંકીઓને રક્ષણ આપી રહ્યો છે. પરંતુ ભારતીય સેનાને સંપૂર્ણપણે છૂટ આપવામાં આવી છે. પુલવામાના હુમલાખોરોને સજા કેમ, કેવી રીતે અને ક્યારે આપવી તે આપણા જવાનો નક્કી કરશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter