GSTV
IPL 2020 Sports Trending

IPL 2020/ કોલકાતાએ છેલ્લી ઘડીએ બાજી પલટી નાખી, બે રનથી વિજય

આઇપીએલ એ અનિશ્ચિતતાની રમત છે અને અહીં એકાદ ઓવરમાં જ બાજી પલટાઈ શકે છે જેનું વધુ એક ઉદાહરણ રજૂ કરતાં શનિવારે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે છેલ્લી ઘડીએ કિંગ્સ ઇલેવન પંજાબના હાથમાં આવેલો વિજય આંચકી લીધો હતો અને બે રનથી રોમાંચક વિજય હાંસલ કર્યો હતો. ઓપનર લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે ફરી એક વાર શાનદાર ભાગીદારી નોંધાવતાં કિંગ્સ ઇલેવન પંજાબ શનિવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મેચ જીતવાની અણી પર આવી ગયું હતું પરંતુ પ્રસિદ્ધ ક્રિષ્ણા અને સુનીલ નારાયણે ઉપરા ઉપરી વિકેટો ખેરવતાં બાજી ફરી ગઈ હતી અને અંતે કોલકાતા નાઇટ રાઇડર્સનો બે રનથી રોમાંચક વિજય થયો હતો. આમ વર્તમાન ટુર્નામેન્ટમાં ફરી એક વાર કિંગ્સ ઇલેવન પંજાબની ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ તેનો સળંગ પાંચમો પરાજય હતો.


અહીં રમાયેલી મેચમાં દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરને અંતે છ વિકેટે 164 રનનો સામાન્ય કહી શકાય તેવો સ્કોર નોંધાવ્યો હતો. જોકે કિંગ્સ ઇલેવન પંજાબનું વર્તમાન ફોર્મ જોતાં આ સ્કોર મોટો કહી શકાય પરંતુ અંતે લોકેશ રાહુલની ટીમ ટારગેટની નજીક પહોંચી ગઈ હતી પરંતુ તેને પાર કરી શકી ન હતી.


મેચ જીતવા માટે 165 રનના ટારગેટ સામે રમતી પંજાબની ટીમ માટે લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે 14.2 ઓવરમાં જ 115 રનની ભાગીદારી નોંધાવી દીધી હતી. તેમની બેટિંગ જોતાં એક સમયે તો એમ લાગતું હતું કે પંજાબ વિના વિકેટે જ મેચ જીતી લેશે. પરંતુ મયંક અગ્રવાલે 56 રનના અંગત સ્કોરે પ્રસિદ્ધ ક્રિષ્ણાની બોલિંગમાં આઉટ થયો હતો. 39 બોલની ઇનિંગ્સમાં તેણે છ બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી.


લોકેશ રાહુલ સાથે નિકોલસ પૂરન જોડાયો હતો. પૂરન તાજેતરની મેચોમાં સુંદર ફોર્મ દાખવી રહ્યો છે. લોકેશ રાહુલે 58 બોલમાં 74 રન ફટકાર્યા હતા. અહીં સુધી બઘું બરાબર હતું પરંતુ 18મી ઓવરમાં નિકોલસ પૂરન આઉટ થયો હતો. 19મી ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્ણાએ રાહુલ અને મનદીપસિંઘ બંનેને પેવેલિયનમાં મોકલી દીધા હતા.

આમ 20મી ઓવર સુનીલ નારાયણના ફાળે આવી હતી. અગાઉ એક વાર સુપર ઓવર પણ મેડન ફેંકી ચૂકેલા આ કેરેબિયન બોલરે છેલ્લી ઓવરમાં 14 રન ડિફેન્ડ કરવાના હતા. સામે છેડે આઉટ ઓફ ફોર્મ ગ્લેન મેકસવેલ રમી રહ્યો હતો. છેલ્લા બોલે મેક્સવેલ સિક્સર ફટકારે તો મેચ ટાઈ પડે અને સુપર ઓવરમાં જાય પરંતુ અત્યંત રોમાંચકતા વચ્ચે એ બોલે ચોગ્ગો વાગ્યો હતો. આ બોલ એટલો ક્લોઝ હતો કે ટીવી અમ્પાયરે પણ વારંવાર ટીવી રિપ્લે નિહાળ્યા બાદ નિર્ણય કરી શક્યા હતા કે તે ચોગ્ગો છે.


અગાઉ શુભમન ગિલ અને દિનેશ કાર્તિક કોલકાતાની ઇનિંગ્સનું આકર્ષણ રહ્યા હતા. શુભમન ગિલ તો આ સિઝનમાં સારું ફોર્મ ધરાવે છે પરંતુ કેપ્ટન કાર્તિકે ખાસ નોંધપાત્ર દેખાવ કર્યો ન હતો. કાર્તિકે આજે શાનદાર બેટિંગ કરી હતી.

ઓપનર રાહુલ ત્રિપાઠી માત્ર ચાર રન કરી શક્યો હતો તો યુવાન નિતીશ રાણાએ બે રન કર્યા હતા. ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગને 23 બોલમાં 24 રન ફટકારીને શુભમન ગિલને સહકાર આપ્યો હતો. બંનેએ 14 રનથી ટીમનો સ્કોર દસ ઓવરમાં 64 સુધી પહોંચાડ્યો હતો.
શુભમન ગિલે માત્ર 47 બોલમાં જ 57 રન ફટકારી દીધા હતા. તેણે પાંચ બાઉન્ડ્રી ફટકારી હતી. ગિલની વિકેટ પડ્યા બાદ અંતિમ ઓવર્સમાં દિનેશ કાર્તિકે બાજી સંભાળી લીધી હતી. તેણે માત્ર 29 જ બોલમાં બે સિકસર સાથે 58 રન ફટકારી દીધા હતા. તેણે આઠ આકર્ષક બાઉન્ડ્રી પણ ફટકારી હતી. કાર્તિક 20મી ઓવરના છેલ્લા બોલે આઉટ થયો હતો.

READ ALSO

Related posts

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu

KBCના સેટ પર જયાએ એવું કહ્યું કે રડવા લાગ્યા બિગ બી, સામે આવ્યો VIDEO

Hemal Vegda
GSTV