GSTV

પાર્ટનરની આ વાતોથી કંટાળીને કપલ્સ લઈ રહ્યા છે ‘સ્લીપ ડિવોર્સ’, જાણો તેના વિશે

Last Updated on January 29, 2020 by Arohi

પ્રત્યેક વ્યક્તિની  સુવાની રીત જુદી જુદી હોય છે. કોઇકને બહુ ફેલાઇને સુવાની ટેવ હોય  તો કોઇકને વારંવાર પડખું ફેરવવાની. ઘણાં લોકો એટલા બધાં નસકોરાં બોલાવતાં હોય છે કે તેની બાજુમાં સુતેલી વ્યક્તિ ઊંઘી જ ન શકે. આ સ્થિતિ ટાળવા અન્ય કોઇ વ્યક્તિ હોય તો તે બીજા ઓરડામાં જઇને  સુઇ જાય. પરંતુ પતિ-પત્ની આવું નથી કરી શક્તાં.

આમ કરવા જતાં સામી વ્યક્તિનું અપમાન થવાની ભીતિ રહે છે. વળી જ્યારે પતિ-પત્ની અલગ અલગ ઓરડામાં સૂએ ત્યારે તેમના વિશે પરિવારજનો જાતજાતના તર્કવિતર્ક કરવા લાગે છે. તેથી મોટાભાગના પતિ-પત્ની ન ફાવે તોય નાછૂટકે એક જ ઓરડામાં સૂએ છે. પરંતુ સમય સાથે ઘણું બદલાતું હોય છે તેમ આ રીતમાં પણ પરિવર્તન આવ્યું છે. હવે આવી સમસ્યાને કારણે હેરાન થતાં યુગલો અલગ અગલ ઓરડામાં સુવા લાગ્યાં છે. તબીબો તેને સ્લીપ ડિવોર્સ કે નાઇટ ડિવોર્સ તરીકે ઓળખાવે છે. 

મેરેજ કાઉન્સેલરો કહે છે કે પતિ-પત્નીની સુવાની ટેવ વેગવેગળી હોય તેમાં કાંઇ નવું નથી. પરંતુ તેને કારણે બીજી વ્યક્તિ હેરાનપરેશાન થઇ જાય, દિવસો કે મહિનાઓ સુધી તે સારી રીતે ઊંઘી ન શકે અને તેની અસર તેના રોજિંદા કાર્યો, સ્વભાવ ઇત્યાદિ પર પડે ત્યારે વાત વણસે છે. આપણા સમાજમાં આજે પણ પતિ-પત્ની જુદા જુદા ઓરડામાં સૂએ એ વાત સ્વીકાર્ય નથી.

પરંતુ એક જણની સુવાની ખોટી ટેવની અસર બીજાના સ્વાસ્થ્ય, સ્વભાવ, દિનચર્યા પર પડે ત્યારે અમે તેમને સ્લીપ ડિવોર્સ લેવાની, એટલે કે  રાત્રે જુદા જુદા ઓરડામાં સુવાની સલાહ આપીએ છીએ. અમે માનીએ છીએ કે તમારા પાર્ટનરને ખુશ રાખવા માટે તમને નીંદર જેવી પાયાની જરૂરિયાત જતી કરવી પડે તે અયોગ્ય ગણાય. પૂરતી ઊંઘ ન મળવાને કારણે જે તે વ્યક્તિ ધીમે ધીમે ડિપ્રેશનમાં આવી જાય છે. આવી સ્થિતિમાં પણ તેમના સંબંધો વણસે છે. બહેતર છે કે તેઓ સ્લીપ ડિવોર્સ લઇને તેમનું વિવાહિત જીવન આનંદથી પસાર કરે.

મનોચિકિત્સકો કહે છે કે પતિ-પત્ની વચ્ચે મતભેદ કે મનભેદ હોય ત્યારે લડાઇઝગડાથી બચવા જુદા જુદા ઓરડામાં સુવાનું રાખવામાં આવે તે સમજી શકાય એવી વાત છે. તેવી જ  રીતે બંનેના કામની શિફ્ટ એવી હોય જેને કારણે એકમેકની નીંદરમાં ખલેલ પડે ત્યારે પણ પતિ-પત્ની અલગ અલગ રૂમમાં  સૂએ તેને લોકો સ્વાભાવિકતાથી લે છે. પ્રસૂતિ પછી યુગલ એકસાથે ન સૂએ એવો રિવાજ ચાલ્યો આવે છે. પરંતુ સુવાની વેગવેગળી ટેવને કારણે કોઇ દંપત્તિ એક રૂમમાં ન સૂએ એ વાત હજીપણ લોકોને પચતી નથી.

આનું કારણ એ છે કે  બેડરૂમ કોઇપણ યુગલ માટે સુખદુ:ખની વાતો કરવાનીે, રોમાંસ કરવાની, અંગત વાતો કરવાની, ઐક્ય સાધવાની જગ્યા હોય છે. તે તેમના સંબંધોને ચોક્કસ પ્રકારની સુરક્ષા બક્ષે છે.  સફળ વિવાહિત જીવનનો પાયો બેડરૂમમાં જ રહેલો હોય છે. આમ છતાં જો તેને કારણે કોઇ એક વ્યક્તિની નીંદર પૂરી ન થઇ શક્તી હોય તો રાત્રે અલગ અલગ ઓરડામાં સુવામાં કાંઇ ખોટું નથી.

જોકે આજની યુવાપેઢી અગાઉના લોકોની જેમ નથી વિચારતી. તેઓ એમ માનવા બિલકુલ તૈયાર નથી કે એકસાથે ન સુવાથી બંનેના સંબંધોમાં તિરાડ આવી જાય. આનું કારણ છે કામ કરવાની બદલાયેલી પધ્ધતિ. આજે  મોટાભાગના પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય છે. ઘણી વખત તેમને  રાત્રે મોડે સુધી બેસીને પોતાના પ્રોજેક્ટ પૂરાં કરવાના હોય છે.

આવી  સ્થિતિમાં તેઓ બેડરૂમમાં બેસીને કામ કરે તો સામી વ્યક્તિની નીંદરમાં ખલેલ પહોંચે છે. આ  સ્થિતિ ટાળવા જેનેે કામ હોય તે સ્ટડી રૂમનો ઉપયોગ કરે છે. તેઓ આપસી સમજદારી અને સંમતિથી રાત્રે જુદા જુદા ઓરડાઓમાં રહે છે. અને માને છે કે તેના થી તેમના પ્રેમમાં કોઇ ફરક નથી પડવાનો. બલ્કે એકમેકને આવી રીતે અવકાશ આપવાથી તેમના સંબંધો વધુ મજબૂત બને છે. 

કાઉન્સેલરો કહે છે કે દરેક વ્યક્તિ માટે પૂરતી ઊંઘ પાયાની આવશ્યક્તા છે. જ્યારે તમે લાંબા સમય સુધી પૂરું ઊંઘી ન શકો ત્યારે તમારો સ્વભાવ ચિડિયો થઇ જાય છે. અને તે પતિ-પત્ની વચ્ચેના ખટરાગનું મુખ્ય કારણ બને  છે. વળી અપૂરતી નીંદરને કારણે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિસ, સ્થૂળતા, ડયાબિટિસ જેવી કંઇકેટલીય સમસ્યાઓ સર્જાય છે.

બહેતર છે કે તમે સ્લીપ ડિવોર્સ લો. જરૂરી નથી કે તમે દરરોજ રાત્રે જુદા જુદા રૂમમાં સૂઓ. તમે થોડાં થોડાં દિવસ માટે પણ આ પ્રયોગ કરી શકો છો. દરમિયાન તમારી નીંદર પૂરી થઇ જવાથી સ્વયં  તાજગી અનુભવશો. આમ છતાં તમે સ્લીપ ડિવોર્સ લેવા ન માગતા હો તો અન્ય કેટલીક બાબતોનું ધ્યાન રાખી શકો. જેમ કે…,

જો તમારા જીવનસાથીને નસકોરા બોલાવવાની ટેવ હોય તો તબીબનો સંપર્ક કરો. કંજેશનને કારણે નસકોરા બોલાવવા સામાન્ય વાત છે. તબીબ તમને ડિકંજેસ્ટેંટનો ઉપયોગ કરવાની સલાહ આપી શકે છે. 

કેટલાંક લોકોને સુવા માટે એકદમ નરમ ગાદલું ફાવતું હોય છે તો કેટલાંકને સહેજ કઠણ ગાદલા પર નીંદર આવે છે. આવી સ્થિતિમાં જેને જેવું ગાદલું ફાવે તેવું ગાદલું બનાવડાવી લેવું જોઇએ. તેવી જ રીતે સુવાનો ઓરડો સ્વચ્છ અને અનુકૂળ તાપમાનવાળો હોવો જોઇએ. સુતી વખતે ટી.વી., ક્મ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ બંધ રાખવા.

જો કોઇને રાત્રે સુતી વખતે પુસ્તક વાંચવાની ટેવ હોય તો તેણે એવી લાઇટની વ્યવસ્થા કરવી જોઇએ કે બીજી વ્યક્તિની નીંદરમાં ખલેલ ન પડે. જ્યારે સ્લીપ ડિવોર્સની નોબત આવે ત્યારે ખુશી ખુશી જુદા જુદા ઓરડામાં જઇને સુવું જોઇએ. મોઢું ફૂલાવીને બીજા રૂમમાં જવાને બદલે એકમેકને ગળે વળગીને સુવા જવાથી સારી નીંદર આવશે. નહીં તો ચિંતાને કારણે પણ ઊંઘ ઉડી જશે.

Read Also

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!