સાબરકાંઠામાં માસૂમ સાથે થયેલી દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતીયઓ પર હુમલાની ઘટના બની છે. ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપો કરવાની શરૂઆત કરી છે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોરના સંગઠન ઠાકોર સેના દ્વારા પરપ્રાંતિયો પર હુમલા અને ધમકી આપવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સમગ્ર ઉત્તર ભારતીય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
અલ્પેશ ઠાકોર બિહારના સહ-પ્રભારી પદેથી રાજીનામું આપે તેવી માંગ સાથે કોંગ્રેસના જ નેતાઓ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ નેતાએ રાહુલ ગાંધી અને અશોક ગહેલોતને પત્ર લખ્યો છે. પત્રમાં અલ્પેશ ઠાકોરને બિહારના સહ-પ્રભારી પદેથી રાજીનામું આપવાની માગ કરવામાં આવી છે.
પરપ્રાંતિયો મુદ્દે ઠાકોર સેના પર પ્રહાર કરનારા ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સામે ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાએ મોરચો માંડ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે નીતિન પટેલને રાજ્યમાં વિર્ગ વિગ્રહ કરાવી અશાંતિ ફેલાવીને સીએમ બનવું છે. તેઓ ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને નિવેદન આપી રહ્યા છે. પરંતુ સરકારને પરપ્રાંતિયોમાં ગુજરાતમાં રાખવામાં રસ જ નથી. જો કે નીતિન પટેલ પરના આક્ષેપોને સરકારે ફગાવ્યા છે. શિક્ષણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે ભાગલા પાડી રાજીનીતિ કરવીએ કોંગ્રેસનું કલ્ચર છે.. નીતિન પટેલ સૌને સાથે રાખીને ચાલે છે.
કોંગ્રેસ નેતાએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન પર કરેલી આક્ષેપ બાદ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપી છે. ભરત પંડ્યાએ જણાવ્યુ કે, નીતિન પટેલ પર કરવામાં આવેલા આક્ષેપ કોંગ્રેસની બુદ્ધિનું દેવાળું છે. ડોમિસાઈલ એડમીશન માટેનો મુદ્દો હતો. અને આ મુદ્દે કોંગ્રેસ રાજકારણ કરી રહી છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે ભાજપને બદનામ કરી રહી છે. કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને બચાવી રહી છે.