ભારતરત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઇ ગયો છે. તેમના પાર્થિવ દેહને તેમની દીકરી નમિતા ભટ્ટાચાર્યએ મુખાગ્નિ આપ્યા હતા. લોકોના દિલો પર રાજ કરનારા અટલજીનું જીવન ભલે એક ખુલ્લા પુસ્તક સમાન હતું પરંતુ તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક રહસ્ય એવા છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. નમિતા ભટ્ટાચાર્ય હકીકતમાં અટલ બિહારી વાજપેયીજીની દત્તક પુત્રી છે. તેમના આવા જ કેટલાક રહસ્યો માંથી એક તેમની દીકરી સાથે સંબંધિત છે. લોકો ફક્ત એટલું જ જાણે છે કે, અટલજીએ લગ્ન કર્યાં ન હતા. પરંતુ શું તમે જાણો છો કે તેમની એક દીકરી પણ છે. ચાલો જાણીએ તેમની દિકરી અને માતા સાથે સંબંધિત કેટલાક રહસ્યો વિશે.
અટલજીનું પૈતૃક ગામ યૂપીના બટેશ્વરમાં છે. અને ગ્વાલિયરમાં 25 ડિસેમ્બર 1924ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમણે વિક્ટોરિયા કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. અટલજીનું જીવન રાજકારણ, કવિતા અને સાદગી વચ્ચે પસાર થયું. અટલજીના જીવન સાથે જોડાયેલો એક સવાલ છે જેનો સાચો જવાબ અને કારણ કોઇ નથી જાણતું. સવાલ એ છે કે વાજપેયીજીએ ક્યારેય લગ્ન શા માટે ન કર્યાં? વિપક્ષના આકરા પ્રહારો વચ્ચે જ્યારે તેમના અવિવાહિત હોવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે નમ્રતાથી કહ્યું હતું કે, ‘હું અવિવાહિત જરૂર છું, પરંતુ કુંવારો નથી.’
અટલજીને જ્યારે પણ લગ્ન ન કરવાનું કારણ પૂછવામાં આવતું તો તેઓ સંયમ અને શાંતિથી જવાબ આપતાં કે, વ્યસ્તતાના કારણે આ શક્ય ન બન્યું. સાથે જ આ વાત કહીને તેઓના ચહેરા પર સ્મિત પણ આવી જતું. તેમના નજીકના લોકોનું માનવું છે કે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો.
કૉલેજના દિવસોમાં અટલજીની એક મિત્ર રાજકુમારી કૌલ હતી. જે પોતાના અંતિમ સમય સુધી અટલજીની સાથે રહી હતી. બંને ગ્વાલિયરના વિક્ટોરિયા કૉલેજમાં સાથે અભ્યાસ કરતાં હતા. અટલજી પર લખવામાં આવેલા પુસ્તક ‘અટલ બિહારી વાજપેયી: અ મેન ઑફ ઑલ સીઝન્સ’માં આ કિસ્સાનો ઉલ્લેખ છે.
થોડા સમય બાદ અટલજી રાજકારણમાં વ્યસ્ત થઇ ગયા અને આ વચ્ચે જ રાજકુમારીના પિતાએ તેના લગ્ન કૉલેજમાં પ્રોફેસર બ્રિજ નારાયણ કૌલ સાથે કરાવી દીધા. લગ્ન બાદ રાજકુમારીનો પરિવાર દિલ્હી યુનિવર્સિટીના રામજસ કૉલેજ કેમ્પસમાં રહેવા લાગ્યો. અટલજી અને રાજકુમારીના સંબંધો ક્યારેય ચર્ચાનું કારણ ન બન્યા. જો કે જ્યારે 2014માં રાજકુમારી કૌલના નિધન બાદ અનેક મોટા અખબારોમાં તેને મહત્વ આપવામાં આવ્યું.
અટલજીની મિત્રતાની તૈનિકતા એવી હતી કે રાજકુમારીના પતિ બ્રિજ નારાયણ કૌલને પણ તેમની મિત્રતા સામે કોઇ વાંધો ન હતા. રાજકુમારીએ 80ના દશકમાં એક મેગેઝીનને ઇન્ટરવ્યુ આપ્યું હતુ. તેમાં તેમણે જણાવ્યું હતું કે અટલ સાથે પોતાના સંબંધોને લઇને પોતાના પતિને કોઇ સ્પષ્ટતા કરવી પડતી ન હતી. અમારા સંબંધો સમજણના સ્તર પર ખૂબ જ મજબૂત હતાં.
અટલજી જ્યારે પીએમ બન્યાં ત્યારે તેમના સરકારી નિવાસ પર રાજકુમારી પોતાની દીકરી નમિતા અને જમાઇ રંજન ભટ્ટાચાર્ય સાથે રહેતી હતી. તે સમયે અટલજીએ નમિતાને પોતાની દત્તક પુત્રીનો દરજ્જો આપ્યો હતો અને કૌલ પરિવારે જ તેમની દેખરેખ કરતું હતું. અટલ બિહારી વાજપેયીજીએ લગ્ન કર્યાં ન હતાં પરંતુ તેમની નમિતા ભટ્ટાચાર્ય તેમની દીકરી છે.