GSTV
India News ટોપ સ્ટોરી

કાશ્મીર ખીણમાં ફરી અરાજક્તા : હિન્દુઓની હત્યાથી ભારે રોષ, 350 પંડિતોના રાજીનામા

જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકીઓએ સરકારી ઓફિસમાં ઘૂસીને રાહુલ ભટ નામના કાશ્મીરી પંડિતની હત્યા કરી હતી. આ હત્યાને પગલે કાશ્મીરી પંડિતોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. કાશ્મીર ખીણમાં ફરી એક વખત આતંકીઓએ કાશ્મીરી પંડિતોનું ટાર્ગેટ કિલિંગ શરૂ કર્યું હોવાની આશંકાઓના પગલે શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં લગભગ ૩૫૦ કાશ્મીરી પંડિતોએ સરકારી નોકરીમાંથી સામુહિક રાજીનામા આપી દીધા હતા. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશમાં અસલામતી અનુભવતા હોવાનું જણાવ્યું હતું. આ સાથે હજારો કાશ્મીરી પંડિતોએ લાલચોક પર દેખાવો કર્યા હતા. કાશ્મીરી પંડિતોએ સવારે જમ્મુ-અખનૂર હાઈવે જામ કર્યો હતો, જ્યાં પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો અને આઠ પંડિતોની ધરપકડ કરી હતી.

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના આતંકીઓએ કાશ્મીરી પંડિત રાહુલ ભટની સરકારી ઓફિસમાં જઈને હત્યા કર્યાના બીજા દિવસે કાશ્મીરી પંડિતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તેમણે ખીણ વિસ્તારમાં અસલામતીની ભાવના વ્યક્ત કરતાં ખીણની બહાર સલામત સ્થળે તેમના સ્થળાંતર કરાવવાની માગણી કરી હતી. મધ્ય કાશ્મીરના બડગામમાં સ્થિત શેખપોરા કેમ્પમાં કાશ્મીરી પંડિતોને કામચલાઉ રહેણાંકની સુવિધા અપાઈ છે. રાહુલ ભટની હત્યાના વિરોધમાં દેખાવોનું આ એપી સેન્ટર હતું. અહીંથી કાશ્મીરી પંડિતોએ એરપોર્ટ તરફ માર્ચ કરી હતી અને જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.

કાશ્મીરી પંડિતોએ સરકાર વિરુદ્ધ દેખાવો કરતાં સવારે જમ્મુ-અખનૂર હાઈવે જામ કરી દીધો હતો. પોલીસે પંડિતોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને તેમના પર ટીયરગેસના શેલ છોડયા હતા. દેખાવકારોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં માગણી કરી હતી કે લેફ. ગવર્નર મનોજ સિંહા અહીં આવીને તેમને સલામતીની ખાતરી આપે. જોકે, મનોજ સિંહા તે સમયે સોપોરમાં હતા. શેખપોરા ઉપરાંત વેસુ, કાઝિગંજ અને મટ્ટનમાં પણ સરકારી કર્મચારી કાશ્મીરી પંડિતોએ દેખાવો કર્યા હતા. વધુમાં નિરાશ્રિતો માટે વડાપ્રધાનના પેકેજ હેઠળ રોજગારી મેળવનારા ૩૫૦થી વધુ કાશ્મીરી પંડિતોએ લેફ. ગવર્નર મનોજ સિંહાને સામૂહિક રાજીનામા મોકલી આપ્યા હતા.

દરમિયાન મનોજ સિંહાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, રાહુલ ભટના પરિવારજનોની મુલાકાત લીધી. સરકાર દુઃખના આ સમયમાં તેમની સાથે છે. આતંકીઓ અને તેમના સમર્થકોને તેમના ગૂના માટે મોટી કિંમત ચૂકવવી પડશે. બીજીબાજુ રાહુલ ભટની અંતિમ યાત્રામાં પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દર રૈના અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી કવિન્દ્ર ગુપ્તાનો કાશ્મીરી પંડિતોએ ભારે વિરોધ કર્યો હતો.

રાહુલ ભટની પત્ની મીનાક્ષીએ જણાવ્યું કે ચડૂરામાં રાહુલ અસલામતી અનુભવતો હતો. તેમણે બે વર્ષથી સ્થાનિક તંત્રમાંથી મુખ્યાલયમાં ટ્રાન્સફર માટે અરજી કરી હતી, પરંતુ તેમની ટ્રાન્સફર કરાઈ નહોતી. મીનાક્ષીએ ઉમેર્યું કે તેમને પતિની હત્યામાં તેમની ઓફિસમાં કામ કરનારા કેટલાક લોકોની સંડોવણી હોવાની આશંકા છે. તેમણે રાહુલની હત્યામાં આતંકીઓની યોજનામાં સાથ આપ્યો હશે. આતંકીઓએ રેવન્યુ વિભાગની ઓફિસમાં ઘૂસીને પૂછ્યું રાહુલ ભટ કોણ છે અને તેમના પર ગોળીઓ વરસાવી દીધી. મીનાશ્રીએ કહ્યું કે, રાહુલની હત્યાની ૧૦ મિનિટ પહેલાં જ તેની ફોન પર વાત થઈ હતી. તેમણે તેમને વહેલા ઘરે આવવા કહ્યું હતું.

Read Also

Related posts

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

મોટા સમાચાર / આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા, ‘જમ્મુ એક્સપ્રેસ’ ખેલાડીની એન્ટ્રી

Hardik Hingu

ભાજપમાં ભંગાણ / બાબુલ સુપ્રિયો બાદ વધુ એક ભાજપના સાંસદની TMCમાં ઘરવાપસી

Hardik Hingu
GSTV