GSTV

તકલીફમાં ગુજરાતનો તાત, ૩,૫૦૦ કરોડ રૂપિયાના નુક્સાન સામે સરકારની ૧૫૦ કરોડની સખાવત

Last Updated on November 4, 2019 by Mayur

અત્યારે સૌથી વધારે તકલીફમાં ગુજરાતનો તાત હોવા છતાં પાક વીમા કંપનીઓને બચાવવા માટે સરકાર લીલા દુકાળની જાહેરાત ન કરી ખેડૂતોને ખોટના ખાડામાં ધકેલ્યા છે. ૧૦૩ તાલુકામાં વરસાદથી અતિ ગંભીર સ્થિતિ હોવા છતાં સરકારે કેન્દ્ર પાસે પણ મદદ ન માગી ગુજરાત સરકારે પોતાનો વટ તા ઊંચો રાખ્યો છે પણ સરકારની વાહવાહીમાં રૂપિયા ૩,૫૦૦ કરોડના નુક્સાન સામે ખેડૂતોને ૧૫૦ કરોડની લોલીપોપ મળશે. એ પણ ખેડૂતોએ ચૂકવેલા વીમાના પ્રીમિયમમાંથી અપાશે. રાજ્યમાં વીમો ન લેનારા ખેડૂતોને ૩૩ ટકાથી વધુ નુક્સાન ધરાવતી એસડીઆરએફની સ્કીમમાંથી સહાયની ચૂકવણીની જાહેરાત કરી રૂપાણી સરકારે પોતાના હાથ ઊંચા કરી લીધા છે. ખરીફ સિઝનમાં સતત વરસાદથી રાજ્યમાં સરેરાશ ૨૦ ટકા નુક્સાની ભોગવનાર ખેડૂતોને સરકાર સ્પેશ્યલ પેકેજ જાહેર કરશે તેવી આશા ધૂળમાં રગદોળાઈ ગઈ છે. બિઝનેસમેનો માટે પેકેજો જાહેર કરતી કેન્દ્ર સરકાર પણ ગુજરાતના ખેડૂતોને લાભ આપવામાં ઉણી ઉતરી છે. રાજ્યમાં ૮૬ લાખ હેક્ટરમાં વાવેતર વચ્ચે રાજ્યમાં ૧૪૫ ટકા વરસાદ વરસ્યો છે. ઓછા વરસાદથી બુમરાણ કરતાં ખેડૂતો માટે વરસાદે આ વર્ષે વધુ હેત વરસાવતાં ભારે ખાના ખરાબી સર્જાઈ છે.

  • એસડીઆરએફ અને પાક વીમો એ તો ખેડૂતોના હકના પૈસા, સરકારે ખેડૂતોને આપ્યો ઠેંગો
  • બિઝનેસમેનોને રાહત આપવામાં માહેર સરકાર ખેડૂતો માટે ન જાહેર કરી શકી ખાસ પેકેજ
  • રાજ્યમાં ખરીફ પાકને સરેરાશ ૨૦ ટકા નુક્સાન
  • મગફળી, કપાસ, કઠોળ, ધાન્ય અને ઘાસચારાના પાકને ભારે અસર, વરસાદે ખરીફ ખેતીનો સોથ વાળ્યો
  • વીમો ન લેનાર ખેડૂતને ૩૩ ટકાથી વધુ નુક્સાન હશે તો જ મળશે લાભ

શભરમાં મંદીનો માહોલ છે. ખેડૂતોને આ વર્ષ ખરીફ ઉત્પાદનના ભાવ માટે સંઘર્ષ કરવો પડશે તેવા એંધાણ વચ્ચે લીલા દુકાળે પાકનો સોથ બોલાવી દીધો છે. સતત વરસાદ અને અરબી સમુદ્રમાં સર્જાયેલા ૩ વાવાઝોડાને પગલે ૧૪૫ ટકા વરસેલા વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી દીધી છે. ખેડૂતોના ખેતરમાં ઊભો મોલ બગડી ગયો છે અને ખેડૂતો ભેગો કરી શક્યા નથી. સરકાર ખેતીમાં ભારે નુક્સાન હોવાના ખેડૂતોના દાવાઓને ન સ્વીકારતી હોય તેમ પાકવીમા કંપનીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ૧૦૩ તાલુકામાં વરસાદથી અતિ ગંભીર સ્થિતિ હોવા છતાં સરકારે લીલો દુકાળ જાહેર ન કરીને પાકવીમા કંપનીઓને મોટી રાહત આપી છે.

વીમો ન લેનારા ખેડૂતોની હાલત કફોડી

ગુજરાત સરકારે લીલો દુકાળ જાહેર કરવામાં સરકારી મેન્યુઅલની પણ અવગણના કરી છે. મંદી વચ્ચે બિઝનેસમેનો માટે રાહતની જાહેરાત કરતી કેન્દ્ર સરકારે ૩ વાર વાવાઝોડાની તબાહી છતાં એક પણ વાર ગુજરાતના ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી નથી. ગુજરાત સરકારે જાણે ખેડૂતોની હામી હોય તેમ વીમો લેનાર ખેડૂતોને પાક વીમાના પૈસા ચૂકવશે તેમ જણાવી ૨૫ દિવસમાં જ ઘરના પૈસા ચૂકવવાની તૈયારી તો કરી લીધી છે પણ વીમો ન લેનાર ખેડૂતોની હાલત કફોડી છે. સરેરાશ ગુજરાતમાં ૧૨થી ૧૩ લાખ ખેડૂતો પાકવીમા યોજનાનો લાભ લે છે. રાજ્યમાં ૫૦થી ૫૫ લાખ ખેડૂતોની સંખ્યા છે એટલે કે ૭૦ ટકા ખેડૂતો આ વીમા યોજનાના લાભથી વંચિત રહે છે. સરકારે એસડીઆરએ યોજના અંતર્ગત ૩૩ ટકા નુક્સાની ભોગવનાર ખેડૂતોને આ યોજનામાંથી લાભ આપવાનો નિર્ણય લીધો છે. જોકે, આ યોજનાની ઘણી મર્યાદાઓ છે.

સહાયને બદલે ખેડૂતોને સહારે છોડી દીધા

ગુજરાતમાં સરેરાશ ૧૪૫ ટકા વરસાદ વરસ્યો છે. ખેડૂતોને સહાયનો લાભ આપવાને બદલે સરકારે તેમના સહારે છોડી દીધા છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં સરેરાશ ૮૬.૭૭ લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. સરેરાશ એક ખેડૂતને એક વીઘા દીઠ ૪ હજાર રૂપિયા જેવો ખર્ચ આવે છે. આમ ખેડૂતને હેક્ટરે સરેરાશ ૨૦ હજારની આસપાસ ખર્ચ રહે છે. રાજ્યમાં લીલા દુકાળની જાહેરાત ન કરનાર સરકાર પણ સ્વીકારે છે કે ખરીફ પાકને સરેરાશ ૧૫થી ૨૦ ટકા નુક્સાન થયું છે. આ ગણતરી માંડીએ તો ખેડૂતોને રૂપિયા ૩,૫૦૦ કરોડથી ઓછું નુક્સાન ન હોવા વચ્ચે સરકારે ૧૫૦ કરોડની સખાવતી જાહેરાત કરી વીમા કંપનીઓને સાફ બચાવી લીધી છે. અછત મેન્યુઅલ-૨૦૧૬ના પ્રકરણ ૩ના પારા ૩.૨.૧ મુજબ સરેરાશ વરસાદ ૧૦૦% કરતાં ૨૦% વધુ હોય તો સામાન્ય સ્થિતિ, જા ૨૦થી ૪૦% વધુ હોય તો અસામાન્ય સ્થિતિ, ૪૦થી ૬૦% કે તેથી વધુ હોય તો અતિ ગંભીર સ્થિતિ ગણાય. એ મુજબ રાજ્યના ૫૫ તાલુકાઓમાં (પત્રક-૧ મુજબ)માં અસામાન્ય સ્થિતિ અને ૧૦૩ તાલુકાઓ(પત્રક-૨ મુજબ)માં અતિ ગંભીર સ્થિતિ છે. આમ આ મેન્યુઅલને પણ સરકાર સ્વીકારવા તૈયાર નથી.
લીલી મગફળીની પણ સરકાર ખરીદી કરશે.

મગફળીના પાથરા કોહવાય ગયા છતા તંત્રનો નનૈયો

મગફળીમાં સરકારી તંત્ર નુકસાનીના અહેવાલને ફગાવી રહ્યું છે. મગફળીના પાથરા કોહવાઈ ગયા હોવા છતાં તંત્ર આ બાબતને નકારી રહ્યું છે. આ વર્ષે સતત વરસાદને કારણે મગફળીમાં ફૂગ આવવાની સાથે કવોલિટી બગડી ગઈ છે. અત્યાર સુધીમાં મગફળીનું ૧૫.૫૧ લાખ હેકટરમાં વાવેતર થયું છે. સરકાર આ બાબતને સ્વીકારવા તૈયાર નથી. મગફળી ખરીદી અંગે રાજય સરકારે એક સારો મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર આઠ ટકા સુધી ભીંજાયેલી મગફળી ખરીદશે. ભીંજાયેલી મગફળી ખરીદવા સરકારે ૫ દિવસનો વિશેષ સમય ફાળવ્યો છે. જે મુજબ ૧૮થી ૨૨ નવેમ્બર દરમિયાન સરકાર ભીંજાયેલી મગફળી ખરીદશે. તો ૧ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધીમાં ખેડૂતોને ફોન કરી અને જીલ્લા તંત્ર આ અંગે માહિતી મેળવશે. ભીંંજાયેલી મગફળી ખરીદવાના મુદ્દે અન્ન અને નાગરીક પુરવઠા નિગમે જિલ્લા તંત્રને પત્ર પણ લખ્યો છે. આ તમામ બાબતો વચ્ચે એ સ્પષ્ટ છે કે, ૨૫ લાખ ટન ઉત્પાદન થવાના અંદાજ વચ્ચે સરકાર ૮ લાખ ટનથી વધુ ટેકાના ભાવે ખરીદવાના નથી.

આ પાકોને પણ થયું છે નુક્સાન

કપાસમાં આ વર્ષે આગોતરી વાવણી કરી ખેડૂતો ભરાય ગયા છે. રાજ્યમાં ૨૬.૬૮ લાખ હેકટરમાં કપાસની વાવણી થઈ છે. જેમાં ૫૦થી ૬૦ ટકા કપાસમાં જિંડવા ફાટી ગયા છે. કપાસમાં રૂની ગુણવત્તા બગડવાની સાથે ફૂલ ચાંપવા ખરી ગયા છે. રાજ્યમાં ખરીફ પાકમાં મગ, અડદ અને તલમાં ભારે નુક્સાની થઈ છે. મગ અને અડદ હાલમાં કાપણીના સ્ટેજે હોવાથી વરસી રહેલા વરસાદે આ પાકમાં ૨૦ ટકાનું નુક્સાન પહોંચાડ્‌યું છે. રાજ્યમાં સરકારે આ પાકોના ઉત્પાદનના આંક ૬૦ હજાર ટન અને ૫૦ હજાર ટન મૂક્યા હતા. તેલીબિયાં પાક ગણાતા તલમાં મોટાભાગના તલની ગુણવત્તા બગડી છે. રાજ્યમાં આ પાકની વાવણી ૧.૧૬ લાખ હેક્ટરમાં થઈ હતી. જેમાં ૩૦થી ૪૦ ટકા નુકસાનીનો અંદાજ છે. કેળ, પપૈયાં, લીંબુ સહિતના પાકોને અસર પહોંચી છે. બાજરીની ખરીફ સિઝનમાં ૧.૭૩ લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. આ પાક હાલમાં કાપણીની સ્ટેજ પર હોવાથી ડૂંડા બંધાવા સમયે જ વરસાદથી ઉભો પાક ઉગી જવાની સાથે ગુણવત્તા બગડવાની પૂરી સંભાવના છે. રાજ્યમાં બાજરીના પાકમાં ૧૦થી ૧૫ ટકા નુક્સાની થઈ શકે છે. શાકભાજી પાકોમાં આ વરસાદે ભારે અસર કરી છે. ટામેટાં અને ડુંગળીના ઊંચા ભાવો એ લીલા દુકાળને જ આભારી છે.

વળતરના આ છે દાવા

  • અતિવૃષ્ટીથી થયેલા નુકસાન બાદ વળતરની જાહેરાત
  • ૩૩ ટકાથી વધુ નુકસાન હશે તેને વળતરની ચૂકવણી
  • મહત્તમ બે હેકટર સુધી મળશે નુકસાનનું વળતર
  • પિયત વિસ્તારમાં પ્રતિ હેકટરે ૧૩,૫૦૦નું વળતર
  • બિનપિયત વિસ્તારમાં પ્રતિ હેકટરે ૬,૫૦૦નું વળતર અપાશે
  • મોટા ભાગની સરવેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનો દાવો
  • ૨૫ દિવસમાં ૧૫૦ કરોડ ચૂકવવાનો સરકારનો વાયદો
  • વીમા કંપનીઓના નાણાં ચૂકવવામાં ઠાગાઠૈયા
  • સરકારના પાક ઉત્પાદનના અંદાજો ખોટા પડશે
  • ગુજરાત સરકારે ખેડૂતો માટે કેન્દ્ર પાસે મદદની ન કરી દરખાસ્ત
  • મહા વાવાઝોડાને પગલે હજુ પણ ગુજરાતમાં વરસશે વરસાદ
  • ખેડૂતોના સરવેને પગલે રવી સિઝનની વાવણીને પણ થશે અસર
  • દર વર્ષે ખેડૂતો પાસેથી કરોડોનું પ્રીમિયમ ઉઘરાવી જાય છે વીમા કંપનીઓ

સરવેનો સંતાપ

  • ગુજરાતમાં વધુ પડતા વરસાદથી સાર્વત્રિક નુકસાન
  • ગુજરાતના ૧૪૨ તાલુકામાં ૧૨૦ ટકાથી વધુ વરસાદ
  • ૫૮ તાલુકામાં ૧૪૦ ટકા કરતા વધુ વરસાદ
  • ૨૦ તાલુકામાં ૨૦૦ ટકા કરતા વધુ વરસાદ
  • ૧૨૦ ટકાથી વધુ વરસાદ હોય તો લીલો દુકાળ કહેવાય , જ્યાં ૧૪૦ ટકાથી વધુ વરસાદ હોય ત્યાં સ્થિતિ અતિ ગંભીર કહેવાય

READ ALSO

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Big Breaking / અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન પાસે ફાયરિંગ, લગાવવામાં આવ્યું લોકડાઉન: હુમલાખોર હજુંય સક્રિય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!