સાઉથની ‘પુષ્પાઃ ધ રાઈઝિંગ’ અને ‘આરઆરઆર’ની બોક્સ ઓફિસ પરની બાદશાહત પતી નથી ત્યાં સાઉથની વધુ એક ફિલ્મે બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી દીધો છે. પ્રશાંત નીલે ડિરેક્ટ કરેલી કન્નડ સુપરસ્ટાર યશની ‘કેજીએફઃ ચેપ્ટર ટુ’ ૧૪ એપ્રિલે રજૂ થઈ ને પહેલા અઠવાડિયે જ અણસાર આપી દીધો કે, આ મૂવી ‘પુષ્પાઃ ધ રાઈઝિંગ’ અને ‘આરઆરઆર’ની જેમ કરોડોની કમાણી કરશે. પરંતુ ‘કેજીએફઃ ચેપ્ટર ટુ’એ પહેલા ચાર દિવસમાં જ કરેલી કમાણીને જોતાં યશની ફિલ્મ બધા રેકોર્ડ તોડી નાંખશે એવું લાગે છે.
‘કેજીએફઃ ચેપ્ટર ટુ’ મૂવીએ પહેલા ચાર દિવસમાં જ ઓવરઓલ ૫૫૧ કરોડ રૃપિયાની કમાણી કરી લીધેલી જ્યારે હિંદી વર્ઝને ૧૮૦ કરોડના આંકને વટાવીને ‘બાહુબલિ ૨’ અને ‘દંગલ’ને પાછળ છોડી દીધી છે. હિન્દી ફિલ્મો ૫૦ કરોડ રૃપિયાની કમાણી કરતાં હાંફી જાય છે ત્યારે સાઉથની ડબ કરાયેલી ફિલ્મ હિન્દી પટ્ટામાં ચાર દાડામાં ૧૮૦ કરોડ રૃપિયાનો બિઝનેસ કરી નાંખે એ બહુ વાત મોટી કહેવાય. ‘કેજીએફઃ ચેપ્ટર ટુ’ની હજુ તો શરૃઆત છે ને છતાં જબરદસ્ત ક્રેઝ છે. અત્યારે એક્ઝામની મોસમ ચાલે છે ને યંગસ્ટર્સ નવરાં નથી. વેકેશન પડતાં યંગસ્ટર્સ પણ મૂવી જોવા ઉમટશે એ જોતાં તેની કમાણી ક્યાં જઈને અટકશે તેની કલ્પના પણ થઈ શકતી નથી.

‘કેજીએફઃ ચેપ્ટર ટુ’ની સફળતાએ સાઉથની ફિલ્મો બોલીવુડની ફિલ્મો કરતાં બધી રીતે સુપીરિયર હોય છે એ ફરી સાબિત કર્યું છે. ચસકવા ના દે એવી જોરદાર સ્ટોરીલાઈન, યશના પાવરપેક પરફોર્મન્સના જોરે મૂવીએ ધમાલ મચાવી છે. અત્યારે ચોતરફ ‘કેજીએફઃ ચેપ્ટર ટુ’ની જ ચર્ચા છે પણ વધારે ચર્ચા ફિલ્મમાં બતાવાયેલા કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (કેજીએફ)ના માહોલની છે. મૂવીમાં કેજીએફમાં કામ કરતા કામદારોની દયનિય હાલતનું હમચમી જવાય એવું ચિત્રણ કરાયું છે.
ફિલ્મમાં બતાવાયું છે કે, સોનાની ખાણોમાં કામ કરતા કામદારોને ગુલામની જેમ રખાતા, અમાનવિય અત્યાચારો કરાતા. આ વાતો સાચી છે કે નહીં એ જાણવામાં સૌને રસ પડી ગયો છે. ગુગલ પર છેલ્લા પાંચેક દિવસથી સૌથી વધારે સર્ચ કરાતા શબ્દોમાં કેજીએફ ટોપ પર છે તેના પરથી જ લોકોની ઉત્સુકતાનો ખ્યાલ આવે. ‘કેજીએફ’ સત્યઘટનાઓ પર આધારિત હોવાનો દાવો કરાય છે તેથી પણ લોકોને સવાલ થઈ રહ્યો છે કે, ખરેખર કેજીએફમાં કામ કરનારાં લોકોની દશા આટલી ખરાબ હતી ?

‘કેજીએફ’ કઈ સત્ય ઘટના કે ઘટનાઓ પર આધારિત હોવાની સ્પષ્ટતા નથી કરાઈ પણ ભારતમાં કેજીએફ વાસ્તવમાં એક સ્થળ છે. કર્ણાટકના કોલાર જિલ્લામાં આવેલી આ સોનાની ખાણ ૨૦૦૧માં બંધ કરી દેવાઈ પણ કોલર ગોલ્ડ ફિલ્ડ્સ (કેજીએફ) નામનું શહેર છે જ. લગભગ પોણા બે લાખની વસતી ધરાવતા શહેરમાં મ્યુનિસિપલ કાઉન્સિલ છે. આ શહેરમાં મોટા ભાગે સોનાની ખાણમાં કામ કરનારા લોકોનાં પરિવારો રહે છે.
કેજીએફમાં ઓગણીસમી સદીના અંતમાં સોનું ખોદવાનું કામ શરૃ થયું પછી અંગ્રેજો તમિલનાડુથી મજૂરોને લઈ આવેલા. સ્થાનિક લોકો ચોરી કરીને સોનું લઈ ના જાય તેથી બહારના મજૂરોને અહીં વસાવાયેલા. કેજીએફમા કામ કરનારા એન્જીનિયર્સ, સુપરવાઈઝર વગેરે ઉંચી પોસ્ટ પરના બધા અંગ્રેજો હતા તેથી તેમના માટે આલિશાન મકાનો બન્યાં, અંગ્રેજી મીડિયમની સ્કૂલ પણ બની અને કેજીએફ ક્લબ પણ બની.
બીજી તરફ ખાણમાં કામ કરતા મજૂરો માટે ઝૂંપડપટ્ટીઓ ઉભી થઈ. આ ઝૂંપડપટ્ટીઓમાં અપાર ગંદકી હતી. લાકડાના પાટિયાં અને ઉપર પતરાં નાંખીને બનાવાયેલી દરેક ઝૂંપડીમાં ઢોરની જેમ લોકો રહેતાં. બીજી કોઈ સવલતો નહોતી તેથી ચોતરફ ગંદકી જ ગંદકી હતી. આ વિસ્તારમાં ઉંદરો મોટા પ્રમાણમાં હતા. ઝૂંપડપટ્ટીઓ બનતાં ઉંદરો એ તરફ વળ્યા. ઉંદરો ખાવાની ચીજો ખાઈ જતા તેથી મજૂરો તેમને મારી નાંખતા. વરસે ઓછામાં ઓછા ૫૦ હજાર ઉંદરોને મારી નંખાતા એવું કહેવાય છે. કેજીએફમાં બતાવાયેલી ઝુંપડપટ્ટી જેવા વિસ્તારોમાં જ મજૂરો રહેતા હતા. અત્યારે પણ કેજીએફમાં આ ઝૂંપડપટ્ટીઓ છે જ.

મૂવીમાં ખાણમાં ગેંગસ્ટરનું વર્ચસ્વ બતાવાયું છે, તેના ગુંડા લોકો પર અમાનવિય અત્યાચારો કરે છે એવું બતાવાયું છે. આ બધું સાવ ખોટું નથી કેમ કે અંગ્રેજો મજૂરો પાસેથી વધારે કામ કરવા માટે સ્થાનિક ગુંડાઓને રાખતા જ હતા. આ ગુંડા મજૂરો વધારે કામ કરે એ માટે તેમની મારઝૂટ કરતા. કામચોરી કરે કે સોનાની ચોરીની કોશિશ કરે તેને મારી મારીને પતાવી દેતા. ખાણમાં મજૂરોએ ટનલમાં કામ કરવું પડતું. આ ટનલો ભઠ્ઠી જેવી હતી. ઘણી વાર તો તાપમાન ૫૫ ડીગ્રી સુધી પહોંચી જતું ને મજૂરો બેભાન થઈ જતા. તેમને સારવાર આપવાની કોઈ સગવડ જ નહોતી તેથી ખાણમાં ગમે ત્યાં ફેંકી દેવાતા. નસીબ હોય ને બચી જાય તો ઠીક, બાકી પરિવારે આવીને લાશ લઈ જવાની. એવું કહેવાય છે કે, આ રીતે દરરોજ એક-બે મજૂરો મરી જ જતા. તેમના તરફ સહાનુભૂતિ બતાવવાની કોઈ હિંમત નહોતું કરતું કેમ કે ખાણના ગુંડા તેમને પણ પતાવી નાંખે.
આ ગુંડા ખાણની બિલકુલ પાસે બનેલી ઝૂંપડપટ્ટીઓ પર પણ સતત પહેરો રાખતા. કોઈ મજૂર ભાગી ના જાય તેનું ધ્યાન રખાતું ને ગમે ત્યારે આવીને ગુંડા તલાશી લેતા. તલાશીના બહાને મજૂરોની સ્ત્રીઓ પર બળાત્કાર ગુજારાતા. મોટા ભાગના ગુંડા ઝૂંપડપટ્ટીઓમા જ પડયાપાથર્યા રહીને સ્ત્રીઓનું શોષણ કરતા. ચૂપચાપ સહન કરી લે તેને કંઈ ના થતું પણ અવાજ ઉઠાવે તેની જીંદગી ખતમ થઈ જતી.

કેજીએફમાં સંખ્યાબંધ ખાણ હતી. જનરલ ઈલેક્ટ્રિક કંપનીએ ૧૯૦૨માં ૧૪૦ કિલોમીટર લાંબો કેબલ વીજળી આપવા નાંખેલો. તેના પરથી જ સમજાય કે, ખાણો ૧૪૦ કિમીના પટ્ટામાં ફેલાયેલી હતી. જો કે દરેક ખાણમાં આ જ હાલત હતી. જોન ટેલર એન્ડ સન્સ નામની કંપની પાસે સૌથી વધારે ખાણ હતી. જોન ટેલરે માયસોર ગોલ્ડ કંપની નામે સબસિડરી કંપની બનાવીને કેટલાક ભારતીયોને ભાગીદાર બનાવેલા પણ ગોલ્ડના બિઝનેસ પર સંપૂર્ણ અંકુશ ટેલરનો હતો.
દેશ આઝાદ થયો પછી ૧૯૫૬માં ખાણોનું રાષ્ટ્રીયકરણ થતાં અંગ્રેજોનો અંકુશ ગયો પણ સરકારમાં બેઠેલા લોકોએ ઘણી ખાણો પર ગેરકાયદેસર કબજો કરીને ગુંડાઓ મારફતે વહીવટ ચલાવ્યો હતો. આ ખાણોમાં મૂવીમાં બતાવાઈ એવી હાલત હતી જ તેથી મૂવીમાં જે કંઈ બતાવાયું છે એ સાવ કાલ્પનિક નથી જ. મૂવીને મનોરંજક બનાવવા થોડો ડ્રામા ઉમેરાયો છે પણ સાવ મનમાં તુક્કો સૂઝયો એ બતાવી દીધું એવું નથી જ.
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ