ચીન પર મસૂદને આતંકી જાહેર કરવા દબાણ વધ્યું, યુએનને વચગાળાના ઉપાય માટે અપીલ

un ban on masood

ચીને વિટો વાપરીને સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને આતંકી જાહેર ન થવા દીધો. પુલવામા હુમલા બાદ મસૂદ વિરુદ્ધ કાર્યવાહીની માગ આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક બની હતી. આ સ્થિતિ વચ્ચે પણ ચીને પોતાનું વલણ ન બદલ્યું જેને પગલે હવે વિશ્વના દેશો અન્ય કોઇ નીતી અપનાવીને ચીન પર દબાણ બનાવવાની તૈયારીમાં છે.

આ અંગે કેટલાક દેશોએ ચીનને ચેતવણી પણ આપી છે કે અમે સંયુક્ત રાષ્ટ્ર કાઉન્સિલ અન્ય કોઇ રસ્તા નિકાળીને મસૂદ અઝહરને આતંકી જાહેર કરે તેવી માગણી કરીશું. અગાઉ અમેરિકાએ પણ ચીનને ચેતવણી આપી હતી કે જો મસૂદ અઝહરને આતંકી જાહેર કરવામાં અડચણ ઉભી કરી તો તેનાથી ચીન અને અન્ય દેશો સાથેના સંબંધો પર અસર પડશે. 

મસૂદ અઝહરને આતંકી જાહેર કરવામાં ચીને છેલ્લા દસ વર્ષમાં ચોથી વખત અડચણ ઉભી કરી છે. આઇએસઆઇનો ખાસ મસૂદ અઝહર હાલ પાકિસ્તાનના રાવલપીંડીમાં સૈન્યની સુરક્ષા વચ્ચે સારવાર કરાવી રહ્યો છે.

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં ચીને વિટો વાપરીને મસૂદ અઝહરને ફરી આતંકી જાહેર થતો અટકાવ્યો હતો. જેને પગલે ભારતે આ મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. ભારતને હાલ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા સહીતના દેશોનો સાથ છે અને જે પ્રસ્તાવ મુક્યો હતો તેમાં પણ આ દેશોએ સાથ આપ્યો હતો, માત્ર ચીને જ અવળચંડાઇ કરી હતી.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રોબર્ટ પેલ્લાડીનોએ જણાવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન છે અને તેના પર પ્રતિબંધ છે, અમે તેને પહેલાથી જ આતંકી તરીકે જોઇ રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક હોવાથી તે પણ આતંકી જ કહેવાય અને આતંકી સંગઠન સાથે સંકળાયેલો હોવાથી તેના પર પ્રતિબંધ મુકવા માટે પુરતા પુરાવા છે.

કોંગ્રેસમેન બ્રાડ શેરમને જણાવ્યું હતું કે ચીને મસૂદને આતંકી જાહેર ન થવા દીધો આ પગલુ સ્વીકાર્ય નથી. મસૂદ અઝહર પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ છે અને હું સંયુક્ત રાષ્ટ્રને વિનંતી કરુ છું કે તે મસૂદ અઝહરને આતંકી જાહેર કરવામાં સંયુક્ત રાષ્ટ્રને મદદ કરે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter