GSTV

કેતન ઈનામદારે સૌરભ પટેલને રજૂઆત કરી હતી પણ પોતાની જ પાર્ટીના પ્રધાને કંઈ ભાવ ન આપ્યો

સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ કેતન ઇનામદારે સીધો જ ઉર્જા પ્રધાન સૌરભ પટેલ સામે મોરચો ખોલ્યો છે. સાવલી નગર પાલિકાનુ વીજ કનેકશન કપાઇ જવાને મુદ્દે રજુઆતો કરવા છતા પણ કોઇ કાર્યવાહી ન થયાનો કેતન ઇનામદારે આક્ષેપ કર્યો છે. વીજ કનેકશન પાછું ચાલું કરવા કેતન ઇનામદારે એમજીવીસીએલના એમ ડી ભટ્ટને રજૂઆત કરી હતી. તેમ છતા તેમની રજૂઆત કાને નહોતી ધરાઇ. તેમણે સંતોષકારક જવાબ ન મળ્યાનો પણ બળાપો ઠાલવ્યો છે. આ અંગે ઊર્જા પ્રધાન સૌરભ પટેલે પણ યોગ્ય જવાબ ન આપ્યાની હૈયાવરાળ ઠાલવી છે. આમ કેતન ઇનામદારે સ્પષ્ટ રીતે સૌરભ પટેલથી નારાજગી વ્યકત કરી છે.

ગઈકાલે ભાજપમાં ઉઠ્યા બળવાના સૂર

ગુજરાતના રાજકારણમાં પહેલીવાર એવી ઘટના બની છેકે, ભાજપના ધારાસભ્યએ રાજીનામુ આપ્યુ છે. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. ખુદ મંત્રીઓ જ પ્રજાના કામો કરતાં નથી. ધારાસભ્યોના પ્રશ્નો અંગે મંત્રીઓ-અધિકારીઓ દરકાર લેતા નથી. મતવિસ્તારોમાં વિકાસના કામો થતા નથી.

આ કારણો ધરીને કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામાનો પત્ર આપ્યો છે. ધારાસભ્યય્નો સુષુપ્ત રોષ ભભૂકતાં હવે ગુજરાતના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.કેતન ઇનામદારના રાજીનામાને પગલે ભાજપમાં ખળભળાટ મચી ગયો છે કેમ કે,પહેલીવાર ગુજરાતમાં ભાજપ તૂટી છે.

છેલ્લા કેટલાંય વખતથી  ભાજપના ધારાસભ્યોનો એક જ સૂર રહ્યો છેકે, મત વિસ્તારમાં વિકાસના કામો થતાં નથી. અધિકારીઓ જ ધારાસભ્યોને ગાંઠતા નથી. ધારાસભ્યોનુ કોઇ સાંભળનાર જ નથી. પણ શિસ્તબધ્ધ પાર્ટીના ધારાસભ્યો અંદરોઅંદર જ ઘુંટાઇ રહ્યાં હતાં ત્યારે જ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે અચાનક જ રાજીનામું ધરીને ભાજપને ઝટકો આપ્યો છે.

ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામુ સોપ્યું હતું. ઇનામદારે રાજીનામા પત્રમાં એવો આક્ષેપ કર્યો કે,  સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવે મારા મત વિસ્તારના પ્રશ્નોના મુદ્દે ખુદ સરકારના મંત્રીઓ  અને અધિકારી ધ્યાન જ આપતાં નથી. પ્રજાના પ્રતિનીધી એવા ધારાસભ્યોનુ માન સન્માન પણ જળવાતુ નથી. પ્રજાના પ્રશ્નોને લઇને સરકારમાં રજૂઆત કરીએ છતાંય મંત્રીઓ અને અધિકારીઓ ધરાર અવગણના કરે છે. મારી જ નહીં, મારા સાથી ધારાસભ્યોની ય અવગણના થઇ રહી છે.મત વિસ્તારની લોકો માટે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી રહ્યુ છું.

એક તરફ, રાજ્ય સરકારનો દાવો છે કે, આ સરકાર નિર્ણાયક,સંવેદનશીલ અને કામ કરતી સરકાર છે. બીજી તરફ, ભાજપના ધારાસભ્યોનો આરોપ છેકે, પ્રજાલક્ષી કામો થતાં જ નથી. પહેલીવાર નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગઢમાં ભાજપમાં ગાબડાં પડયા છે. પ્રદેશ નેતાગીરી સામે ય આ ચિંતાનો વિષય ઉભો થયો છેકે, અત્યાર સુધી ધારાસભ્યો પક્ષમાં જ રહીને વાત કરતાં હતાં પણ હવે ખુલ્લેઆમ આંતરિક રોષ ભભૂકીને બહાર આવી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં કઇંક નવા જૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.

કેતન ઇનામદારના રાજીનામા બાદ ભાજપમાં ખળભળાટ મચ્યો છે. અન્ય કોઇ ધારાસભ્યો પણ કેતન ઇનામદારના માર્ગે જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.  પ્રદેશના માળખાની રચના થાય તે પહેલાં જ ભાજપને મોટો ઝટકો મળ્યો છે ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે એક નવો પડકાર ઉભો થયો છે. 

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કહે છે, મને રાજીનામુ મળ્યુ જ નથી

ધારાસભ્ય કેતન ઇનામદારે વિકાસના કામો થતા નથી અને મંત્રી-અધિકારીઓને પ્રજાલક્ષી કામો કરતાં નથી તેવો આક્ષેપ કરીને રાજીનામુ ધરી દીધુ છે. ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ મોકલી આપ્યુ છે.જોકે, અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ એવો ખુલાસો કર્યો છેકે, મને રાજીનામુ મળ્યુ જ નથી. હવે સવાલ એ ઉઠયો છેે કે, ઇનામદારે કોને રાજીનામુ મોકલ્યુ. વિધાનસભા અધ્યક્ષ સુધી રાજીનામુ પહોચ્યુ નથી ત્યારે ભાજપ હવે ઇનામદારને મનાવવા આકાશ પાતાળ એક કરશે અને ઘીના ઠામમાં ઘી જેવો ઘાટ સર્જશે તેવુ સુત્રોનું કહેવુ છે.

કમલમમાં સન્નાટો છવાયો, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દોડી આવ્યાંં

ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ કમલમમાં જાણે સન્નાટો છવાયો હતો. એક તબક્કે તો ભાજપના નેતાઓ ય જાણે મોંઢુ સીવીને બેસી ગયા હતાં. કોઇ પ્રતિક્રિયા આપવા તૈયાર ન હતું. ખુદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ કમલમ ખાતે દોડી આવ્યાં હતાં. સમગ્ર મામલો થાળે પાડવા માટે બેઠકનો દોર આરંભાયો હતો. ઇનામદાર સાથે ઘરોબો ધરાવતાં નેતા-આગેવાનોને મનામણા માટે કામ સોંપાયુ હતુ. આમ સમગ્ર પરિસ્થિતીમાં ડેમેજ કંટ્રોલકરવા પ્રયાયો કરવામાં આવી રહ્યાં છે. પહેલીવાર એવું બન્યુંકે, પ્રદેશ નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે. જેના કારણે હાઇકમાન્ડે પણ ગંભીર નોંધ લીધી છે. 

કોંગ્રેસ કેતન  ઇનામદારના સંપર્કમા, રાજકીય વાતાવરણ ગરમાયું

કેતન ઇનામદારના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઇનામદારે રાજીનામુ ધરી દેતાં કોંગ્રેસ સક્રિય બની છે. કોંગ્રેસના નેતાઓનો દાવો છેકે, તેઓ કેતન ઇનામદારના સતત સંપર્કમાં છે. ડૉ.મનિષ દોશીએ એવી પ્રતિક્રિયા આપી છેકે,જો ધારાસભ્યોના કામ ન થતા હોય તો આમ જનતાનુ શું કામ થતુ હશે.

ઇનામદાર જેવા ધારાસભ્યોને હવે રહી રહીને વાસ્તવિક્તાની ખબર પડી છે. આ તરફ, ભાજપના પ્રવક્તા ભરત પંડયાએ એવી પ્રતિક્રિયા આપી છેકે, કેતન ઇનામદારના કયા પ્રશ્નો છે,કયા વિકાસના કામો થયા નથી, કયા અધિકારી ભાજપના ધારાસભ્યની અવગણના કરે છે તે તમામ મુદ્દે માહિતી મેળવાઇ રહી છે.ઇનામદાર સાથે ચર્ચા કરીશું. તેઓ રાજીનામુ પાછું ખેચે તે માટે સમજાવાશે. કોંગ્રેસ પહેલાં પોતાનુ ઘર સંભાળે.

READ ALSO

Related posts

IPL 2020/ મુંબઈની પ્લે ઓફમાં ધમાકેદાર એન્ટ્રી, RCBને 5 વિકેટે હરાવ્યું

Pravin Makwana

બિહારના ચાણ્ક્ય ગણાતા નીતિશ કુમાર એકલા પડી ગયા, બહુમતિ નહીં મળે તો ભાજપ કરી દેશે અલવિદા

pratik shah

બેરોજગારી અને પ્રવાસી મજૂરોના કારણે નીતિશ પરેશાન: શું બિહારમાં પરિવર્તનનો પવન, આરજેડીની સભામાં જામે છે જોરદાર ભીડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!