GSTV
India News ટોપ સ્ટોરી

કેજરીવાલને ખબર પડી ચૂકી છે કે મોદી અને ભાજપને ચપટી વગાડતા જ કેવી રીતે હરાવી શકાય ?

દિલ્હીમાં સત્તત ત્રીજી વખત જીતનો ડંકો વગાડ્યા બાદ હવે દેશની રાજનીતિ બદલવા માટેની અરવિંદ કેજરીવાલે કવાયત આદરી છે. ભાજપના કટ્ટર હિન્દુત્વની સામે આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ સોફ્ટ હિન્દુત્વની રાજનીતિની ડાળખી પકડી લીધી છે. કેજરીવાલ ભ્રષ્ટાચાર મુક્ત અને દેશના વિકાસના એજન્ડા પર કામ કરવાના દમ પર શીલા દીક્ષિતના નેતૃત્વવાળી કોંગ્રેસને પરાજયનો સ્વાદ ચખાવ્યો હતો. પણ જ્યારે સામનો બીજેપી સામે હતો તો તેમણે પોતાના એજન્ડાને સોફ્ટ હિન્દુત્વ તરફ ટર્ન કરી લીધો અને હનુમાન ભક્ત બની ગયા.

કેજરીવાલનું સોફ્ટ હિન્દુત્વ અને ભાજપના સુપડા સાફ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સોફ્ટ હિન્દુત્વથી દિલ્હીની ગાદી ફરી મેળવવાનો લાભ પ્રાપ્ત થયો. કેજરીવાલ દિલ્હીની 70માંથી 62 બેઠકો જીતી સત્તામાં કામિયાબીની હેટ્રીક લગાવી દીધી. દિલ્હીમાં જીત મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર રાષ્ટ્રીય ફલક પર છે. જ્યાં પણ તેઓ પોતાની અમીટ છાપ છોડવા માગે છે. જો AAP આ રીતે સત્તાના સંગ્રામમાં ગગનચૂંબી છગ્ગો લગાવવા માગતી હોય તો સાફ છે તેણે વર્તમાન સમયની સૌથી મોટી પાર્ટી ભાજપને હરાવવી પડશે. જે માટે ચીલાચાલુ રાજનીતિ નહીં ચાલે. સોફ્ટ હિન્દુત્વ માટે જ કેજરીવાલ હનુમાન ભક્ત બની ગયા અને આરામથી ભાજપની ફૌજને હારનો સ્વાદ ચખાડી દીધો. AAPના નેતાઓએ હાલમાં સુંદરકાંડના પાઠ કરવાના પણ શરૂ કરી દીધા છે. કેજરીવાલે રમેલો આ દાવ કોંગ્રેસ સહિતના પક્ષો માટે ખતરાની ઘંટી બની ગયો છે.

ભૂતોને દૂર રાખવામાં હનુમાનજી અમારા માટે તાકાત છે

દિલ્હીના ગ્રેટર કૈલાશથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્રાજે ટ્વીટર પર લખ્યું છે કે, દરેક મંગળવારના પહેલા દિવસે સુંદરકાંડનો પાઠ અલગ અલગ વિસ્તારોમાં કરવો પડશે. NIAને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, ‘આ ચૂંટણીમાં અમારા પર ઘણી સમસ્યાઓ આવી. જ્યારે જ્યારે અમારી અને દિલ્હી પર સંકટના વાદળ ઘેરાયા ત્યારે ત્યારે સંકટમોચક બનીને ભગવાન હનુમાનજી બહાર આવ્યા. હનુમાનજી એવા ભગવાન છે જે ગરીબોના પણ છે અને અમીરોના પણ છે. મહિલાઓમાં પોપ્યુલર છે અને બાળકોમાં પણ. ભૂતોને દૂર રાખવા માટે હનુમાનજી અમારા માટે સૌથી મોટી તાકાત છે.’

મનીષ સિસોદીયાનું નિવેદન ભારે પડ્યું

મહત્વનું છે કે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ કહ્યું હતું કે, અમે શાહીન બાગના લોકોની સાથે છીએ. તેમના આ નિવેદન બાદ AAP પાર્ટીએ પોતાની લાઈન બદલવી પડી હતી. અરવિંદ કેજરીવાલે શાહીન બાગ અંગે બોલવા પર પોતાના નેતાઓને ચુપ રહેવાનું કહ્યું હતું. અને ચૂંટણી દરમિયાન મુસ્લિમ વિસ્તારોથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું. કેજરીવાલના આ નિવેદનનું જ પરિણામ હતું કે, ભાજપ દ્રારા કરવામાં આવેલા લાખો પ્રયત્નો બાદ પણ હિંદુ વોટોનું ધ્રૂવીકરણ ન કરી શક્યું અને કેજરીવાલે સત્તામાં હેટ્રીક લગાવવામાં સફળ થઈ ગયા.

કેજરીવાલે ખૂદને હનુમાનભક્ત બતાવ્યા

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હનુમાનજીની એન્ટ્રી થઈ. જે કોઈ અન્ય નેતાએ નહીં પણ ખૂદ અરવિંદ કેજરીવાલે કરાવી હતી. એક ઈન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું કે, શું હનુમાન ચાલીસા આવડે છે ? આ સવાલ સાંભળીને કેજરીવાલે ખૂદ હનુમાન ચાલીસા ગાઈ બતાવી હતી. આ સિવાય તેઓ બજરંગબલીના મંદિરમાં જવા લાગ્યા હતા. દિલ્હી ચૂંટણી જીત્યા બાદ પણ તેમણે હનુમાનજીનો આભાર માન્યો હતો. શપથ ગ્રહણના દિવસે પણ કેજરીવાલ માથા પર તિલક લગાવીને રામલીલા મેદાનમાં પહોંચ્યા હતા. આ પહેલા જ્યારે બે વખત મુખ્યપ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે તેઓ તિલક લગાવીને નહોતા પહોંચ્યા. હનુમાનજીને આગળ રાખવાની વાત સુદ્ધા તેમના અગાઊના કોઈ નિવેદનોમાં નહોતી જોવા મળતી.

2013 અને 2015માં મંદિર જવા લાગ્યા

અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત 2013માં જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની પાર્ટીની ઓફિસથી થોડે દૂર દિલ્હીના કનોટ પ્લેસ પાસે હનુમાન મંદિર આવેલ હતું. એ સમયે અરવિંદ કેજરીવાલ ન તો એ મંદિરે ગયા હતા અને ન તો ભાષણમાં હનુમાનજીના નામનો ઉલ્લેખ કર્યો હતો. વર્ષ 2015માં અરવિંદ કેજરીવાલની પાર્ટીને ઐતિહાસિક જીત મળી. 70માંથી 67 સીટો કેજરીવાલની AAP પાર્ટીના ખાતામાં આવી ગઈ. એ સમયે AAP પાર્ટીની ઓફિસ દિલ્હીના પટેલ નગર પાસે હતી. ત્યાંથી થોડા કિલોમીટર દૂર જ હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર હતું. જ્યાં પણ તેઓ ન ગયા. આ વખતે AAP પાર્ટીની ઓફિસ આઈટીઓ પાસે છે. જ્યાં થોડે દૂર જ હનુમાનજીનું મંદિર આવેલું છે. પણ આ વખતે ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ હનુમાનજીના મંદિરે ગયા અને જીત બાદ મંદિરે માથુ પણ ટેકવ્યું હતું.

કેજરીવાલ સોફ્ટ હિન્દુત્વની રાહ પર

અરવિંદ કેજરીવાલ પોતાના કામથી દેશભરની રાજનીતિમાં ઓળખાય છે. તો પછી હનુમાનજીની ભક્તિ અને તેની શક્તિની શું જરૂર પડી ? કહેવત છે કે દૂધનો દાઝ્યો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે બસ આ રીતે જ ભાજપ અને નરેન્દ્ર મોદીની સામે એક મજબૂત વિકલ્પ બનીને ઉભરવા માટે કેજરીવાલ અને તેમના નેતાઓ સોફ્ટ હિન્દુત્વની નીતિનો પ્રયોગ કરી રહ્યા છે. અને ત્યાંથી હટવા પણ નથી માગતા. નરેન્દ્ર મોદીએ 2014માં કેન્દ્રની રાજનીતિમાં એન્ટ્રી મારતા દેશની રાજનીતિની પેટર્ન બદલાઈ ગઈ હતી. બીજેપીના કટ્ટર હિન્દુત્વની સામે અન્ય પાર્ટીઓ સોફ્ટ હિન્દુત્વથી પોતાની રાજનીતિ રમી સત્તા મેળવી રહી હતી. જેમાં માત્ર કેજરીવાલ જ નહીં પણ કોંગ્રેસના રાહુલ ગાંધી અને સપાના અખિલેશ યાદવ પણ સામેલ છે.

રાહુલ ગાંધી શિવભક્ત બન્યા

કોંગ્રેસની હિંદુ વિરોધી છબીને તોડવા માટે રાહુલ ગાંધીએ પણ સોફ્ટ હિન્દુત્વના વાઘા ધારણ કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે ઘણા ખરા મંદિરોની મુલાકાત લીધી હતી. કોંગ્રેસને આ વાતનો ફાયદો પણ મળ્યો હતો. એ પછી કૈલાશ માનસરોવર જઈને રાહુલ ગાંધી શિવભક્ત બન્યા અને પોતે ખેંચેલી લીટીને લાંબી કરી નાખી. સોફ્ટ હિન્દુત્વના ફોર્મ્યુલાને કોંગ્રેસે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની ચૂંટણીમાં અપનાવ્યો અને ત્યાં લાંબા વનવાસ બાદ કોંગ્રેસનું સત્તામાં પુનરાગમન થયું.

રાહુલ બાદ પ્રિયંકા પણ સોફ્ટ હિન્દુત્વના માર્ગે વળ્યા

રાહુલ બાદ પ્રિયંકા ગાંધી પણ સોફ્ટ હિન્દુત્વની રાજનીતિ કરવા લાગ્યા હતા. જેમાં તેમણે ગંગામાં બોટ પર સવાર થઈને સંગમથી કાશી સુધીની મુસાફરી કરી હતી. પ્રિયંકાએ આટલાથી ન અટકતા પ્રયાગરાજ, ચિત્રકૂટથી લઈને કાશી સહિતના તમામ મંદિરોમાં જઈને માથુ પણ ટેકાવ્યું હતું.

અખિલેશ યાદવનો કૃષ્ણ પ્રેમ

2017માં ઉત્તર પ્રદેશમાં સત્તામાંથી હાથ ધોવાયા બાદ સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાની પાર્ટીને મુસ્લિમ હોવાની છબીથી બહાર કાઢવા માટે સોફ્ટ હિન્દુત્વનો આધાર લેવાનો વારો આવ્યો હતો. અખિલેશ યાદવે ખૂદને કૃષ્ણ ભક્ત બનાવ્યા હતા. અખિલેશે ઈટાવાના સૈફઈમાં ભગવાન શ્રી કૃષ્ણની 51 ફૂટ લાંબી પ્રતિમા પણ લગાવી હતી. આ સિવાય અન્ય મંદિરોમાં પણ માથુ ટેકાવતા નજરે પડ્યા હતા.

AAPના દાવથી વિપક્ષો ધ્વંસ થઈ જશે !

ભાજપની હિન્દુત્વની છબી અને મળતી જીતને લઈને કેજરીવાલને પણ ખ્યાલ આવી ગયો કે મુસ્લિમ છબીનું લેબલ તેઓ કોઈ દિવસ લગાવશે નહીં. હનુમાન ભક્ત બનીને કેજરીવાલે બીજેપીને દિલ્હીમાંથી સાફ કરી નાખી. ભાજપે તેમને નકલી હનુમાન ભક્ત બનાવી વોટ તોડવાની પૂરતી કોશિષ કરી પણ ફાયદો ન મળ્યો. જેથી હવે અન્ય રાજ્યોમાં પણ AAPના જીતનો ઝંડો કેવી રીતે લહેરાવવો તેની કેજરીવાલને પૂરતી ખબર પડી ચૂકી છે.

READ ALSO

Related posts

રાજકોટ / યાત્રાધામ વીરપુરમાં પોલીસે યોજ્યો લોન કેમ્પ, લોકોને લોન અંગેની માહિતી આપવામાં આવી

Nakulsinh Gohil

અમેરિકામાં બર્ફિલા તોફાનના કારણે 1800થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી

Akib Chhipa

મોટો નિર્ણય / રાજ્યના સરકારી ગોડાઉનમાં નહિ થાય અનાજની ચોરી, સરકાર લગાવશે 6 હજાર જેટલા CCTV કેમેરા

Nakulsinh Gohil
GSTV