કર્ણાટકમાં પૂર્ણ બહુમત ન હોવા છતાં ભાજપની સરકાર બની છે. ત્યારે પૂર્ણ બહુમત સાબિત કરવા પર ભારે કસ્મકસ જોવા મળી રહી છે. જેમાં કોંગ્રેસ-જેડીએસ પોતાના ધારાસભ્યોને બચાવવા તમામ પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત ગત મોડી રાતે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો હૈદરાબાદ લઈ ગઈ છે.
જોકે કોંગ્રેસના રાજશેખર પાટીલ, પ્રતાપ ગૌડા પાટીલ પાર્ટી સાથે સંપર્કમાં નથી અને કોંગ્રેસે દાવો કર્યો છે કે, મૈસુર ક્ષેત્રના કેટલાક ભાજપના ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યો ઈગલટન રિસોર્ટ છોડીને ગયા છે તો જેડીએસના ધારાસભ્યોએ પણ પોતાની હોટલ છોડી દીધી છે.
જેડીએસના કેટલાક ધારાસભ્યોને કોચી તો કેટલાકને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું મનાય છે. યેદિયુરપ્પાએ સીએમ પદે શપથ લીધા બાદ ઇગલટન રિસોર્ટ ખાતેથી સુરક્ષા હટાવી લેવાનો આદેશ કર્યો. કોંગ્રેસનો આરોપ છે કે સુરક્ષા હટાવી લેવાયા બાદ ભાજપના નેતા રિસોર્ટ સુધી પહોંચી ગયા હતા અને કોંગ્રેસના ધારાસભ્યોને રૂપિયાની ઓફર કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્યોએ રિસોર્ટ છોડતા પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ બેઠક કરી હતી. જેમાં ગુલામ નબી આઝાદ, સિદ્ધારમૈયા, અશોક ગેહલોત સાથે જ જેડીએસના નેતા એચ.ડી કુમાર સ્વામી ઈગલટન રિસોર્ટમાં સામેલ હતા.
કોંગ્રેસને આશા છે કે, સુપ્રીમ કોર્ટ બહુમતી સાબિત કરવાનો સમય ઘટાડશે. કોંગ્રેસના ધારાસભ્ય યશોમતી ઠાકુરે તો પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે. તેઓએ ધારાસભ્યોને ધમકીભર્યા ફોન આવતા હોવાનો આરોપ લગાવ્યો છે.