GSTV
Uncategorized

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના કેબિનેટ થશે વિસ્તરણ, નવા પ્રધાનો શપથગ્રહણ કરશે

કર્ણાટકના મુખ્યપ્રધાન બન્યા બાદ એચ. ડી. કુમારસ્વામી આજે પોતાના બે સદસ્યના કેબિનેટનું વિસ્તરણ કરશે. કેબિનેટ વિસ્તરણને લઈને સત્તારુઢ ગઠબંધનમાં સામેલ જનતાદળ-સેક્યુલર અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી.

કુમારસ્વામીએ કહ્યુ હતુ કે પ્રથમ તબક્કામાં જેડીએસના લઘુત્તમ નવ ધારાસભ્યોને વિસ્તરણ દરમિયાન પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવશે. તો કોંગ્રેસના બારથી વધુ ધારાસભ્યો પ્રધાન પદના શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને કર્ણાટક ખાતેના પાર્ટીના વરિષ્ઠ નેતાઓની દિલ્હી ખાતેની એક બેઠક બાદ કોંગ્રેસે વિસ્તરણમાં સામેલ થનારા પ્રધાનોની યાદીને આખરી ઓપ આપ્યો છે.

સૂત્રો મુજબ રાહુલ ગાંધીએ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યપ્રધાન જી. પરમેશ્વર, પાર્ટીના વરિષ્ઠ નેતા ડી. કે. શિવકુમાર અને દિનેશ ગુંડુરાવ તથા કર્ણાટકના પાર્ટી પ્રભારી મહાસચિવ કે. સી. વેણુગોપાલ સાથે દિલ્હી ખાતે લાંબી ચર્ચાવિચારણા કરી હતી.

જો કે આના સંદર્ભે કોંગ્રેસે સત્તાવાર રીતે કંઈ જ જણાવ્યું નથી. પંરતુ માનવામાં આવે છે કે રાહુલ ગાંધીએ લગભગ બાર ધારાસભ્યોની યાદીને પોતાની સંમતિ આપી છે અને તેમા શિવકુમારનું નામ પણ સામેલ છે. સત્તા ભાગીદારી હેઠળ પ્રધાનમંડળમાં કોંગ્રેસના કુલ 22 અને જેડીએસના બાર પ્રધાનો હશે.

કુમારસ્વામીએ કહ્યુ છે કે બેથી ત્રણ સ્થાનો બાદમાં ભરવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જી. પરમેશ્વરે કહ્યુ છે કે કોંગ્રેસના કોટામાંતી પ્રધાનોમાં સિનિયર અને જૂનિયર ધારાસભ્યોને સામેલ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે કુમારસ્વામી અને પરમેશ્વરે 23 મેએ અનુક્રમે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ વજુભાઈ વાળા નવા પ્રધાનોને રાજભવન ખાતે એક કાર્યક્રમમાં પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવશે. સત્તા સમજૂતી મુજબ કોંગ્રેસને ગૃહ, આરોગ્ય, મહેસૂલ અને કૃષિ જેવા મહત્વના મંત્રાલયો મળશે. જ્યારે જેડીએસને નાણાં, પીડબલ્યૂડી જેવા વિભાગો મળશે.

સૂત્રો મુજબ બંને પાર્ટીઓ કેટલાક વિભાગોને ખાલી રાખે તેવી શક્યતા છે. જેડીએસ દ્વારા ક્ષેત્રના આધારે પ્રધાનોને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ છે કે જેડીએસ અને કોંગ્રેસે બારમી મેના રોજ વિધાનસભા ચૂંટણીના ત્રિશંકુ પરિણામો આવ્યા બાદ કર્ણાટકમાં ચૂંટણી બાદના ગઠબંધનની જાહેરાત કરી હતી.

સૌથી મોટી પાર્ટી હોવાના નાતે રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યું હતું અને બી. એસ. યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન પદે શપથગ્રહણ કર્યા હતા. પરંતુ ફ્લોર ટેસ્ટનો સામનો કર્યા વગર જ 19મી મેના રોજ બી.એસ.યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું અને બાદમાં કોંગ્રેસ-જેડીએસ તરફથી કુમારસ્વામીએ મુખ્યપ્રધાન પદે અને જી. પરમેશ્વરે નાયબ મુખ્યપ્રધાન પદે શપથગ્રહણ કર્યા હતા.

Related posts

નાણાકીય વર્ષ 2022-23ની RBIની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણયોમાં સામાન્ય જનતાને મળ્યો ઝાટકો

pratikshah

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન પોતાના વિવિધ ખાતામાંથી ઈ-વેસ્ટનો નિકાલ કરશે, કુલ કલેકશનના ૧૨% જેટલું વળતર કોર્પોરેશનને મળશે

pratikshah

ચેન્નાઈમાં વકીલોના વિરોધ વચ્ચે વિક્ટોરિયા ગૌરીએ મદ્રાસ હાઈકોર્ટમાં વધારાના જજ તરીકે શપથ લીધા

pratikshah
GSTV