કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબનો વિવાદ હવે રાજકીય રંગ પકડી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને શનિવારે પ્રી-યુનિવર્સિટી વિભાગ હેઠળની સ્કૂલો અને કોલેજોમાં બોર્ડ દ્વારા નિશ્ચિત કરાયેલા ડ્રેસનું પાલન કરવા આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે જણાવ્યું કે જો આવો કોઈ કોડ ન હોય તો વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એવો ડ્રેસ પહેરી શકે છે, જે સમાનતા, દેશની અખંડતા અને કાયદો વ્યવસ્થા પર વિપરિત અસર ન કરે. દરમિયાન રાહુલ ગાંધીએ હિજાબ મુદ્દે ટિપ્પણી કરતાં આ વિવાદ હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે.
શિક્ષણ વિભાગે જણાવ્યું કે બધી જ સરકારી સ્કૂલોએ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત યુનિફોર્મનું પાલન કરવું જોઈએ જ્યારે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા નિશ્ચિત કરાયેલા સ્કૂલ ડ્રેસનું પાલન કરવું જોઈએ. આ સાથે જ વિભાગે એમ પણ કહ્યું કે સમાનતા, દેશની અખંડતા અને જાહેર વ્યવસ્થાને ભંગ કરનારા કપડાંઓ પર સ્કૂલોમાં પ્રતિબંધ મૂકાવો જોઈએ. રાજ્ય સરકારે આદેશ આપ્યો હતો કે, વિદ્યાર્થીઓએ એક સમાન ગણવેશ પહેરવો જોઈએ, જેથી તેઓ એક સમાન પરિવારના લાગે અને તેમનામાં કોઈ ભેદભાવ ન દેખાય.

વિવાદ અન્ય સ્કૂલોમાં પણ ફેલાયો
કર્ણાટકમાં એક સરકારી પ્રી-યુનિવર્સિટી કોલેજમાં વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને નહીં આવવાના આદેશ પછી આ વિવાદ રાજ્યભરમાં વકર્યો છે. ઉડુપીની એક કોલેજમાં શરૂ થયેલો વિવાદ અન્ય સ્કૂલોમાં પણ ફેલાયો છે. મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવાના હઠાગ્રહ સામે હવે હિન્દુ વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓએ ભગવા શાલ અને દુપટ્ટો પહેરીને કોલેજ આવવાનું શરૂ કર્યું છે.
કર્ણાટકના હિજાબ વિવાદમાં કૂદી પડતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે ટ્વીટ કરી કહ્યું કે આપણે ભારતની પુત્રીઓનું ભવિષ્ય છીનવી રહી છે. તેમણે લખ્યું, વિદ્યાર્થિનીઓના હિજાબને તેમના શિક્ષણમાં અવરોધરૂપ બનાવીને આપણે ભારતની પુત્રીઓનું ભવિષ્ય છીનવી રહ્યા છીએ, માતા સરસ્વતી બધાને જ્ઞાાન આપે. તેઓ ભેદ નથી કરતાં.

રાહુલ ગાંધીને કર્ણાટક ભાજપનો જવાબ
રાહુલ ગાંધીને જવાબ આપતાં કર્ણાટક ભાજપના પ્રમુખ નલીનકુમાર કતિલે તેમના પર ‘શિક્ષણનું સાંપ્રદાયિકરણ’ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ટ્વીટ કરી કે, રાહુલ ગાંધીએ ફરી એક વખત સાબિત કર્યું કે તેઓ ભારતના ભવિષ્ય માટે ખતરનાક છે. અમે રાજ્યમાં શૈક્ષણિક વ્યવસ્થાનું તાલિબાનીકરણ નહીં થવા દઈએ. વધુમાં કર્ણાટક ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સવાલ કર્યો કે, શિક્ષિત થવા માટે હિજાબ ખૂબ જ જરૂરી હોય તો રાહુલ ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યોમાં તેને ફરજિયાત શા માટે નથી કરતા?
Read Also
- upcoming movie: દ્રૌપદી સહિત ઈતિહાસ પર આધારિત છે આ 6 ફિલ્મો, દર્શકો દ્વારા ખૂબ જ આતુરતાથી જેની જોવાઈ રહી છે રાહ
- બ્રેઈન ડેડ લેઉઆ પટેલ યુવકના અંગદાનથી 5 લોકોને મળ્યું નવજીવન, પિતાએ કહ્યું- દીકરો આ દુનિયામાં જીવી રહ્યાની અમને લાગણી થશે
- ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, ICMRનો ખુલાસો
- Kajol Post/ કાજોલે સોશિયલ મીડિયાથી લીધો બ્રેક, પોસ્ટ શેર કરી જણાવ્યું કારણ
- ભારતના 6 સૌથી સુંદર ગામો, જેને જોઈને તમને વસવાટ કરવાનું મન થશે, તેમને જોવા માટે દુનિયાભરમાંથી આવે છે લોકો