સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ બોલિવૂડમાં ભારે વિરોધનું વાતાવરણ છે. ફિલ્મોમાં સગાવાદ અને ચમચાવાદ પ્રસરી રહ્યો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે તેમાં કંગના રણૌત બેફામપણે બોલી રહી છે. તાજેતરમાં તેણે નવો જ ખુલાસો કર્યો છે. કંગના ધીમે ધીમે ઘણા ચહેરા બેનકાબ કરી રહી છે. તે કહે છે કે સુશાંત જેવી હાલત મારી પણ હતી. મેં પણ આવું જ ડિપ્રેશન અનુભવ્યું હતું.
જાણીતા લેખક જાવેદ અખ્તર સાથેની તેની એક મુલાકાતને કંગના વાગોળી રહી હતી. તેણે જણાવ્યું હતું કે એક વાર જાવેદ અખ્તરે મને તેના ઘરે બોલાવી હતી. તેમણે મને કહ્યું કે રાકેશ રોશનનો પરિવાર ઘણો પહોંચેલો છે. તું તેમની માફી નહીં માગે તો તું ક્યાંયની નહી રહે. તને તે લોકો જેલમાં ધકેલી દેશે. તારી પાસે બરબાદી અને આત્મ હત્યા સિવાય કોઊ માર્ગ નહીં રહે. તું આમ કરવા માટે મજબૂર થઈ જઇશ. આ જાવેદ અખ્તરના શબ્દો હતા. તેમણે એમ કેવી રીતે વિચારી લીધું કે હું રિતીક રોશનની માફી નહીં માગું તો મારે આત્મ હત્યા કરવી પડશે. એ દિવસે તેમણે મને ધમકાવી હતી, તેઓ મારી પર ખૂબ ગુસ્સે ભરાયા હતા.
કંગનાએ કહ્યું કે જે રીતે મારી ઉપર દબાણ લાવવામાં આવતું હતું તે રીતે સુશાંત સાથે પણ તેઓ આમ જ કરી રહ્યા હતા.તેઓ કદાચ તેના દિમાગમાં આવા જ વિચારો નાખી રહ્યા હતા.