GSTV

પાયલટ અને સિંધિયાને કોંગ્રેસના આ સમીકરણોએ નાથ બનવા ન દીધા, છે લાંબા રાજનીતિના ગણિતો

Last Updated on December 17, 2018 by Karan

ત્રણ રાજ્યોમાં વિજય મળ્યા બાદ છેવટે કોંગ્રેસને મુખ્યમંત્રી પસંદ કરવાની લાંબી પળોજણનો અંત આવ્યો છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથની લડાઇમાં છેવટે કમલનાથ ફાવ્યાં છે. એ જ રીતે રાજસ્થાનમાં સચીન પાયલોટને પાછળ રાખીને અશોક ગેહલોતના માથે મુખ્યમંત્રીનો તાજ આવ્યો છે. તો છત્તીસગઢમાં તો મુખ્યમંત્રીપદ માટે ભૂપેશ બઘેલ, ટી.એસ. સિંહદેવ, ચરણદાસ મહંત અને તામ્રધ્વજ સાહૂ એમ ચાર નેતાઓ રેસમાં હતાં. એમાં છેવટે ભૂપેશ બઘેલ ઉપર પસંદગીનો કળશ ઢોળાયો છે.

મુખ્યમંત્રીના નામની પસંદગી કરવામાં બે દિવસનો સમય લાગી ગયો

મધ્યપ્રદેશમાં ભાજપને ૧૫ વર્ષના શાસન બાદ કોંગ્રેસે સત્તામાંથી બહાર તો કરી દીધો પરંતુ મુખ્યમંત્રીના નામની પસંદગી કરવામાં બે દિવસનો સમય લાગી ગયો. એ પણ ત્યારે કે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ એમાં હસ્તક્ષેપ કરવો પડયો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં અંદરોઅંદરની જૂથબાજી તો ઘણી વધારે હતી પરંતુ કમલનાથને જૂથબંધીથી અલગ રહેલા નેતા મનાવાની બાબત તેમના પક્ષમાં કામ કરી ગઇ. કમલનાથ જ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના એવા નેતા હતાં અનેક જૂથોને એક સાથે લઇને ચાલી શકે એમ હતાં. ઉપરથી રાજકારણના લાંબા અનુભવે તેમની મુખ્યમંત્રી તરીકેની દાવેદારીને ઓર મજબૂત કરી. મધ્યપ્રદેશની છિંદવાડા લોકસભા બેઠક ઉપરથી નવ વખત વિજય મેળવવાનો રેકોર્ડ પણ કમલનાથના નામે બોલે છે.

દિગ્વિજય સિંહનું સમર્થન પણ કમલનાથને પ્રાપ્ત

ઉપરાંત મધ્યપ્રદેશના રાજકારણના અઠંગ ખેલાડી મનાતા દિગ્વિજય સિંહનું સમર્થન પણ કમલનાથને પ્રાપ્ત છે જે જૂથબાજી રોકવામાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે કમલનાથનું મુખ્યમંત્રી બનવું ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધારે બેઠકો અપાવવામાં સહાયભૂત નીવડી શકે છે. જોકે કમલનાથની સૌથી મોટી લાયકાત એ જ કહી શકાય કે તેઓ ગાંધી પરિવારના નિકટના વ્યક્તિ છે. બીજી બાજુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ એમ કહીને સંતોષ માનવો પડયો છે કે તેમને પણ તેમના પિતાની જેમ કોઇ હોદ્દાનો મોહ નથી.

સત્તામાં લાવવામાં સચીન પાયલોટનો સૌથી મોટો ફાળો

જોકે એ પણ હકીકત છે કે યુવાન અધ્યક્ષના નેતૃત્ત્વમાં પણ કોંગ્રેસ જૂના અને વૃદ્ધ નેતાઓને આગળ કરીને જ ચાલી રહી છે. ખરેખર તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સત્તાની ચાવી અપાવવામાં સચીન પાયલોટ એ જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા યુવાન નેતૃત્ત્વનો ફાળો વધારે છે. એમાં પણ ખાસ કરીને રાજસ્થાનમાં કોંગ્રેસને ફરી વખત સત્તામાં લાવવામાં સચીન પાયલોટનો સૌથી મોટો ફાળો છે. રાજસ્થાનમાં વધારે મહેનત એટલા માટે કે ૨૦૧૩માં મળેલી ૨૧ બેઠકો સામે આ વખતે બહુમતિ મેળવવાનું ભગીરથ કાર્ય સચીન પાયલોટના યુવા નેતૃત્ત્વના કારણે જ શક્ય બન્યું છે. રાજસ્થાનની ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણી ઉપરાંત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પણ કોંગ્રેસ અશોક ગેહલોતની આગેવાની હેઠળ ખરાબ રીતે હારી હતી. એવામાં સચિન પાયલોટને રાજ્યમાં કોંગ્રેસને પાયામાંથી બેઠી કરવાની હતી અને કાર્યકરોમાં નવેસરથી ઉત્સાહ ભરવાનો હતો. સચિન પાયલોટે એ કામ કામિયાબીથી પાર પાડયું. એ જોતાં સચિન પાયલોટ એક સક્ષમ યુવાન નેતા તરીકે તો બહાર આવ્યાં, એટલું જ નહીં, અશોક ગેહલોત અને સી.પી. જોશી જેવા પીઢ નેતાઓને પણ પોતાની સાથે આવવા મજબૂર કર્યાં.

અશોક ગેહલોત અને સચિન પાયલોટ બંનેને ચૂંટણીમાં ઉતારવા

ખરેખર તો વિધાનસભા ચૂંટણી સુધી સચિન પાયલોટ જ રાજસ્થાનમાં સર્વેસર્વા તરીકે જણાતા હતાં પરંતુ ચૂંટણી નજીક આવતા રાજસ્થાન કોંગ્રેસના કેટલાંક નેતાઓએ કોંગ્રેસ હાઇ કમાન્ડને ચેતવણી આપી કે અશોક ગેહલોતને પ્રાધાન્ય ન આપવામાં આવ્યું તો કોંગ્રેસને નુકસાન જઇ શકે છે. ત્યાર બાદ જ દિલ્હીમાં નિર્ણય લેવાયો કે અશોક ગેહલોત અને સચિન પાયલોટ બંનેને ચૂંટણીમાં ઉતારવા. તેમ છતાં કોંગ્રેસે મુખ્યમંત્રીપદનો ચહેરો નક્કી નહોતો કર્યો. પરંતુ અશોક ગેહલોતે તક મળી ત્યારે પોતાને રાજ્યના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે આડકતરી રીતે પ્રોજક્ટ કરવામાં પાછીપાની ન કરી.

ગેહલોતે કામની સરખામણીમાં વધારે મોટું ઇનામ મેળવ્યું

હવે એવું લાગી રહ્યું છે કે સચિન પાયલોટે રાજસ્થાનમાં વસુંધરા રાજે કરતા વધારે લડત અશોક ગેહલોતને આપવી પડી છે. જો તેમણે આકરી લડત ન આપી હોત તો નાયબ મુખ્યમંત્રીપદ પણ હાથ ન લાગ્યું હોત. ૨૦૧૩માં ચૂંટણી હાર્યા બાદ પણ પાયલોટે દરેક મોરચે ભાજપને લડત આપવાની ચાલુ રાખી જ્યારે ગેહલોતે કામની સરખામણીમાં વધારે મોટું ઇનામ મેળવ્યું છે. ચૂંટણી પહેલા ટિકિટ વહેંચણીમાં પણ ગેહલોતનું વધારે ચાલ્યું હતું. સચિન પાયલોટ વિરુદ્ધ એક જ વાત ગઇ અને એ કે ચૂંટણી જીત્યા બાદ તેમના સમર્થકો જે ઉત્પાત મચાવ્યો એ કોંગ્રેસ હાઇ કમાન્ડને પસંદ ન આવ્યો.

નેતાઓને પોતાની યોગ્યતા સાબિત કરવાની તક આપી

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીએ અનુક્રમે સચીન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના સ્થાને અશોક ગેહલોત અને કમલનાથ જેવા અનુભવી નેતાઓને પ્રાધાન્ય આપીને એવો સવાલ પણ ઊભો કર્યો છે કે તેમણે કોંગ્રેસની અંદર પોતાનું સ્થાન મજબૂત બને ત્યાં સુધી રાહ જોવાનો નિર્ણય લીધો છે કે કેમ. યુવાન નેતાઓના સ્થાને અનુભવીઓેની પસંદગી કરવાનું કારણ કદાચ એ પણ હોઇ શકે કે રાહુલ ગાંધીએ તેમની માતા સોનિયા ગાંધીની જેમ નેતાઓને પોતાની યોગ્યતા સાબિત કરવાની તક આપી અને તેઓ જે પરિણામો આપે એના આધારે તેમનું પ્રમોશન કરવાનું નક્કી કર્યું હોય એવું પણ બને. આ રીતે જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજેશ પાયલોટના સ્થાને કમલનાથ અને અશોક ગેહલોતની પસંદગી કરીને રાહુલ ગાંધીએ રાજકીય અટકળો તેજ કરી દીધી છે.

યુવાન નેતાના મૂળિયા કોંગ્રેસમાં મજબૂત ન થવા જોઇએ

રાજકીય વિશ્લેષકોનું પહેલું અનુમાન એ છે કે રાહુલ ગાંધી પણ તેમના પૂર્વજો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની કાર્યશૈલી અપનાવી રહ્યાં છે જેમાં કોઇ પણ યુવાન નેતાના મૂળિયા કોંગ્રેસમાં મજબૂત ન થવા જોઇએ કે જેથી કરીને તેઓ ભવિષ્યમાં તેમના પ્રતિસ્પર્ધી બનીને બહાર ન આવે. ઉલ્લેખનીય છે કે સચીન પાયલોટના પિતા રાજેશ પાયલોટ સોનિયા ગાંધી સામે કોંગ્રેસ અધ્યક્ષ બનવાની પ્રતિસ્પર્ધામાં ઉતર્યાં હતાં. તો બોફોર્સ કાંડ વખતે રાજીવ ગાંધી ઉપર આંગળી ચીંધાતા અને તેમની હત્યા બાદ પણ જ્યોતિરાદિત્યના પિતા માધવરાવ સિંધિયાને કોંગ્રેસની કમાન સોંપવાના અવાજ ઉઠયાં હતાં. એવામાં એવા કયાસ લગાવી શકાય કે રાહુલ ગાંધી પોતાને સર્વોચ્ચ સ્થાને સ્થાપી રાખવા માટે યુવાનોના સ્થાને વૃદ્ધ નેતાઓને મધ્યપ્રદેશ અને રાજસ્થાનની કમાન સોંપી છે.

મજબૂરીમાં પીઢ નેતાઓની હામાં હા કરવી પડી

કોંગ્રેસના આ આંતરિક નિર્ણયો બાદ એવી ધારણા પણ બની રહી છે કે રાહુલ ગાંધીનું સોનિયા ગાંધી અને તેમના જૂના રાજકીય સલાહકાર અને કોંગ્રેસના કોષાધ્યક્ષ એવા અહેમદ પટેલ આગળ ઉપજતું નથી. એટલા માટે તેમણે મજબૂરીમાં પીઢ નેતાઓની હામાં હા કરવી પડી અને સચીન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા યુવાન નેતાઓ પાછળ રહી ગયાં. એવી પણ વાતો છે કે અહેમદ પટેલ લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવાના નામે સોનિયા ગાંધી દ્વારા પોતાના અને પોતાના જૂના સાથીદારોનું વજન વધારવામાં પડયાં છે. અહેમદ પટેલ પોતાની શાખ દ્વાર રાહુલ ગાંધીને એ વાતે મનાવી શક્યાં કે કમલનાથ અને અશોક ગેહલોત ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે વધારે ફંડ મેળવવામાં સફળ રહેશે અને કદાચ પાયલોટ કે સિંધિયા એટલી દક્ષતાપૂર્વક કામ નહીં કરી શકે. રાજકીય પંડિતોના અનુસાર રાહુલ ગાંધીએ પણ તેમના પરનું દબાણ અનુભવીને આ મામલે સહમતિ દર્શાવી. ખાસ તો એટલા માટે કે તેઓ પાર્ટીમાં તેમનું સ્થાન મજબૂત ન બની જાય ત્યાં સુધી આ જૂના નેતાઓને અવગણી શકે એમ નથી.

કોંગ્રેસને જીતાડીને પાર્ટીની અંદર રાહુલ ગાંધીનો સિક્કો જમાવી દીધો

આમ પણ રાહુલ ગાંધીના નેતૃત્ત્વમાં કોંગ્રેસને આ પહેલી સફળતા મળી છે. એ વાત અલગ છે કે ભાજપના શાસનથી અકળાયેલી પ્રજાએ એક સાથે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને જીતાડીને પાર્ટીની અંદર રાહુલ ગાંધીનો સિક્કો જમાવી દીધો છે. પીઢ નેતાઓ પસંદ કરવા પાછળનું ત્રીજું અનુમાન એ છે કે રાહુલ ગાંધી પણ સોનિયા ગાંધીની જેમ જ પીઢ રાજકારણીઓને જે-તે પ્રદેશમાં મોકલીને સીમિત કરી રહ્યાં છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સૌથી વરિષ્ઠ નેતા એવા પ્રણવ મુખરજીને પશ્ચિમ બંગાળની કમાન સંભાળવા મજબૂર કરી દીધાં હતાં તો ગુલામ નબી આઝાદને જમ્મુ-કાશ્મીરના પ્રદેશ અધ્યક્ષ બનાવીને મોકલી દીધાં હતાં. અને તેઓ ૨૦૦૩માં મુફ્તી મોહમ્મદ સઇદની પીડીપી સાથે સરકાર રચવામાં સફળ રહ્યાં ત્યારે તેમને ત્યાંના મુખ્યમંત્રી અને બાદમાં કેન્દ્રીય મંત્રી બનાવ્યાં હતાં. હાલ તો રાહુલ ગાંધીએ એકબીજા સામે શીંગડા ભરાવી રહેલા નેતાઓને ખુરશી આપીને આજુબાજુમાં બેસાડીને કામચલાઉ લીંપણ કરી લીધું છે પરંતુ એવું પણ બને કે લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસની અંદરની આ જૂથબાજી વધારે વિકરાળ સ્વરૂપ ઇને પણ બહાર આવે. 

Related posts

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel

જાણવા જેવું/ પહેલાથી જ વેચાયેલી પ્રોપર્ટી તમને વેચી દેવામાં આવી છે? તો આ રીતે મળશે વળતર, જાણી લો નવો નિયમ

Bansari

પંજાબની રાજનીતિને લઈ મોટા સમાચાર/ ભાજપ શાસિત રાજ્યો બાદ કોંગ્રેસમાં પણ નેતૃત્વ પરિવર્તનના સંકેત, CMની ખુરશી પર સંકટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!