જસ્ટિસ લોયાના મોતના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા એસઆઈટી તપાસની અરજી નામંજૂર કરવા મામલે કોંગ્રેસે કહ્યું છે કે હજીપણ ઘણાં સવાલો વણઉકેલ્યા છે. કોંગ્રેસે આજના દિવસને દેશના ઈતિહાસનો સૌથી દુખદ દિવસ ગણાવ્યો છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે અસંતોષ વ્યક્ત કરતા દશ સવાલો વણઉકેલ્યા હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે જસ્ટિસ લોયાના મોત બાદ તેમના વધુ બે સાથીદારોના પણ મોત નીપજ્યા હતા. આ મામલામાં ઘણાં પ્રકારના આરોપો સામે આવ્યા છે અને તેથી મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સૂરજેવાલાએ કહ્યું છે કે આજનો દિવસ ઘણો દુખદ છે. જસ્ટિસ લોયાના મોતનો મામલો ઘણો ગંભીર હતો. તેમણે ક્હ્યું છે કે જસ્ટિસ લોયા સોહરાબુદ્દીન કેસની સુનાવણી કરતા રહ્યા હતા અને તેમાં અમિત શાહનું નામ આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ પણ ઘણાં સવાલો હોવાનું સૂરજેવાલાએ જણાવ્યું છે.
જસ્ટિસ લોયાના મોતની એસઆઈટી તપાસને નામંજૂર કરતા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે પ્રતિક્રિયા આપી છે. રાજનાથસિંહે કહ્યુ છેકે ભાજપના વરિષ્ઠ નેતાઓની છબી ખરાબ કરવાની કોશિશ અસફળ રહી છે. તેમણે કહ્યું છે કે અદાલતોને રાજકીય લડાઈનો અખાડો બનાવી શકાય નહીં.