કાયદાના જાણકારોનું મૌન અભણની હિંસાથી વધારે નુકસાનકારક બની શકે : જસ્ટિસ કુરિયન જોસેફે

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ કુરિયન જોસેફે પોતાની નિવૃત્તિના દિવસે કહ્યુ છે કે જજોએ મહત્વપૂર્ણ સામાજિક-રાજકીય મામલાઓ પર નિર્ણય કરતી વખતે દેશની વિવિધતાને ધ્યાનમાં રાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાંથી ગુરુવારે રિટાયર થયેલા જસ્ટિસ જોસેફે પોતાના વિદાય સમારંભમાં કહ્યુ હતુ કે આ દેશ ઘણી વિવિધતાવાળો છે. દેશની સંસ્કૃતિ, ધર્મ, ભાષામાં વિવિધતા છે. આ દેશ બંધારણથી બંધાયેલો છે. આ બંધારણ જ આપણે બધાને એકજૂટ રાખી રહ્યું છે.

જસ્ટિસ કુરિયને કહ્યુ છે કે કાયદાના જાણકારોનું મૌન અભણની હિંસાથી વધારે નુકસાનકારક બની શકે છે. કાયદા પ્રત્યે પોતાના સંવેદનશીલ વલણને કારણે બાર અને ખંડપીઠમાં લોકપ્રિય રહેલા જસ્ટિસ જોસેફે કહ્યુ છે કે લોકશાહીની સુરક્ષા માટે મીડિયા અને ન્યાયાધીશોએ સાવધાન રહેવું જોઈએ. તેમણે કહ્યુ છે કે મીડિયા અને કોર્ટ લોકશાહીના પ્રહરી છે.

મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાના કાર્યકાળમાં રોસ્ટર પદ્ધતિ સહીતના કેટલાક સંવેદનશીલ મામલાઓને ઉઠાવતા ચાર વરિષ્ઠ ન્યાયાધીશોની પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ કુરિયન પણ સામેલ હતા. આ પ્રેસ કોન્ફરન્સ જસ્ટિસ જે. ચેલામેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી. લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે સંબોધિત કરી હતી. હાલ જસ્ટિસ ગોગોઈ ભારતના મુખ્ય ન્યાયાધીશ છે. જસ્ટિસ જોસેફે ગુડ ફ્રાઈડેને વર્કિંગ ડે ઘોષિત કરવાનો વિરોધ કરતો એક પત્ર વડાપ્રધાન અને તત્કાલિન મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો હતો.

જસ્ટિસ જોસેફના વિદાય સમારંભમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ હતુ કે આજે એક સારા ન્યાયાધીશ વિદાય લઈ રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે યુવાન વકીલો ન્યાયાધીશ બનવા ઈચ્છતા નથી. તેનું એક કારણ એ હોઈ શકે છે કે ન્યાયાતંત્રનું આભામંડળ ઘટી રહ્યું છે. જસ્ટિસ ગોગોઈએ કહ્યુ છેકે જસ્ટિસ જોસેફ જેવા સારા ન્યાયાધીશ જઈ રહ્યા છે. તેમણે કહ્યુ છે કે વધુ ન્યાયાધીશોને લાવવાની જરૂરત છે. તેના માટે સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ રાત-દિવસ કામ કરી રહ્યું છે.

જસ્ટિસ ગોગોઈએ કહ્યુ છે કે હાયર જ્યુડિશયરીના આભામંડળને કારણે જ બારના પ્રતિભાશાળી લોકો તેના તરફ આકર્ષિત થતા હતા અને તેઓ આકરો પરિશ્રમ કરનારા વકીલ હતા. તેઓ નાણાંના મામલાનો ત્યાગ કરતા હતા. જસ્ટિસ ગોગોઈએ કહ્યુ હતુ કે બાર ન્યાયાધીશોની આકરી મહેનત અને પ્રતિબદ્ધતાની સમજ પેદા કરીને આ આભામંડળને ફરીથી બહાલ કરવામાં મદદ કરી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter