GSTV
Home » News » જૂનાગઢ જિલ્લાના ખેડૂતે ઝેરમુક્ત ઉત્પાદન મેળવવા વગાડ્યો ડંકો, આવક જાણી ચોંકી જશો

જૂનાગઢ જિલ્લાના ખેડૂતે ઝેરમુક્ત ઉત્પાદન મેળવવા વગાડ્યો ડંકો, આવક જાણી ચોંકી જશો

પાંચ ફૂટથી વધુ ઊંચી પથ્થરોની દિવાલથી ખેતરની કિલ્લેબંધી કરી ઝેરમુક્ત ઉત્પાદન મેળવવામાં સફળતા મેળવી છે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટિ તાલુકાના જલંધરગીરના ખેડૂતે માનસિંહભાઈ અરજણભાઈ વાઢેરે. આમ તો તેઓ રાજકોટમાં જુદા જુદા બિઝનેસ સાથે સંકળાયેલા હતા. પરંતુ તેમનું મન ખેતીમાં લાગતા છેલ્લા ૧૨ વર્ષથી ખેતી સાથે જોડાયા છે. ૫૦ વીઘા જમીન ધરાવતા ખેડૂતે ક્યારેય જમીનને રાસાયણિક ખાતરનો ટચ પણ નથી કરાવ્યો. કે નથી કોઈ જાતની પેસ્ટિસાઈડ દવાઓ છાંટી. છતાં આજે તેઓ ગામના અન્ય ખેડૂતો કરતાં ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ રહ્યા છે. માનસિંહભાઈ ખેતીમાં જોડાયા પહેલા અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પ્રકૃતિ સાથે રહેવા માટે થઈને તેઓ ખેતી સાથે જોડાયા છે. ખેતીમાં જોડાયા પછી માનસિક અને શારીરિક બંને રીતે શાંતિ મળતા તેઓએ ખેતીને જ જીવન બનાવી દીધું છે.

મગફળીના વાવેતર પૂર્વે શું ધ્યાન રાખ્યું ?

માનસિંહભાઈએ મગફળીનું વાવેતર કરતાં પૂર્વે ખેતરમાં ચાસ તૈયાર કરી કમ્પોસ્ટ ખાતર અને એરંડી ખોળ ભરે છે. ત્યાર પછી જેઠ મહિનામાં ઓરવાણ પિયત કરીને ૧ વીઘે ૨ મણ મગફળી બિયારણનો ઉપયોગ કરી ૨૮ની ઝાળીએ વાવેતર કર્યું છે. મગફળીની ત્રણ હાર પછી એક હાર તુવેર મુજબ આંતરપાક પણ લીધો છે. તુવેરમાં વીઘે ૧ કિલો બિયારણ વાપર્યું છે. વાવેતર પૂર્વે બીજને આકડા, ધતુરા અને ગૌમૂત્રનો પટ આપ્યો હતો. ત્યાર પછી ત્રણેક દિવસે ફુવારા પિયતથી જમીનમાં ભેજ મળે તેટલું પિયત આપ્યું હતું. તમામ જમીનમાં ડ્રિપ ઈરિગેશન સાથે ખેતીમાં જીવામૃતનો જ પ્રયોગ કરે છે. મગફળીના વાવેતર પછી છોડ ખડતલ તૈયાર થાય ત્યારે ખેંચાઈને પિયત આપવામાં આવે છે. ત્યાર પછી સતત વરસાદને પગલે અન્ય પિયત આપવા પડયા નથી. દર ૧૦ દિવસે ખેતરમાં જીવામૃત ડ્રિપમાં તેમજ છંટકાવથી આપ્યું છે. મગફળીમાં ઈયળ જેવું લાગતા અજમા, ધતુરાના પાન, હિંગ, હળદરના ઉકાળાનો છંટકાવ કરવાથી પાક તંદુરસ્ત તૈયાર થયો છે. જેમા અડધો લિટર ગાયનું દૂધ નાંખીને ૮થી ૧૦ કલાકમાં જ છંટકાવ કરી દીધો છે.

30થી 35 મણનું ઉત્પાદન મળશે

મગફળીના પાથરા કરી સુકવી થ્રેસિંગ કરીને ડોડવા છૂટા પાડયા છે. હાલમાં મગફળીનો ઢગલો જોતાં વીઘાદીઠ અંદાજીત ૩૦થી ૩૫ મણનું ઉત્પાદન મળશે. મગફળીનો દાણો પણ મોટો મળ્યો છે. જેમાં મગફળીના પાલાનો તેઓ પશુઓના ચારા માટે ઉપયોગ કરે છે. આ પહેલા ૫૦ વીઘામાં મગફળી અને તુવેરનો આંતરપાક લીધો હતો. જેમાં મગફળી નીકળી ગયા પછી તુવેરનો પાક પણ અડિખમ ઊભો છે. જેમાં હવે શિંગો બેસશે. આ સિવાય દર વર્ષે તુવેરનું વાવેતર કરે છે.

વાડી પર જ છે 8 જેટલી ગાયો

તેમના ખેતરમાંથી વરસાદનું પાણી બહાર જતું નથી અને તેમના ખેતરમાં કોઈના ખેતરનું પાણી આવતું પણ નથી. પ્રાકૃતિક ખેતી માટે તેઓ વાડી પર જ નાની મોટી ૮ જેટલી ગાયોનો ઉછેર કરી રહ્યા છે. મગફળીનો પાલો ઉપરાંત ખેતરમાં જ તૈયાર થતો ઓર્ગેનિક ચારો જ ગાયોને ખવડાવે છે. મગફળીનું તેલ કાઢયા પછીનો ખોળ પણ ગાયોને ખવડાવે છે. કોઈ બહારનું દાણ ખવડાવતા નથી. આ સિવાય ત્રણથી ચાર વાઢ મળે તેવી જુવારનું પણ ખેતરમાં પશુચારા માટે વાવેતર કર્યું છે.

તેલ બનાવી કરે છે મૂલ્યવર્ધન

માનસિંહભાઈ ખેતરમાં તૈયાર થયેલી મગફળીનું માર્કેટયાર્ડમાં વેચાણ કરવાને બદલે તેલ બનાવીને મૂલ્ય વર્ધન કરે છે. ૧ ખાંડી એટલે કે ૨૦ મણ મગફળીમાંથી ૮ ડબ્બા તેલ તૈયાર થાય છે. ૧૫ કિલોના ડબ્બાના ૩,૫૦૦ રૂપિયા કિંમત મળે છે. મગફળીના સીંગદાણા પણ તૈયાર કરાવે છે. મગફળીમાં અત્યાર સુધી ૨ લાખ રૂપિયા જેટલો ખર્ચ આવ્યો છે. પ્રાકૃતિક ખેતીમાં મજૂરી ખર્ચ વધારે થાય છે. માનસિંહભાઈ માને છે કે ઝેરમુક્ત ધરતી સાથે ઝેરમુક્ત ઉત્પાદન લોકો સુધી પહોંચે તે રીતે જ ખેતી કરી અન્યોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

READ ALSO

Related posts

યુપીમાં શહેરોના નામ બદલવાનું ફરી ભૂત ઘૂણ્યું, આગ્રાનું બદલાઈને થઈ શકે છે આ નામ

pratik shah

તમે તો અહીં પ્લોટની ખરીદી કરી તો નથી ને!, આ કંપનીએ ગુજરાતીઓના લાખો રૂપિયા ડૂબાડ્યા

pratik shah

સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી તો ફરી શરૂ કરી, પરંતુ ખેડૂતોને મેસેજ કરીને બોલાવતા થયુ આવું…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!