GSTV
GSTV લેખમાળા Trending

કેર કરાજે : મહા વિનાશ વેરી શકે એવા શસ્ત્રની ટેકનિક વિકસાવનારા એ સંશોધક એક દિવસ અચાનક ગુમ થયા

કેર કરાજે

જૂલે વર્ને એકથી એક ચડિયાતી વાર્તાઓ લખી છે. એમની એક વાર્તા ફેસિંગ ધ ફ્લેગનો ગુજરાતીમાં કેર કરાજે નામે અનુવાદ થયો છે. સમર્થ અનુવાદક દોલતભાઈ નાયકે અત્યંત રસપ્રદ અનુવાદ કર્યો છે. એ વાર્તાના એક પ્રકરણનો કેટલોક ભાગ અહીં રજૂ કર્યો છે.

આખરે આ ‘કાઉન્ટ દ’ આર્ટિંગસ’ હતો કોણ ? સ્પેન દેશનો કોઈ વતની હશે ? નામ ઉપરથી તો એવું જ લાગતું હતું. વળી સ્પૂનર પ્રકારના એના જળયાન ઉ૫૨ એબા નામ સુવર્ણાક્ષરે લખાયું હતું. એ નામ નોર્વેજિયન કૂળનું હતું. એબાના માલિકને એના કૅપ્ટનનું નામ પૂછ્યું હોત તો જવાબ મળ્યો હોત કૅપ્ટન સ્પેડ. એ સાથે યાનના ટંડેલનું નામ ખચકાટ વિના એણે એફ્રોન્ડેટ જણાવ્યું હોત. આ માણસ સઢવાળાં સાગરયાનોનો સઢ અને તે સંબંધી દોરડાં વગેરેનો હવાલો સંભાળનાર અધિકારી હતો અને જહાજના રસોઈયાનું નામ હેલિમ હોવાનું તેણે જણાવ્યું હોત. આ બધાં જ નામો પરસ્પરથી વિભિન્ન અને ભિન્ન ભિન્ન રાષ્ટ્રીયતાનાં પ્રતીકરૂપ હતાં.
કાઉન્ટ દ’ આર્ટિંગસ અંગેની આટલી સ્પષ્ટતા પછી પણ એમાં સાજિક રીતે તારવી શકાય તેવું અનુમાન શક્ય ન હતું. અનેક પ્રકારનાં નામોને કારણે તે ચોક્કસપણે ક્યાંનો વતની હતો, તે તારવવાનું મુશ્કેલ હતું. એના પોતાના જ શરીરનો વાન, કાળાવાળ અને એના વર્તનમાં રહેલી શાલીનતાને ધ્યાનમાં રાખીએ તો એ સ્પેનીશ મૂળનો લાગતો, પરંતુ એના શરીરનાં જાતિગત લક્ષણો આઇબેરિયા એટલે કે સ્પેન-પોર્ટુગલના એક ભૂ-ભાગના વાસી હોય તેવાં જણાતાં ન હતાં.
સરેરાશ ઊંચાઈ અને મજબૂત બાંધાનું શરીર ધરાવતા આ આર્ટિંગસ મહાશયની ઉંમર પિસ્તાળિસ વર્ષની હોવાનું અનુમાન થઈ શકે તેમ હતું. એના શાંત અને ગર્વિલા વર્તન ઉપરથી, તે હિંદુ ઉમરાવ જેવો લાગતો હતો, જેની નસોમાં ઉચ્ચ વર્ગના મલય કુટુંબનું લોહી વહેતું હોય.
આમ તો એને ઠંડા મગજવાળો માણસ કહી શકાય નહીં, પરંતુ દૃઢાગ્રહી લાગતા એના હાવભાવ, તેમજ મીતભાષીપણાને કારણે એવી છાપ ઉપસી હતી. જહાજ ઉપરનાં સૌ વચ્ચેની વાતચીત હિંદી મહાસાગર અને એન આજુબાજુના વિસ્તારોમાંના ટાપુઓના નિવાસીઓમાં બોલાતી વિશિષ્ટ ભાષાના રૂઢ થયેલા શબ્દોમાં થતી. તેમ છતાં એમની દરિયાઈ મુસાફરી દરમિયાન તેઓ જ્યારે નવી કે જૂની દુનિયાના કાંઠાના વિસ્તારોની મુલાકાત લેતા હોય ત્યારે સામાન્ય વહેવારોમાં અંગ્રેજી ભાષામાં જ બોલતા હતા. જોકે અંગ્રેજી શબ્દોના ઉચ્ચારણોમાં થોડી વિચિત્રતા જણાતી, પરંતુ એના વિદેશી મૂળની કોઈને શંકા થાય તેમ પણ ન હતું.
એમના ભૂતકાળ સંબંધમાં કોઈએ કાંઈપણ જણાવ્યું ન હતું. એની હલની જિંદગી સંબંધમાં પણ કોઈ કાંઈ કહી શકે તેમ ન હતું. એની પાસેનાં ધનસંપત્તિની માત્રા તથા શ્રોત બાબતમાં પણ કોઈને જાણકારી ન હતી. એ તો જે હોય તે, પરંતુ પોતાનું યાન એબા લઈને એ જ્યારે પણ અમેરિકા આવતો, ત્યારે પોતાની મરજી અને ધૂન પ્રમાણેનું વૈભવી જીવન ગુજારતો. એની વારંવારની મુલાકાતોથી બંદરોના સૌ એને સારી રીતે ઓળખતા હતા. તેમ છતાં એ ક્યાં રહેતો હતો અને દુનિયાના કયા બંદરેથી એનું યાન દરિયાની સફરે નીકળતું તેની કોઈને માહિતી ન હતી. એ શું કરે છે તે બાબત પણ એને પૂછવાની કોઈએ હિંમત કરી ન હતી. પૂછ્યું હોત તો પણ એમાંથી બહુ જ થોડી માહિતી મળી શકી હોત. અમેરિકન અખબાર જગતના સંવાદદાતાઓ તરફથી પૂછાતા વેધક સવાલોના જવાબમાં પણ એ પોતાના સ્વભાવગત ઓછાબોલાપણાને જાળવી રાખતો અને એને યોગ્ય લાગે તેટલી જ માહિતી આપતો.
એનું જહાજ એબા અમેરિકી પૂર્વકાંઠાના બંદરે લાંગર્યું હોય, ત્યારે ફરજિયાતપણે આપવી પડતી માહિતી કે પેપર્સ આપવામાં આવતાં. એવી મુલાકાતો પણ પોતાના જહાજ માટે પુરવઠો મેળવવા પૂરતી જ થતી. એની લાંબી દરિયાઈ સફર માટે જરૂરી અનાજનો લોટ, ચોખા, બિસ્કિટ, જાળવી રાખેલું કે સૂકવેલું માંસ, તાજું માંસ, બકરી કે ડુકર જેવાં માંસ યોગ્ય પ્રાણીઓ, દારૂ <-> વગેરે વસ્તુઓની લાંબી યાદી હતી. એ ઉપરાંત રસોઈ માટેની કે અન્ય જરૂરિયાતની કે મોજશોખની વસ્તુઓ પણ ખરીદવામાં આવતી. એવી વસ્તુઓ પણ હંમેશાં શ્રેષ્ઠ બ્રાન્ડની અને મોંઘા ભાવની જ પસંદ કરાતી. એ માટે ડૉલર, ગીની કે જુદા જુદા દેશોના ચલણના સિક્કાઓ દ્વારા ચૂકવણી થતી.
પોતાની ઓળખ સંબંધી રાખવામાં આવતી ગોપનીયતા તથા એની વૈભવી રીતભાતો અને મોંઘીદાટ ખરીદીને કારણે અમેરિકી સંઘરાજ્યનાં ફ્લોરિડાથી માંડીને ઉત્તરમાં ન્યૂ-ઇંગ્લૅન્ડ સુધીનાં આટલાંટિક કાંઠાનાં તમામ બંદરો ઉપર કાઉન્ટ દ’ આર્ટિંગસની હાજરીની ખાસ નોંધ લેવાતી. એની એવી ખ્યાતિ છતાં એની અંગત જિંદગી બાબતમાં કોઈને કોઈ જ માહિતી ન હતી. એની એવી ખ્યાતિને કારણે જ સેનેટોરિયમના ડાયરેક્ટરના હાથમાં એનું


વિઝિટિંગ કાર્ડ આવતાં તે અભિભૂત થઈ ગયો અને એવી મોટી હસ્તીને અનુરૂપ એમને આવકારવામાં પણ આવ્યા. જોકે ન્યૂબર્ન બંદરના બારામાં કાઉન્ટના આ વિશિષ્ટ હાજે પહેલી જ વાર લંગર ઉતાર્યું હતું. એ બનાવર્ન તો એના ધનવાન માલિકના તરંગને કારણભૂત ગણી શકાય, અન્યથા અને અહીંના આ સાવ નાના બંદરે લાંગરવા માટેનું કોઈ પ્રયોજન દેખાતું ન હતું. એ કાંઠા ઉપરનાં ઉત્તર તરફનાં કે દક્ષિણ તરફનાં બોસ્ટન, ન્યૂયૉર્ક, ડોબર, સાવનાહ, નોર્થ કેરોલિનાનું વિલ્લિંગટન, સાઉથ કેરોલિનાનું ચાર્લ્સટાઉન જેવાં મોટાં બંદરો જેવી સુવિધા કે વિશાળ બજાર અહીંના પાલ્મિકો સાઉન્ડમાં આવેલા ન્યૂબર્ન બંદરમાં મળવાની શક્યતા ન હતી. એની પાસેના સોનાચાંદીના ચલણી સિક્કાઓ તથા બૅંકનોટથી અહીંના નાના માર્કેટમાંથી ખરીદ કરવા જેવું કાંઈ હતું નહીં. ક્રેવન કાઉન્ટીના આ મુખ્ય મથકની વસ્તી જ માંડ છ હજાર માણસોની હશે. અહીંનો વેપાર મુખ્યત્વે અનાજ, ડુક્કર, ફર્નિચર તથા નૌસેના માટે દરૂગોળાની નિકાસનો જ હતો. એ ઉપરાંત થોડાં અઠવાડિયાં અગાઉ જ આ સ્પૂનર-એબાનાં ભંડકિયામાં જરૂરી માલસામાન ભરીને હંમેશ મુજબ કોઈ અજ્ઞાત સ્થાને જવા નીકળ્યું હતું. એનાં એવાં અજ્ઞાત સ્થાનની કોઈને પણ માહિતી ન હતી.


એવા કોયડારૂપ ગણી શકાય તેવા જહાજના આ માલિકની હેલ્થફુલ હાઉસની મુલાકાત શું કેવળ કુતૂહલ માટે જ હશે ? જોકે એ શક્ય પણ હતું, કેમકે હેલ્થફુલ હાઉસનાં આ સ્વાસ્થ્યધામની ઊંચી પ્રતિષ્ઠા હતી. એવી પ્રતિષ્ઠાને ઉજાગર કરે તેવી જ અહીંનો માહોલ પણ હતો. એ કારણે એની અહીંની મુલાકાતથી કોઈને પણ આશ્ચર્ય થાય તેવી શક્યતા ન હતી.
જોકે આ મુલાકાત પાછળ એવું કારણ હોઈ શકે કે થોમસ રોશ જેવા પ્રખ્યાત રસાયણવિજ્ઞાનીને મળવા તેઓ ઉત્સુક હોય. એવી વ્યક્તિવિશેષની મુલાકાત લેવાનું કાઉન્ટ માટે ઉચિત પણ હતું અને સાહજિક પણ હતું. થોમસ રોશ નામનો આ ધૂની માત્રસ મોટો વિજ્ઞાની હતો અને એણે એવો દાવો કર્યો હતો કે એણે કરેલી નવતર શોધને કારણે દેશો વચ્ચેના અર્વાચીન યુદ્ધોની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવે તેમ હતું.

સેનેટોરિયમની મુલાકાત લેવા માટેની વિનંતીનો સ્વીકાર થયો હોવાથી ઠરાવેલા સમયે કાઉન્ટ દ’ આર્ટિંગર્સ તેના સાથીદાર કૅપ્ટન સ્પેડ સાથે પ્રતિષ્ઠાનના દરવાજે દસ્તક દીધા. બંને મહેમાનોને માનપૂર્વક સંસ્થામાં પ્રવેશ આપવામાં આવ્યો. બંનેને સીધા જ ઑફિસમાં લઈ જવામાં આવ્યા. સંસ્થામાં પધારેલા આ વિશિષ્ટ મહેમાનને સ્નેહસભર ઉમળકાથી નિયામકે આવકાર આપ્યો. સેનેટોરિયમના ખૂણે-ખૂણે ફરીને એના તમામ ભાગો સાથે રહીને બતાવવાની નિયામકે ઉત્સુકતા બતાવી. અહીં આવતા અન્ય મુલાકાતીઓની સાથે જ્વાની તેઓ ભાગ્યે જ ઇચ્છા દર્શાવતા. છતાં પોતાની બાબતમાં એવા ઉદાર અને ઉમળકાભર્યાં પ્રસ્તાવથી પ્રભાવિત થયા હોય તે રીતે કાઉન્ટે એવા વિવેકનો સાભાર સ્વીકાર કર્યો.

મોંઘેરા મહેમાનને નિયામકે સેનેટોરિયમના દરેક વિભાગમાં ફેરવવા માંડ્યા. એના કોમનરૂમ તથા વ્યક્તિગત ધોરણે દર્દીઓને અપાતા નિવાસો જોયા. એ સમગ્ર સમય દરમિયાન એક નાનું બાળક બોલ–બોલ કરતું હોય તે રીતે નિયામક અવિરતપણે બોલ્યે જતો હતો. એમાં રહેતા દર્દીઓને કેવાં કેવાં પ્રકારની સારવાર આપવામાં આવતી હતી, તેની ઝીણી ઝીણી વિગતો આપી. સાથે મોકળામને તેનાં વખાણ કર્યાં. એના જણાવ્યા પ્રમાણે આ દર્દીઓએ એના હૃદયમાં કાયમી સ્થાન જમાવી દીધું હતું. અહીં આપવામાં આવતી સારવાર અને સુવિધાઓનાં પરિણામ સંબંધમાં તેણે જાતે જ પોતાની પીઠ થબથબાવી.


મહેમાન તરીકે પધારેલા કાઉન્ટ દ’ આર્ટિંગસ પણ નિયામકના સતત વહેતા વાણીપ્રવાહથી પોતે પ્રભાવિત થયા હોય તેમ સાંભળી રહ્યા. કદાચ એવું પણ હોઈ શકે કે અહીંની વ્યવસ્થા અને માહોલ બાબતમાં એના મનમાં ચાલી રહેલા વિચારોને તથા પોતાના કોઈ અન્ય હેતુને છુપાવવાનો પણ ઇરાદો હોઈ શકે.

એકાદ કલાક સુધી યજમાનની વાતો સાંભળ્યા બાદ આ મહેમાનમાં, એના મનમાં રહેલા મુખ્ય મુદ્દા અંગે નિયામકને કાંઈક પૂછવાની હિંમત આવી. મહાશય !’ ખચકાટ અનુભવતા હોય તે રીતે કાઉન્ટે પોતાના યજમાનને પૂછ્યું, ‘તમારે ત્યાં શ્રેષ્ઠ સારવાર પામી રહેલા દર્દીઓમાં અગાઉ જેના વિશે સારી એવી જાહેર ચર્ચા થઈ હતી અને જેની અહીંની હાજરીને કારણે તમારા આ સેનેટોરિયમ તરફ બહારી દુનિયાનું ધ્યાન ખેંચાયું હતું, તે દર્દી શું અહીં નથી ?’ ઓહ ! તમે થોમસ રીશ બાબતમાં પૂછી રહ્યા છો એમ માનું છું.’
મહેમાનની આવી પૃચ્છાને ખૂબ જ હળવાશથી લઈ રહ્યા હોય તે રીતે યજમાને સામો પ્રશ્ન કર્યો.
‘હાજી ! હાજી !! બરાબર એ દર્દી છે, જે ફ્રાન્સનો વતની છે અને એક સંશોધક છે. એની માનસિક સ્થિતિ અનિશ્ચિત અને જોખમભરી હોવાનું કહેવાતું હતું.’
ખરેખર જોખમકારક છે, કાઉન્ટ મહાશય !’ નિયામકે કોઈપણ જાતના સંકોચ વિના સરળતાથી કાઉન્ટની વાતનું સમર્થન કર્યું અને જણાવ્યું, અને હું માનું છું કે એની અહીંની ઉપસ્થિતિ કદાચ સારા માટે જ હશે. એવા માણસોની શોધોથી માનવજાતને કાંઈ જ મેળવવાનું નથી. આજે પણ આપણી આ નાનકડી દુનિયામાં અસંખ્ય સંહારક શસ્ત્રોની ભરમાર અસ્તિત્વમાં છે. આ સંશોધકની શોધથી એમાં એક કાતિલ શસ્ત્રનો ઉમેરો જ થવાનો છે.’
તમે સાચું જ કહો છો ! મહાશય.’ યજમાનની વાતને સહૃદયથી ટેકો આપતા હોય તે રીતે મહેમાને જણાવ્યું, ‘તમારી આ ડહાપણભરી વાત સાથે હું સહમત છું. માનવજાતની સારી પ્રગતિ એ રીતે થઈ શકવાની નથી. એવાં સંહારક શસ્ત્રોની શોધમાં રમમાણ રહેનારા લોકો સમાજના ખરેખરા દુશ્મનો જ છે. હું એ દર્દીની બાબતમાં જાણવા માગું છું કે શું ખરેખર એણે પોતાની બૌદ્ધિક ક્ષમતા ગુમાવી છે ?”
કાઉન્ટ મહાશય !’ સામાન્ય પ્રકારની માહિતી આપતા હોય તેવી સરળતાથી નિયામકે જવાબ આપ્યો, ‘એની એવી ક્ષમતા પૂરેપૂરી નષ્ટ થઈ છે, એમ તો નહીં કહી શકું. વાસ્તવિક જીવન સાથે સંકળાયેલી સામાન્ય બાબતોને સંબંધ છે ત્યાં સુધી એવી સામાન્ય બાબતો માટેની એની આકલન શક્તિ કે સમાજ પ્રત્યેની એની જવાબદારીની ભાવનાનો લોપ થયો છે, પરંતુ એક સંશોધક તરીકેની એની બુદ્ધિમત્તા હજી પણ એનામાં પ્રજ્વળી રહેલી છે, એમ હું માનું છું. એની એવી શક્તિ એના નૈતિક જીવન ઉપર હજી પણ હાવી બની રહેલી છે. એની એ કહેવાતી શોધ સંબંધમાં એની માગણી પ્રમાણેની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે તો, માનવજાતના સંહાર માટે ઉપયોગમાં લઈ શકાય તેવું શસ્ત્ર એ જરૂર બનાવી શકે, એમાં મને જરાય શંકા નથી. જોકે એની માગણી પ્રમાણેની વસ્તુઓ તથા એવી શોધની આકરી કિંમત કોઈ એને આપી શકે તેમ નથી. એવી શોધ વિના જ આપણો માનવસમાજ અત્યારે વધુ સારી સ્થિતિમાં છે.


‘તમે સાચું જ કહો છો એની એવી નકારાત્મક શોધથી માણસજાતને કોઈ જ લાભ થવાનો નથી.’ કાઉન્ટ નિયામકના અભિપ્રાયને અનુમોદન આપ્યું. એના સાથીદાર કેપ્ટન સ્પેડે પણ ડોકું હલાવી એમાં પોતાની સહમતિનો સૂર પુરાવ્યો.
એવી શોધો કરવાની એની ક્ષમતા અંગે તો તમે જાતે એને જોઈને નક્કી કરી શકો છો. કાઉન્ટ મહાશય ! અહીં દર્દી બનેલો થોમસ રોશ સેનેટોરિયમના છેવાડાના ભાગમાં આવેલા પેવિલિયનમાં જ રહે છે. એની અહીંની અટકાયત માનવસમાજના હિતમાં એ રીતે વાજબી ઠરાવી શકાય તેમ છે. તેમ છતાં પોતાના સમાજના એક પરમ મેધાવી સભ્ય તરીકે એના જેવી વિલક્ષણ પ્રતિભાની એની સ્થિતિને અનુરૂપ જરૂરી તમામ પ્રકારની કાળજી લેવામાં આવી રહી છે. વળી અમારું આ સેનેટોરિયમ અવિચારી અને ધૂર્ત લોકોની પહોંચની બહાર છે. એવું કોઈપણ માણસ એનો સંપર્ક કરી એની સ્થિતિનો ગેરલાભ ઉઠાવી શકે તેમ નથી.’

પોતાના મંતવ્યના સમર્થનમાં નિયામકે પોતાનું માથું ધૂણાવ્યું, પરંતુ એ સાંભળીને એના આ અજાણ્યા મહેમાનોના મોં ઉપર કળી ન શકાય તેવું સ્મિત આવી ગયું. પરંતુ આવી સ્થિતિમાં શું થોમસ રોશને એકલો રાખી શકાય ?’ કાઉન્ટે પ્રશ્ન પૂછ્યો.
ના જી, કાઉન્ટ મહાશય ! ખરેખર એને એકલો તો રાખી શકાય જ નહીં. એની એવી વિશિષ્ટ સ્થિતિને કારણે એની દેખરેખમાં કાયમી ધોરણે એક સેવકને મૂકવામાં આવ્યો છે. એ માણસમાં અમને પૂરેપૂરો વિશ્વાસ છે. એ માણસ થોમસની જ ભાષા બોલી શકે છે અને સાથે એની ઘનિષ્ટ રીતની સેવાશૂષા પણ કરે છે. એની એ ખતરનાક શોધ સંબંધમાં એના મુખમાંથી ભૂલથી કે અનાયાસપણે કોઈપણ ઉચ્ચારણ નીકળે કે તરત જ તેની નોંધ કરવાની અને તેની માહિતી એનું મૂલ્યાંકન કરી શકે તેવા અધિકારીને તરત જ પહોંચાડવાની સ્પષ્ટ સૂચના એ સેવકને આપવામાં આવી જ છે.’
કાઉન્ટ આર્ટિંગસ જેવા મોટા ગજાના મહેમાનથી અંજાઈ ગયેલા નિયામકે અજાણતા જ થોમસ રોશ સંબંધી ગોપનીય માહિતીનો એમની સમક્ષ પટારો ખોલી નાખ્યો. આ પળે કાઉન્ટે પોતાના સાથી કૅપ્ટન સ્પેડ ઉપર એક ઝડપી અને રહસ્યપૂર્ણ ખ઼ાય તેવી નજર નાખી. પોતાના માલિકનો એ ઇશારો સમજી લીધો હોય તે રીતે કેપ્ટન સ્પેડે હળવા શબ્દોમાં ધીમેથી પોતાનો પ્રતિભાવ આપ્યો, ‘મને એમની વાત સમજાઈ છે.’ એ પછી કૅપ્ટનના હાવભાવ અને વર્તનમાં બદલાવ આવ્યો. એના એવા વર્તનને કોઈએ ઝીણી નજરે જોયું હોત તો ખ્યાલ આવી ગયો હોત કે થોમસ રોશને જ્યાં રાખવામાં આવ્યો હતો, તે છેવાડાના પેવિલિયન નંબર ૧૭ તરફ જતી તમામ કૈડીઓ કે પગથીઓની તે મનોમન નોંધ લઈ રહ્યો હતો.


એણે જોયું કે પેવિલિયન નં. ૧૭ની ફરતેનો બગીચો આખી મિલકતની ફરતેની ઊંચી કંપાઉન્ડ વૉલની નજીકમાં જ હતો. અહીંથી જ ડુંગરીનો હળવો ઢાળ નેયુઝ નદીના જમણા કાંઠા સુધી જતો હતો. માત્ર એક જ માળની ઊંચાઈ ધરાવતા આ પેવિલિયનમાં બે જ રૂમ તથા મોટી પરસાળ હતાં. મકાનની ઉપર ઇટાલિયન ઢબની અગાસી હતી. મકાનની તમામ બારીઓને મજબૂત સળિયાની ગ્રીલથી સુરક્ષિત બનાવવામાં આવી હતી. મકાનની બંને બાજુઓ અને પાછળના ભાગે લીલાં પાંદડાંથી સઘન વૃક્ષોનાં ઝૂંડ હતાં અને સામેના ભાગમાં લીલા રંગની ચાદર પાથરવામાં આવી હોય, તેવી લીલા ઘાસની લોન ઊગાડવામાં આવી હતી. એમાં ઠેકઠેકાણે સુશોભિત ફૂલછોડના ક્યારા બનાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત પણ સુંદર ફૂલોના છોડવા રોપવામાં આવ્યા હતા. મોટા મેદાન પૈકીના લગભગ અડધા એકર જેટલા ભાગમાં પથરાયેલો આ બગીચો કેવળ થોમસ રોશ માટે જ અનામત રાખવામાં આવ્યો હતો. એમાં હરવા-ફરવા માટે તે પૂરેપૂરો સ્વતંત્ર હતો. જોકે એનો સેવક એની છાયા હોય તે રીતે સતત એની સાથે રહેતો હતો.

ત્રણે જણા એ બગીચાના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યા, ત્યારે પેવિલિયન નં. ૧૭ના બારણાં પાસે જ એનો સેવક ગાયડન ઊભો હતો. નિયામકનું ધ્યાન ખેંચાય નહીં એ રીતે કાઉન્ટ વેધક નજરે વૉર્ડર ગાયડનને જોઈ લીધો, પેવિલિયનનો આ ફ્રેન્ચ નિવાસી યોગ્ય રીતે જ એક મળવાપાત્ર વ્યક્તિ હતો. જોકે આ રીતે એની મુલાકાત લેનારા આ કાંઈ પહેલા અજાણ્યા માણસો ન હતા, પરંતુ આ બે જણાની રાષ્ટ્રીયતાની કોઈ માહિતી ન હોવા છતાં અતિ સંવેદનશીલ વ્યક્તિ ગણાતા થોમસ રોશને આ રીતે મળવા દેવાનું નિયામકનું પગલું ગાયડનને ઉચિત લાગ્યું નહીં. એને માટે કાઉન્ટ દ’ આર્ટિંગસ નામ અજાણ્યું જ હતું. બહુ મોટા નામધારી અને ધનાઢ્ય દેખાતા મહાશયને એની પૂર્વકાંઠાની મુલાકાતો દરમિયાન રૂબરૂ મળવાનું પણ બન્યું ન હતું. પોતાની સ્મૃતિને ઢંઢોળવા છતાં એને ખ્યાલ આવતો ન હતો કે ખરેખર આ કાઉન્ટ દ’ આર્ટિંગસ કોણ માણસ છે. વળી હેલ્થફુલ હાઉસની સાવ નજીકમાં થઈને વહેતી નેયુઝ નદીના મુખ પાસે લાંગરેલા સ્પૂનર જહાજ એબા વિશે પણ એણે કાંઈ જાણ્યું ન હતું.મુલાકાતી સાથે કેન્દ્રના નિયામક પોતે જ આવ્યા હોય એવું ભાગ્યે જ બનતું. મુલાકાતીઓ કોઈ વિશિષ્ટ વ્યક્તિવિશેષ હશે એમ માની ગાયડને પણ એમને આવકાર્યા.
‘મિસ્ટર ગાયડન ! થોમસ રોશ અત્યારે ક્યાં છે ?’ નિયામકે પોતાના અધિકારને આધારે પૂછ્યું. ‘પેલા રહ્યા.’ પેવિલિયનની બાજુમાં આવેલા એક ઝાડ તરફ આંગળી ચિંધીને તેમણે દર્શાવ્યું. ધ્યાનમગ્ન હોય એ રીતે વૃક્ષની છાયામાં ચાલી રહેલા થોમસ રોશ તરફ સૌનું ધ્યાન દોરાયું.
‘આજના આ મુલાકાતી મહેમાન કાઉન્ટ દ’ આર્ટિંગસ છે. એમને આપણા આ હેલ્થફુલ હાઉસની મુલાકાત લેવાની પરવાનગી આપવામાં આવી છે.’ કાઉન્ટ તરફ આંગળી બતાવીને નિયામકે વૉર્ડરને જણાવ્યું, ‘આ પેવિલિયનના નિવાસી થોમસ રોશને પણ તેઓ મળવા માગે છે. રોશ મહાશય અત્યારે એમની શોધ સંબંધમાં ચર્ચામાં છે, તે તમે જાણો જ છો.
હવે અને પછી પણ તેઓ ચર્ચામાં રહ્યા હોત જો અહીંની સરકારે એને આ સેનેટોરિયમમાં રાખવા માટેની કાળજી લીધી ન હોત તો.’ કાઉન્ટે નિયામકના વાક્યમાં ઉમેરો કરતાં જણાવ્યું.
‘સાચી વાત છે, કાઉન્ટ મહાશય ! આ એક જરૂરી પૂર્વ સાવચેતી છે.’ ખરેખર એવી વ્યવસ્થા અત્યંત જરૂરી હતી. વિશ્વના લોકોની સુખશાંતિ માટે એ જરૂરી છે કે આ વિજ્ઞાનીના મનમાં છુપાયેલાં રહસ્યો એની ચીરવિદાય સાથે જ ધરતીમાં સમાઈ જાય.’ કાઉન્ટે નિયામકની વાતનું અનુમોદન કર્યું.
વૉર્ડરે કાઉન્ટ તરફ સહેતુક નજર નાખી અને કાંઈપણ બોલ્યા વિના થોમસ તરફ દોરી ગયો. એ ત્યાંની ઘાસની લોનમાં આંટાફેરા કરતો હતો. આ ત્રણે માણસો એની નજીક પહોંચી ગયા હોવા છતાં તેણે એમના તરફ જાય ધ્યાન આપ્યું નહીં. એમને માટે તો પોતે એક ગુમસુદા વ્યક્તિ જ હતી.

એની એવી રહસ્યમય હિલચાલ તરફ કાઉન્ટનું તથા ગાયડનનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. બંનેની નજર થોમસ તરફ જ હતી. એ દરમિયાન એમનું ધ્યાન પોતાના તરફ દોરાય નહીં, એ રીતે કૅપ્ટન સ્પેડ આસપાસનો માહોલ જોતો હોય તેમ ત્યાંથી પાછળના ભાગની દીવાલ તરફ સરકી ગયો. એની નજર એ દીવાલની રચનાને માપી રહી હતી. પાર્કના ઢોળાવના ઊંચાઈવાળા સ્થળેથી એ દીવાલની પેલે પાર અખાતના પાણીમાં લાંગરેલા એબા જહાજના વાસ્તંભનો ઉપરનો ભાગ પણ તે ઓળખી ગયો. એને ખ્યાલ આવી ગયો કે કંપાઉન્ડ વૉલ તરફનો એ ભાગ નેયુઝ નદીના જમણા કાંઠાને અડોઅડ ઊભેલો હતો.

જ્યારે આ બાજુ કાઉન્ટ દ’ આર્ટિંગસે પોતાનું સમગ્ર ધ્યાન એની સામે ઊભેલા થોમસ રોશ ઉ૫૨ જ કેન્દ્રિત કર્યું.
એણે જોયું કે અહીંના અઢાર માસના એકાંતવાસ પછી પણ એના સ્વાસ્થ્ય ઉપર કોઈ વિપરીત અસર પડી ન હતી. પરંતુ એના વિલક્ષણ હાવભાવ, આજુબાજુના માહોલ સાથેની અસંબદ્ધ માનસિકતા, નિશ્ચિંત દેખાતી એની આંખો જેવી સ્થિતિ એના માનસપટલ ઉપરની અરાજકતાનું જ નિર્દેશન કરતી હતી.

થોડો સમય એવી સ્થિતિમાં રહ્યા બાદ તેણે નજીકની ખુરશીમાં બેઠક લીધી. ખુરશીના પાયા પાસે પડેલી નાની લાકડી હાથમાં લઈ તેની અણી પગથીની ધૂળ તરફ લંબાવી. કિલ્લાની રૂપરેખા હોય તેવી લીટીઓ દોરી ત્યારબાદ ખુરશીની બેઠકમાંથી જ એ રૂપરેખા તરફ વાંકા વળીને તેમાં ઠેકઠેકાણે હાથ વડે ધૂળની ઢગલીઓ કરી. દેખીતી રીતે જ એ ઢગલીઓ સહિતની રૂપરેખાનો આકાર કોઈક પ્રકારની કિલ્લેબંદી હોય તેવી જણાતું હતું. એના માથા ઉપર ઝળૂબી રહેલી ઝાડની ડાળી ઉપરથી એની ડૂખ સાથેનાં પાંદડાં તોડીને કોઈક દેશનો રાષ્ટ્રધ્વજ હોય તે રીતે ઢગલીની ધૂળમાં ઊભાં ખોમાં. નજીકમાં જ ઊભેલા માણસોથી સંપૂર્ણપણે બેધ્યાન હોય તે રીતે રોશ ગંભીરતાથી આ કામગીરી કરતો રહ્યો.
સામાન્ય સ્થિતિમાં એની એવી પ્રવૃત્તિને બાળરમત જ કહી શકાય, પરંતુ તેમાં આ પ્રકારની ગંભીરતા નથી હોતી.

Related posts

બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ

Hardik Hingu

ગરીબો, સૈનિકો માટે પૈસા નથી પરંતુ પોતાના ઉદ્યોગપતિ મિત્રોની કરોડોની લોન માફ કરીઃ રેવડી કલ્ચર મામલે કેજરીવાલનો પલટવાર

GSTV Web Desk

મહાગઠબંધનનો 24 ઓગસ્ટે થશે ફ્લોર ટેસ્ટ, નીતિશ અને તેજસ્વીએ કેબિનેટ વિસ્તરણ પર કર્યો વિચાર; સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ

GSTV Web Desk
GSTV