GSTV
Ahmedabad GSTV લેખમાળા ગુજરાત ટોપ સ્ટોરી

મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે અવસાન : વાજબી દરે ખૂણે ખૂણે પહોંચાડ્યુ છે ગુજરાતી વાંચન, ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટાં પુત્ર હતા!

મહેન્દ્ર મેઘાણી

ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું ભાવનગર ખાતે 100 વર્ષની વયે નિધન થયું હતું. છેલ્લા થોડા સમયથી તેઓ બિમાર હતા. ટૂંકી માંદગી બાદ તેમનું નિધન થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. હજુ થોડા સમય પહેલા જ તેમનો શતાયુવર્ષમાં પ્રવેશ થયો હતો. ઝવેરચંદ મેઘાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણાની રગેરગમાં વહેતો હતો. 2021એ ઝવેરચંદ મેઘાણીનું સવાસોમું વર્ષ હતું. એટલે પિતા મેઘાણીની સવા શતાબ્દી અને પુત્ર મહેન્દ્ર મેઘાણીના આયુષ્યની શતાબ્દીનો અનોખો સંયોગ પણ સર્જાયો હતો.

મહેન્દ્ર મેઘાણી

ગુજરાતીઓને વાજબી દરે સારું વાંચન મળી રહે એ હેતુથી મહેન્દ્ર મેઘાણીએ લોકમિલાપના માધ્યમથી સર્વોત્તમ પુસ્તકો ગુજરાતી વાચકોને ઉપલબ્ધ કરાવ્યા હતા. અડધી સદીની વાંચન યાત્રા, રોજ રોજની વાંચનયાત્રા વગેરે તેમના પુસ્તકો તો ગુજરાતના હજારો ઘરોમાં પહોંચી ચૂક્યા છે. અનેક પુસ્તકો અને અનેક પ્રકારનું વાંચન સતત સર્જાતું રહેતું હોય છે. એમાંથી શું વાંચવુ એ શોધવા માટે વાચકોને ઘણી મહેનત પડતી હોય છે. આવી ફરિયાદો મળી એટલે જગતભરની ભાષાઓમાંથી સર્વોત્તમ સામગ્રી શોધી, તેને ટૂંકમાં અને સરળ ભાષામાં તેમણે ગુજરાતી સાહિત્ય સમક્ષ રજૂ કરી.
1923ની 20મી જૂને તેમનો મુંબઈમાં જન્મ થયો હતો. એટલે આ તેમનું શતાબ્દી વર્ષ હતું. ભાવનગર અને અમદાવાદમાં અભ્યાસ કર્યા પછી અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. જીવનના ઘણા વર્ષો તેમણે અમેરિકામાં પસાર કર્યા હતા.
ગુજરાતી સાહિત્ય ઉપરાંત વિશ્વ સાહિત્યમાં પણ તેમની જબરી પકડ હતી. સેવન યર્સ ઈન તિબેટ, કોન ટીકી વગેરે વિશ્વ સાહિત્યના ઉત્તમોત્તમ પુસ્તકો તેમણે અત્યંત રસાળ ગુજરાતીમાં અનુવાદિત કરીને ગુજરાતી વાચકોને આપ્યા છે.
ઝવેરચંદ મેઘાણીનું તો 1948માં નાની વયે નિધન થયું હતું. પરંતુ એ દરમિયાન સૌથી મોટા પુત્ર હોવાને કારણે મહેન્દ્રભાઈને તેમની સાથે કામ કરવાની અને તેમની પાસેથી શીખવાની તક મળી હતી. પત્રકારત્વ અને ગુજરાતી સંસ્કૃતિના વાહક તરીકે તેઓ અનેક દેશોમાં ફર્યા હતા.
આજીવન તેમણે પુસ્તકોનું મહત્વ સમજાવવા માટે જ કામ કર્યું. ગુજરાતી ઘરોમાં પુસ્તકો ઉપલબ્ધ થાય એ માટે પોતાની જાતને ક્યાંય વચ્ચે આવવા દીધા વગર કામગીરી કરી. અડધી સદીની વાંચનયાત્રાની પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છે, :’ આપણી પ્રજાનાં અનેક અનિષ્ટોનું મૂળ કદાચ વિચારશૂન્યતામાં જડશે, વાચનના સમૂળગા અભાવમાંથી. અને ઘણી વાર યોગ્ય વાચનના અભાવમાંથી આવી વિચારશૂન્યતા પેદા થાય છે.”

ગુજરાતી વાંચકોને લાંબુ વાંચવુ ફાવતુ નથી, એ સારી રીતે સમજતા મહેન્દ્ર મેઘાણીએ અનેક સંપાદનો એવા કર્યા, જેમાં ટૂંકી પરંતુ જીવનમાં અસર કરે એવી વાંચન સામગ્રી મળી રહે. પુસ્તક લોકપ્રિય બનાવવા માટે તેમણે બીજો સિદ્ધાંત એ અમલમાં મુક્યો હતો કે એ સસ્તું હોવું જોઈએ. અને શક્ય એટલું નાનુ હોવું જોઈએ. પરિણામે તેમણે સંપાદિત કરેલા પુસ્તકો હજારોની સંખ્યામાં વેચાયા.
વાંચન ઉપરાંત ફિલ્મો પણ ઘડતરમાં મહત્વનો ફાળો ભજવે છે એ જાણતા મહેન્દ્ર મેઘાણીએ લોકમિલાપ ટ્રસ્ટના નેજા હેઠળ વર્ષો સુધી ભાવનગરના બાળકોને મોટાં પડદે અનેક ફિલ્મો બતાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

ભરૂચ/ ગોલ્ડન બ્રિજ આજે વટાવી શકે છે 24 ફૂટની ભયનજક સપાટી, આ ગામોને કરાયા એલર્ટ : 186 નાગરિકો અને પશુધનનું સ્થળાંતર

Bansari Gohel

મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ

Bansari Gohel

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed
GSTV