GSTV
Home » News » કાલે બધાં કપડાં ઉતારીને સંપૂર્ણ નગ્ન થઈ ઘોડેસવારી કરતી ગામમાં નીકળજે, જો તું આ કરીશ તો…

કાલે બધાં કપડાં ઉતારીને સંપૂર્ણ નગ્ન થઈ ઘોડેસવારી કરતી ગામમાં નીકળજે, જો તું આ કરીશ તો…

૯૦૦ વર્ષ પહેલાની વાત છે. ઇંગ્લેન્ડમાં કોવેન્ટ્રી નામનું નગર. એ નગરના રાજકર્તા અધિપતિ લિયોફ્રિકને અર્બ ઓફ મર્સિયા કહેવાતો. બ્રિટિશ તખ્તનો એ વગદાર મોભાદાર ઉમરાવ. અને એની પત્ની કાઉન્ટેસ ઓફ મર્સિયાનું નામ હતું ગોડિવા. (અમેરિકનો વિટામીનને વાઈટામીન, સેમી સેમા, એન્ટીની એન્ટાઈ અને સેલ્ફીને સેલ્ફાઈ કહે એમ આ નામને ‘ગોડાઈવા’ તરીકે બોલે છે. ને એટલે યુરોપ બહારની પોણી દુનિયા પણ!)

ગોડિવા અપૂર્વ સુંદર હતી, એવું કહેવાતું. જેટલી સ્વરૂપવાન હતી, એટલી જ સંવેદનશીલ હતી. એ જમાનો સખ્ત, કડક રાજાશાહીનો હતો. પ્રજા પાસેથી ટેક્સ વસૂલવામાં આવતો હતો. ગરીબ પ્રજાજનો આપણે જૂની હિન્દી ફિલ્મોમાં જોયા છે, એવા દ્રશ્યો મુજબ જમીનદારને ‘લગાન’ માફ કરી દેવા માટે કરગરતાં. એમના છોકરાં ભૂખમાં ટળવળતા. રાજાને તો ફરક ન પડયો, પણ રાણીને દયા આવી. એ પબ્લિકનો પક્ષ લઈ પતિ પાસે ગઈ. લાચાર, ભૂખ્યા, કંગાલ, દરિદ્ર પીડિતોની વ્યથા વર્ણવી. રાજા ટસથી મસ ન થયો. કરૂણામૂર્તિ ગોડિવાની નજર સામે ભૂખ્યાં ટળવળતાં ભૂલકાંઓના ચહેરા તરવરતા હતા. એ ફરી ફરીને પતિને મહેસૂલ માફ કરવા વીનવ્યા કરે. એનો દર ઘટાડવા અરજ કરે.

હું ટેક્સનું કર્જ માફ કરી દઈશ!”

પત્નીની આ ટકટકથી રાજા કંટાળ્યો. ગુસ્સામાં આવી એક વાર તાડૂકી ઉઠયો ”આટલું બધું લાગી આવતું હોય તો કાલે બધાં કપડાં ઉતારીને સંપૂર્ણ નગ્ન થઈ ઘોડેસવારી કરતી ગામમાં નીકળજે. જો તું આ શરતનું પાલન કરીશ, તો હું ટેક્સનું કર્જ માફ કરી દઈશ!” લેડી ગોડિવા તો હેબક ખાઈ ગઈ. આજે ય ગમે એવા મુક્ત દેશમાં ગમે એવી આધુનિક યુવતી બધાં જ કપડાં કાઢીને ભીડ વચ્ચે ચાલે નહિ. એમાં ય આ તો એક સહસ્ત્રાબ્દી પહેલાનો રૂઢિચુસ્ત જમાનો અને જેવી તેવી કોઈ નખરાળીભમરાળી નારી નહિ, ખુદ રાણી! પતિને ખાતરી હતી કે શરમના માર્યા યુવાન પત્ની ચૂપ થઈ જશે, અને રોજની બીજાઓની ભલાઈ માટેની કચકચથી છૂટકારો મળશે. પણ અન્યોને ખાતર, પ્રજાકલ્યાણ માટે, દીનહીન શોષિત પ્રજાના દુઃખ માટે ગોડિવાએ આ આકરી શરત સ્વીકારી! અને ઘોડે ચડીને એક પણ વસ્ત્ર વિના સંપૂર્ણ અનાવૃત્ત થઈને ધોળે દહાડે જાહેરમાં નીકળી, અંગ ઢાંકવા માટે લાંબા વાળ સિવાય કશું જ એની પાસે નહોતું તો ય!

સ્વતંત્રતાના મીઠાં ફળ અને લોકહૃદયમાં અમરત્વ એમ જ નથી મળતું

રીડર બિરાદર, ક્રાંતિની ચિંગારી કાયમ શસ્ત્રોની શક્તિમાં નથી હોતી. એ હોય છે મક્કમ મનોબળમાંથી જન્મતા અભયમાં. આઝાદીની એ પહેલી શરત છે. આઝાદમિજાજની એ ખુમારી છે. નક્કર નિશ્ચયને લીધે ગુલાબી રૂપ વધુ તેજસ્વી સોનેરી લાગતું હોય છે. સ્વતંત્રતાના મીઠાં ફળ અને લોકહૃદયમાં અમરત્વ એમ જ નથી મળતું. ભોગ આપવો પડે છે. પણ આધુનિક ઈતિહાસકારોને મત દંતકથા પણ જડ ધાર્મિકતા છતાં સદીઓથી અમર રહેલી એ લોકકથાનો સેકન્ડ ટ્વીસ્ટ હવે આવે છે. સવાર પડયું, અને લોકોને ખાતર રાણી ઘોડા પર બેસીને તદ્દન નિઃવસ્ત્રૅ નગરમાં નીકળી. ફિલ્મમાં એકાદ કિસનો સીન પડદા પર આવે તો ય થિએટરમાં સીસકારા બોલાવવા લાગતા અને સહજ સૌંદર્યની પ્રશસ્તિને બદલે વિકૃતિનો ગંદવાડ ઓનલાઈન ઠાલવવા લાગતા આજના ભૂખાળવા સમાજને તો નખશિખ કપડાં પહેરેલી નારી પણ હાથમાં આવે કે નાની ગુડિયાઓ મળે તો ય હેવાનીયતથી પીંખી નાખે.

પણ એ દિવસે રાણી ગોડિવાના સન્માનમાં પ્રજાએ સ્વયંભૂ આમન્યા રાખી. આપણે ખાતર રાણી બધી જ મર્યાદાઓ વળોટીને અગ્નિપરીક્ષા આપવા જઈ રહી છે, એ દર્દને પારખનારી સમજદાર જનતાએ નક્કી કર્યું કે આવી અદ્ભુત સંવેદનશીલ વત્સલ સ્ત્રીને આમ જાહેરમાં ન્યુડ જોવા માટે ટોળે વળીને આપણી એણે ઉંચી ધારેલી કિંમત ઘટાડવી નથી. રાણીને હતું જ કે પ્રજા મારી લાજ લૂંટાવા નહિ દે, મારું માન રાખશે. ગોડિવાએ લોકોના દિલ જીતી લીધા હતા, પછી લોકોને એના ‘ડિલ’ (શરીર) સામે જોવું ય પાપ લાગતું હતું.

કોવેન્ટ્રી નગરનો એક પણ દરવાજો ખુલ્યો નહિ

કહેવાય છે કે, એ દિવસે કોવેન્ટ્રી નગરનો એક પણ દરવાજો ખુલ્યો નહિ. બારીઓ ય ખુલી નહિ. બાળકો ય શેરીમાં રમવા ગયા નહિ. રાણીના અહેસાનમાં તરબોળ થયેલ પ્રજાએ સ્વયંભૂ બંધ રાખ્યો! જડબેસલાક બંધ. એક માણસે છૂપી રીતે પણ ખુલ્લેઆમ અનાવૃત્ત ઘોડેસવારી ગોડિવા સામે જોયું નહિ! એકાદું છિદ્ર, અપવાદ, કલંક તો હોય એમ એક ટોમ નામનો છોકરો રહી ન શક્યો અને બધાના સજ્જડ સંયમ છતાં એણે બારણાની તિરાડમાંથી છાનુંછપનું ગોડિવાના નગરવિહારનું દ્રશ્ય જોયું, જેના પર ગામલોકોએ ફિટકાર વરસાવ્યો.  એ પછી બીજાની કૂથલી-પંચાતમાં ચોરીછૂપીથી રસ લેનાર કે હદ વળોટીને કોઈના ખાનગી અંગત જીવનમાં ડોળા તાણનાર નપાવટ માટે અંગ્રેજીમાં શબ્દ જ આવી ગયો ‘પિપિંગ ટોમ!’ ડોકાશિયાં કાઢતો નફ્ફટ. પારકી પંચાતનો ‘રહુડિયો’. સેક્સોલોજીની સાયકોલોજીના એક્સપર્ટ સિગ્મંડ ફ્રોઈડે એને ફેમસ કર્યો.

ગોડિવા જગતમાં અમર બની ગઈ

પ્રજાના ટેક્સ માફ થયા. રાજાપાઠમાં આવેલા પતિને ય ભૂલ સમજાઈ. લેડી ગોડિવાની આબરૂ ઘટવાને બદલે વધી. પ્રજાજનોએ એમની વ્હાલી રાણી સામે જોયું જ નહોતું, એટલે તૈયારી છતાં ક્ષોભજનક સ્થિતિ ન આવી. ઇતિહાસમાં નોંધાવવા માટે હવાતિયાં મારતા કંઈક બડેખાંઓ ભૂલાઈ જાય છે. પણ ગોડિવા જગતમાં અમર બની ગઈ. આ લેખ સાથે મૂક્યું એ ૧૮૯૭ના જોન કોલિવરના ક્લાસિક પેઈન્ટિંગ જેવા એના ચિત્રો દોરાયા. આજે ય યુકે ફરવા જાવ તો કોવેન્ટ્રીમાં ચોક વચ્ચે ૧૯૪૯થી અડીખમ ઉભેલું એનું ફુલસાઈઝ શિલ્પ જોવા મળશે!

બહેન સુભદ્રાનું અર્જુન દ્વારા હરણ પણ થવા દીધેલું

રિમેમ્બર હવે જેમનો જન્મદિન નજીક છે, એ કૃષ્ણે આ જ ‘ચોઈસ’ ખાતર રૂર્કિમની બહેન રૂકિમણીનું હરણ કરેલું તો એ જ ચોઈસ માટે બહેન સુભદ્રાનું અર્જુન દ્વારા હરણ પણ થવા દીધેલું. મૂળ વાત છે – યોગ્ય પાત્રની સ્વતંત્ર પસંદગી અને એ માટે જવાબદારી સ્વીકારવા જેવું, ચાતુર્ય કેળવવા જેવું ઘડતર અને કન્સેન્ટ. બળાત્કાર નહિ. પરસ્પરની સહમતી. અને એ થશે, પછી પડકાર ઝીલવાનો છે સંવેદનશીલ સૌજન્યના સમાજનો – જે સચ્ચાઈ, ન્યાય ખાતર બોલ્ડ બની નીકળેલી રાણીનો આદર કરી નજર નીચી ઢાળે. નહિ કે આગેવાન થયા પછી જ્ઞાાતિના નામે દીકરીના મેરેજ તોડાવે. જમાઈ/દીકરીની હત્યા કરાવે. જીવતે જીવ એક જ્ઞાાતિવાદી પિતાએ પ્રેમલગ્ન કરનાર પુત્રીનું કારજ કર્યું, એવા તમાશા કરે ! આ બંધનમાંથી સ્ત્રીને સ્વતંત્ર કરવાની રક્ષાના સમર્થનમાં હો તો હેપી ઈન્ડિપેન્ડન્સ ડે. શુભ રક્ષાબંધન !

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!