જસદણનો જંગ EVMમાં બંધઃ હાઈપ્રોફાઈલ બેઠક પર થયું રેકોર્ડબ્રેક મતદાન

પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં બમ્પર મતદાન સાથે વોટિંગ પૂર્ણ થયું છે. મતદાન પૂર્ણ થતા ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાનું ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. જસદણમાં કુલ 72 ટકા મતદાન નોંધાયું છે. જસદણ સિટી પૂર્વમાં 69 ટકા, જસદણ સિટી પશ્વિમમાં 73 ટકા અને જસદણ સિટી ઉત્તરમાં 72 ટકા, જસદણ તાલુકામાં 78 ટકા જેટલુ મતદાન નોંધાયું છે. ગત વિધાનસભાની ચૂંટણી કરતાં દોઢ ટકા ઓછું મતદાન થયું છે.

જસદણમાં કુલ 262 મતદાન કેન્દ્રો પર મતદાન કરવામાં આવ્યું છે. હવે તા.23મીએ નક્કી થશે કોન બનશે કુંવર કે કોનો આવશે અવસર. શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી તંત્ર દ્વારા અર્ધલશ્કરી દળની છ પ્લાટૂન સહિત 1100 સુરક્ષા જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હોવા છતાં જસદણ પેટા ચૂંટણીને લઈને અત્યાર સુધી રાજ્યના ચૂંટણી પંચને વિવિધ 26 જેટલી ફરિયાદ મળી છે. ચૂંટણી પંચને ઈવીએમ બગાડવાની કે પછી જસદણ મતવિસ્તારમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની અવરજવરને મુદ્દે આ ફરિયાદો મળી છે. ચૂંટણી પંચ આ ફરિયાદોનો અભ્યાસ કરીને તેના પર જરૂર પગલાં લેશે.

ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવાર સહિત અન્ય છ ઉમેદવારોના ભાવી 23મી તારીખે નક્કી થવાના છે. છેલ્લા દિવસ સુધી મતદારોને રિઝવવા માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદાવારોએ પ્રચારમાં એડિચોટીનુ જોર લગાવી દીધુ હતું. કડકડતી ઠંડીમાં પણ જસદણ વાસીઓ ગરમ કપડા પહેરીને વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી કતાર લગાવી હતી. અને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જસદણમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાય તે માટે તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જસદણમાં કુલ 2 લાખ 24 હજાર 290 મતદાતાઓ માટે કુલ 262 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. જે પૈકી 126 મતદાન મથકમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જસદણમાં પેરામિલિટરીની 6 કંપની. પોલીસના 306 જવાન અને જીઆરડીના 311 મળીને કુલ 1100 જેટલા સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. મતદાન દરમ્યાન 24 જેટલા મતદાન મથક પર વેબ કાસ્ટિંગ અને 25 મતદાન મથક પર વીડિયો રેકોર્ડિગ કરવામાં આવ્યુ હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter