ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસના પ્રારંભ પહેલાથી જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો યથાવત્ છે. મંગળવારે ટીમ ઈન્ડિયાને ચોથી ટેસ્ટ પહેલા વધુ એક ઝાટકો લાગ્યો કારણ કે બુમરાહ પણ ચોથી ટેસ્ટમાંથી બહાર થયો છે. એક અહેવાલ અનુસાર, બુમરાહને પેટના નીચેના હસ્સામાં ખેંચાણ અનુભવાતા ટીમ મેનેજમેન્ટ એલર્ટ થઈ ગયું હતું. આ જ સાથે ટીમ ઈન્ડિયા બુમરાહને ચોથી ટેસ્ટમાં રમાડવાનું જોખમ લઈ શકતી નથી કારણ કે જો બુમરાહને રમાડવામાં આવે તો તેની ઈજા વકરી શકે છે.
મયંક અને અશ્વિનનું ચોથી ટેસ્ટમાં રમવું શંકાસ્પદ….
બુમરાહ ઉપરાંત બ્રિસ્બેન ખાતે ટીમમાં હનુમા વિહારીના વિકલ્પ તરીકે જેની ચર્ચા હતી તે મયંક અગ્રવાલને પણ નેટ પર પ્રેક્ટિસ કરતા સમયે ઈજા થઈ હતી. તેને હેરલાઈન ફ્રેક્ચર હોઈ શકે છે. સ્થિતિ હવે ત્રીજી ટેસ્ટ કરતા પણ વધુ વણસી શકે છે કારણ કે, સિડની ટેસ્ટના અંતિમ દિવસે 3.30 કલાકની બેટિંગ બાદ અશ્વિનની પીઠમાં સમસ્યા હોવાનું સામે આવ્યું છે. તેનું આગામી ટેસ્ટમાં રમવું શંકાસ્પદ છે અને હવે ભારતીય ટીમ પાસે વધુ વિકલ્પ નથી.


બુમરાહની ઈજા ગંભીર નથી, પરંતુ રિસ્ક ના લઈ શકાય
ભારતીય ઝડપી બોલિંગ યુનિટના મુખ્ય બોલર બુમરાહને પેટના નીચેના હિસ્સામાં ખેંચાણની સમસ્યા ત્રીજી ટેસ્ટ દરમિયાન જ થઈ હતી. બુમરાહની સ્કેન રિપોર્ટમાં ખેંચાણની વાત સામે આવી અને ભારતીય ટીમ મેનેજમેન્ટ ઈંગ્લેન્ડ વિરુદ્ધની 4 ટેસ્ટ મેચની આગામી સીરિઝને ધ્યાને રાખતા તેની ઈજા મામલે વધુ જોખમ લેવા માગતા નથી. બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું કે,‘સિડનીમાં ફિલ્ડિંગ સમયે બુમરાહને પેટમાં ખેંચાણની સમસ્યા થઈ હતી. તે બ્રિસ્બેન ટેસ્ટમાંથી બહાર થયો છે પરંતુ આશા છે ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં ઉપલબ્ધ રહેશે.’ જોકે ઈજા ગંભીર નથી તે ભારત માટે રાહતના સમાચાર છે. પરંતુ મેનેજમેન્ટ એલર્ટ છે અને ઈજા વકરે નહીં તે માટે કામ કરી રહ્યું છે.
ફુલ ફિટનેસ વગર બુમરાહને રમાડે તો ઈંગ્લેન્ડ સીરિઝમાંથી તેના બહાર થવાનું જોખમ
સૂત્રએ જણાવ્યું કે,‘જો અમે 50 ટકા ફિટનેસ સાથે બુમરાહને રમાડવાનું જોખમ લઈએ તો તે મેચની વચ્ચે જ બહાર થઈ જશે. આ સાથે તે ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાંની પણ મોટાભાગની મેચ ગુમાવી શકે છે. ઈંગ્લેન્ડ સામે અંતિમ સીરિઝ છે. જેના થકી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટેનું ક્વોલિફિકેશન નક્કી થશે અને ભારતીય ટીમ તેની દાવેદાર પણ છે તથા અંતિમ મહત્ત્વપૂર્ણ સીરિઝમાં બુમરાહની જરૂર રહેશે.’
સિરાજ રહેશે ટીમનો મુખ્ય બોલર
હવે એવું મનાઈ રહ્યું છે કે, 2 ટેસ્ટ મેચ રમનાર મોહમ્મદ સિરાજ ભારતીય બોલિંગ યુનિટને લીડ કરશે અને 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી બ્રિસ્બેન ટેસ્ટમાં નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર અને ટી નટરાજનનો સાથ આપશે. બુમરાહને પૂર્ણ ફિટનેસ વગર રમાડવાનું જોખમ ના લેવાય તો ચોક્કસ રીતે નટરાજન ટેસ્ટમાં પણ ડેબ્યૂ કરશે.
અંતિમ ટેસ્ટ માટે ટીમની પસંદગી સૌથી મોટી સમસ્યા
ભારતીય ટીમની સમસ્યા હવે એ છે કે, ઈજાગ્રસ્ત લોકેશ રાહુલના ગયા બાદ અને હનુમા વિહારીની ગ્રેડ 2 ઈજા બાદ મિડલ ઓર્ડરમાં વધુ વિકલ્પ રહ્યાં નથી. 2 બેટ્સમેન જે હાજર છે તેમાં ખરાબ ફોર્મના સામનો કરી રહેલ પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ છે. હવે જોવાનું એ રહેશે કે ખેલાડીઓની ગેરહાજરી અને લોઅર ઓર્ડરને ધ્યાનમાં રાખી ભારત 4 બોલર સાથે ઉતરવાનો નિર્ણય લે છે કે નહીં. પંત ફિટ થઈ જશે તો તે વિકેટકીપર તરીકે ટીમમાં બની રહેશે અને પૃથ્વીને ત્રીજા ક્રમે અને તે પછી પૂજારા, રહાણે અને અગ્રવાલ ટીમમાં સ્થાન મળી શકે છે. જો ભારત 5 બોલર સાથે ઉતરે તો ઝડપી બોલર યુનિટનો અનુભવ કુલ 4 ટેસ્ટ (સિરાજ-2, સૈની-1, ઠાકુર-1, નટરાજન-0) નો રહેશે.
READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ