જસદણ: જાણો કયા વર્ષમાં કયા પક્ષને પ્રજાએ આપ્યો હતો અવસર

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌ કોઇ પરિણામની ઉત્કંઠાભેર રાહ જોઇ રહ્યા છે. જસદણી ચૂંટણીમાં 71.27 ટકા જેટલું મતદાન થયું છે. જે ગત ચૂંટણી કરતા 2 ટકા ઓછું છે. આ મતદાન કોની તરફેણમાં થયું છે તેનો ખ્યાલ તો રવિવારે જ આવી શકશે. જસદણની અગાઉની ચૂંટણીમાં કેટલું અને કોની તરફેણમાં મતદાન થયું.

ગુજરાતભરમાં ઉતેજના જગાડનારી જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સૌ કોઇની નજર ચૂંટણીના પરિણામ પર રહેલી છે. જસદણની ચૂંટણીમાં કુલ 71.27 ટકા મતદાન થયું છે. જસદણની ચૂંટણીમાં કુલ 2 લાખ 32 હજાર 116 મતદારો હતા. જે પૈકી કુલ 1 લાખ 65 હજાર 418 મતદારોએ મતદાન કર્યું. જે અંતર્ગત 90 હજાર 199 પુરૂષ મતદારોએ મતદાન કર્યું. જે ટકાવારી મુજબ 73.82 છે. જ્યારે કે સ્ત્રી મતદારોની સંખ્યા 75 હજાર 219 છે. જેની ટકાવારી 68.42 છે.

વર્ષ 2017ના આંકડા જોઇએ તો. 2017ની ચૂંટણીમાં કુલ 1 લાખ 68 હજાર 791 મતદારોએ મતદાન કર્યું હતું. જે પૈકી ભાજપને 75 હજાર 44 મતો મળ્યા. જે ટકાવારી મુજબ 44.41 ટકા હતા. જ્યારે કે કોંગ્રેસને સૌથી વધુ 84321 મતો મળ્યા કે ટકાવારી મુજબ 49.90 ટકા હતા. જ્યારે કે અન્ય પક્ષને 9 હજાર 426 મત મળ્યા હતા. જેની ટકાવારી 5.69 હતી. 2017માં 9277 મતની લીડથી કોંગ્રેસના કુંવરજી બાવળિયાનો વિજય થયો.

2012ની ચૂંટણીની વાત કરીએ તો, 2012ની ચૂંટણીમાં કુલ 1 લાખ 64 હજાર 457 મતદારોએ મતદાન કર્યું. જે પૈકી ભાજપને 67 હજાર 208 મતો મળ્યા. જે કુલ મતના 40.87 ટકા હતા. તો કોંગ્રેસને સૌથી વધુ 78 હજાર 55 મતો મળ્યા કે ટકાવારી મુજબ 47.46 ટકા હતા. જ્યારે કે અન્ય પક્ષને 19 હજાર 194 મત મળ્યા હતા. જેની ટકાવારી 11.67 હતી. 2012માં 10 હજાર 847 મતની લીડથી કોંગ્રેસના ભોળાભાઇ ગોહિલની જીત થઇ.

2009ની પેટાચૂંટણીના આંકડા જોઇએ તો, 2009માં કુલ 1 લાખ 25 હજાર 793 મતદારોએ મતદાન કર્યું. જે પૈકી ભાજપને સૌથી વધુ 59 હજાર 934 મત મળ્યા. જે 47.64 ટકા હતા. તો કોંગ્રેસને 45 હજાર 160 મત મળ્યા. જેની ટકાવારી 35.90 હતી. જ્યારે કે અન્ય પક્ષને કુલ 20 હજાર 699 મત મળ્યા. જે ટકાવારી મુજબ 16.46 ટકા હતા. 2009ની પેટાચૂંટણીમાં 14 હજાર 774 મતની લીડથી ભાજપના ભરત બોઘરા વિજયી બન્યા. અને હવે 2018ની પેટાચૂંટણીમાં થયેલું મતદાન ભાજપની તરફેણમાં થયું કે કોંગ્રેસની તરફેણમાં તે જાણવાની દરેકને ઇંતેજારી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter