જસદણ જંગઃ ભાજપના ‘કુંવરજી’ પાસે છે કેટલી સંપત્તિ, જાણીને વિશ્વાસ નહીં થાય

જસદણ બેઠક જે હંમેશા કોંગ્રેસનો ગઢ રહી છે. પરંતુ આ ગઢમાં હવે કોંગ્રેસના બાવળીયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જસદણની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા કુંવરજી બાવળીયા જસદણ પહોંચ્યા હતા. જ્યા તેમણે ઉમેદવારી નોંધાવતા પહેલ મંદિરમાં દર્શન કર્યા હતા. જે બાદ તેઓ મસ્જિદમાં પણ ગયા હતા. કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવા બાવળીયાએ જસદણમાં રેલી કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું.

ત્યાર બાદ કુંવરજી બાવળીયાએ જસદણ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. કુંવરજી બાવળીયાને સોગંદનામા પર નજર કરીએ તો, તેમની કુલ આવક 14 લાખ 78 હજાર 820 રુપિયા છે. હાથ પર રોકડ 50 હજાર અને બાવળીયા પાસે ફકત એક તોલા સોનું છે. બાવળિયાના પત્ની પાસે ચાર તોલા સોનું અને એક કરોડથી વધુની સ્થાવર-જંગમ મિલકત છે.

તેમની વિરૂદ્ધ એક ફોજદારી ગુનો પણ નોંધાયેલો છે. બાવળીયા પર આર્થિક લાભ લેવા ખોટા દસ્તાવેજ બનાવ્યા હોવાનો આરોપ છે. જસદણ બેઠક પર ભલે બાવળિયાએ ફોર્મ ભર્યું હોય પરંતુ કોંગ્રેસ પણ ચૂંટણી જીતવા ફુકી-ફુકીને રણનીતિ બનાવી રહી છે. બાવળીયાને વિશ્વાસ છે કે, તેઓ જસદણ બેઠક પર ફરીવાર જીત હાંસલ કરશે. ત્યારે કોંગ્રેસ પણ પોતાની પરંપરાગત ગણાતી જસદણ બેઠકને જીતવા એડી ચોટીનું જોર લગાવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter