બાવળિયા જેવા કદાવર નેતા સામે કોંગ્રેસના નાકિયાનું ઘર જોશો તો એમ થશે કે કોંગ્રેસ ફૂટી

અવસર નાકિયા કુંવરજી બાવળીયાના શિષ્ય છે. તેમને રાજકારણનો રસ્તો બતાવનારા ગૂરૂદ્રોણનું કામ કુંવરજીએ કર્યું હતું, પણ હવે શિષ્ય જ ગુરૂની સામે મેદાને પડવાનો છે. માત્ર ધોરણ 6 પાસ અને એક સમયે છકડો રીક્ષા ચલાવતા અવસર નાકિયા પર હવે ભાજપના કાર્યકરોને જ ભરોસો બેસી ગયો છે. સમાજમાંથી આવતાં અવસર નાકીયાનો જન્મ 4 જુલાઇ. 1972માં વિછીંયા તાલુકાના આસલપુર ગામમાં થયો હતો.

તેમણે આસલપુરની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6 સુધીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ કર્યા બાદ તેઓ આસલપુરથી વિછીંયા સુધી છકડો રીક્ષા ચલાવતા હતા. 1995માં અવસર નાકિયાના લગ્ન ગીતાબેન સાથે થયા હતા. તેમને સંતાનમાં 5 દીકરી અને એક દીકરો છે. તેઓ સતત બે વખતથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે. તો રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. અને હવે જસદણની પેટાચૂંટણીમાં તેઓ ગુરૂ કુંવરજીને જ બરાબરની ટક્કર આપશે.

એક ખૂણામાં પડેલી છકડો રીક્ષા મહેનતકશ અને શ્રમજીવી પરિવારનું ઘર હોવાની ચાડી ખાય છે. આ છે જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાનું ઘર. વિંછિયાના આસલપુરે ગામે આવેલા અવસર નાકિયાનું ઘર આ વિસ્તારમાં જોવા મળતાં અનેક ઘરો જેવું જ સાદું જણાય છે. એક સમયે સાઈકલ પર બેસીને પ્રચાર કરવા નીકળતા કુંવરજીભાઈ પણ આરંભે તેમની સાદગી માટે જાણીતા હતા.

લગભગ બે દાયકા જેટલાં સમયથી રાજકારણમાં સક્રિય રહેલાં અવસરભાઈ હજુ હમણાં સુધી કુંવરજીનો જમણો હાથ ગણાતા હતા. માત્ર 7 ધોરણ ભણેલા નાકિયા જસદણ-વિંછિયા મતવિસ્તારના કુલ 105 ગામોનું ચૂંટણી ગણિત કડકડાટ ગણાવી શકે છે.

કુંવરજીભાઈ દરેક સમાજના સારા-માઠાં પ્રસંગે પડખે ઊભા રહેવા માટે જાણીતા છે, તો નાકિયા પણ જસદણ વિસ્તારમાં સંકટ સમયની સાંકળ તરીકેની ખ્યાતિ ધરાવે છે. એક સમયે સાથે રહેલા બંને ઉમેદવારો આજે એકમેકની સામે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આ હવે કોની તરફે પલ્લું ઝૂકશે એ જાણવા માટે 23મી સુધી રાહ જોવી પડશે. જસદણમાં શહેરી વિસ્તારમાં બાવળિયા લોકપ્રિય છે તો ગામડામાં આજે પણ અવસર નાકિયાનું પ્રભુત્વ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter