જસદણ : 3 મંત્રી, 2 પ્રદેશ પ્રમુખ સહિત 1 મુખ્યમંત્રીનું ભવિષ્ય નક્કી કરશે, જોરદાર છે જંગ

5 રાજ્યોમાં ભાજપની અાબરૂનું ધોવાણ બાદ મોદીના હોમગ્રાઉન્ડમાં વધુ અેક જસદણમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં હાર થઈ તો મોદી, અમિત શાહનું અાબરૂનું
દેશમાં ધોવાણ થશે. આ ચૂંટણીમાં સૌથી વધુ ગુમાવવું પડશે તો બાવળિયાએ. બાવળિયાનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. હાર્યા તો ન ઘરના ન ઘાટના થઈને રહી જશે. બાવળિયાએ દાવ ખેલીને કોંગ્રેસમાંથી ભાજપમાં ઝંપલાવ્યું છે. જેમાં તેઓ હાલમાં કેબીનેટ મંત્રી છે. જો હાર્યા તો મંત્રીપદ પણ જશે અને રાજકીય કારકીર્દી ડૂબી જશે. અામ કોંગ્રેસના અવસર નાકિયા માટે જીત્યા તો અવસર આવ્યો પણ બાવળિયા હાર્યા તો રાજકીય કદ વેતરાઈ જશે. જેઅોને હરાવવા માટે કોંગ્રેસ જબરજસ્ત પ્રયાસો કરી રહી છે.

કોંગ્રેસ જીતી તો ભાજપની રહી સહી આબરૂનું ધોવાણ થઈ જશે

ગુજરાતમાં હાલમાં રાજકીય સ્થિતિ અલગ છે. જસદણ હાર્યા તો ધાનાણી અને અમિત ચાવડા એ રાહુલ ગાંધીની ગુડબુક્સમાંથી નીકળી જશે અને પીઢ આગેવાનો ફરી સત્તા હાંસલ કરવાનો પ્રયાસ કરશે. આ બંને નેતાને પણ ખબર છે કે, આ પેટાચૂંટણી પર તેમની કારકીર્દી ટકેલી છે. આગામી દિવસોમાં લોકસભા આવી રહી છે. જો આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો તો રાહુલ ગાંધી દિલ્હીથી પાંખો કાપી લેશે. જેને પગલે ધાનાણી અને ચાવડા આ ચૂંટણી જીતવા સક્રિય બન્યા છે. ગુજરાતમાં પ્રદર્શન અે રાહુલ ગાંધી માટે અતિ અગત્યનું હોવાથી કોંગ્રેસ સક્રિય બની છે. જસદણ એ કોંગ્રેસનો ગઢ છે. જેમાં બાવળિયા જીતતા આવ્યા છે. જેને પગલે કોંગ્રેસ પાસે જીતવાનો ચાન્સ છે. કોંગ્રેસ જીતી તો ભાજપની રહી સહી આબરૂનું પણ ધોવાણ થઈ જશે.

ભાજપના નેતાઓનું કદ વેતરાશે

જસદણની પેટા ચૂંટણી ફક્ત કોંગ્રેસને નહીં ભાજપને પણ મોટાપાયે અસર કરશે. હાલમાં ભાજપમાં બે તડાં સ્પષ્ટ જોવા મળી રહયાં છે. ભાજપે આ ચૂંટણી જીતવા માટે 70 ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. કારણ કે આ ચૂંટણી 2 કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રૂપાલા અને જીતુભાઈ વાઘાણીની પ્રતિષ્ઠા સાથે જોડાયેલી છે. જસદણથી રૂપાણીને દૂર રખાયા છે. જસદણ મામલે ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવ્યા નથી. અામ ભાજપના 2 કેન્દ્રીય મંત્રી અને વાઘાણીની પ્રતિષ્ઠાનો સવાલ છે. જો જસદણ હાર્યા તો આ બંને મંત્રી અને વાધાણી પર મોદી અને શાહની ગાજ પડી શકે છે. એટલે લોકસભા પહેલાં સૌરાષ્ટ્રમાં દબદબો સાબિત કરવા માટે જસદણની પેટા ચૂંટણી જીતવી ભાજપ માટે પણ જરૂરી છે. જસદણ હાર્યા તો ભાજપમાં અંદરો અંદરનો અસંતોષ વધુ તિવ્ર બની જશે એ નક્કી છે.

અવસર સાબિત કરવાની નાકિયા પાસે તક

આવતીકાલે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ ચૂંટણી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને હાલમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જ્યારે કોંગ્રેસમાંથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કરો યા મરો જેવી સ્થિતિ છે. કોંગ્રેસ અને ભાજપના રાજકારણીઓનું ભવિષ્ય દાવ પર લાગેલું છે. ભાજપમાંથી એક જૂથ બાવળિયાના સપોર્ટમાં ન આવ્યું હોવાનું ગુજરાતમાં ચર્ચા ચાલી રહી છે. જે બાવળિયાને હરાવવા નહીં પણ ભાજપના અંદરોઅંદરના જૂથવાદમાં નારાજ હોવાનું સૌરાષ્ટ્રમાં ચર્ચાઈ રહ્યું છે. નાકિયાને કોંગ્રેસે મોટી તક આપી છે. જેમાં તેમને અવસર સાબિત કરવાનો સમય છે. બાવળિયા હાર્યા તો ભાજપની આબરૂ સાથે મંત્રીપદ પણ ગુમાવવાનો વારો આવશે. એટલે નાકિયા કરતાં આ ચૂંટણીમાં બાવળિયાએ ઘણું ગુમાવવાનું છે.

નાકિયાને રાજકારણમાં લાવનાર જ બાવળીયા હતા

ગુજરાતના બહુ ઓછા લોકોને ખબર હશે કે એક સમયે કોંગ્રેસમાં કુવરજી અને અવસર નાકિયા સાથે કામ કરતા હતા એટલું જ નહીં નાકિયાને રાજકારણમાં લાવનાર જ બાવળીયા હતા. કોંગ્રેસના ઉમેદવાર નાકિયા પોતે જાહેરમાં પણ સ્વીકારે છે કે કુવરજી બાવળીયા તેમના ગુરુ હતા આમ જસદણ નો જંગ ગુરુ અને ચેલા વચ્ચે ખેલાઈ રહ્યો છે.

મતદાન શાંતિથી યોજી શકાય તે માટે પૂરી તૈયારી

આવતીકાલે એટલે કે ગુરુવારે મતદાન થવાનું છે તેના આગલા દિવસે ભાજપ અને કોંગ્રેસે જુદા જુદા સમુદાયના મતદારોને બુધ સુધી ખેંચી લાવવા અને પોતાની તરફેણમાં મતદાન થાય તે માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીનું માઈક્રો પ્લાનિંગ થઈ રહ્યું છે બુધવારે પણ બંને પક્ષના ઉમેદવારો અને નાના-મોટા નેતાઓએ જસદણની ગલીઓમાં ફરીને ડોર ટુ ડોર પ્રચાર કાર્ય ચાલુ રાખ્યું છે. બીજી બાજુ ચૂંટણીને લઈને બંને પક્ષ વચ્ચે ગઈકાલે બોલાચાલી અને ઘર્ષણનો માહોલ સર્જાતા મતદાન શાંતિથી યોજી શકાય તે માટે પૂરી તૈયારી કરી છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter