જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો આબેએ ‘જય ઇન્ડિયા જય જાપાન’ નામનુ નવુ સૂત્ર આપ્યુ છે. તેમણે કહ્યુ કે, જાપાનનો જય અને ઇન્ડિયાનો આઈને ભેગા કરીએ તો જય બને છે. જાપાન અને ઇન્ડિયા સાથે મળીને જય ઇન્ડિયા જય જાપાનને સાકાર કરશે તેમ પણ જણાવ્યુ હતુ.
આબેએ નમસ્કારથી સંબોધનની શરૂઆત કરી
બુલેટ ટ્રેનના શિલાન્યાસ પ્રસંગે તેમણે સંબોધનની શરુઆત નમસ્કારથી કરી હતી. બાદમાં જાપાનીઝ ભાષામાં તેમણે ઉદ્દબોધન કર્યુ હતુ. તેમણે પીએમ મોદીના વખાણ કરતા કહ્યુ કે, તેઓ દૂરદર્શી નેતા છે. સાથે જ પીએમ મોદીની નીતિઓનુ સમર્થન કર્યુ હતુ. તેમણે મોદીના બુલેટ ટ્રેનના સપનાને પુરૂ કરવાની પ્રતિજ્ઞા લીધી હોવાનું પણ જણાવ્યુ હતુ.
જાપાનની બુલેટ ટ્રેન વિશ્વની સુરક્ષિત ટ્રેન
શિન્ઝો આબેએ કહ્યું હતું કે, એક દિવસ સમગ્ર ભારતમાં બુલેટ ટ્રેન દોડશે. તેમણે જાપાનની બુલેટ ટ્રેનને વિશ્વની સૌથી સુરક્ષિત ટ્રેન પણ ગણાવી હતી. આબેએ કહ્યું કે, જાપાન અને તેમની કંપનીઓ મેક ઇન ઇન્ડિયાને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. જાપાનની કંપનીઓ ભારત પ્રત્યે ગંભીર હોવાનુ જણાવ્યુ હતુ.
જાપાન ભારતના હિતમાં હોવાનું જણાવી ચીનને આડકતરો સંદેશ આપ્યો
શિન્ઝો આબેએ તેમના સંબોધનમાં અવળચંડાઈ ચીનને પણ આડકતરો સંદેશ આપ્યો હતો. તેમણે શક્તિશાળી ભારત જાપાનના હિતમાં હોવાનુ જણાવ્યુ હતુ. તેમણે જાપાન અને ભારતને એશિયાની બે મોટી લોકશાહી ગણાવી હતી.તેમણે કહ્યુ કે, મારી મિત્રતા એ હિંદ અને પેસેફિક મહાસાગારનો સંગમ છે. સાથે જ મહાસાગરની સુરક્ષાની જવાબદારી પણ સહિયારી હોવાનુ કહીને સાઉથ ચાઇના સીના વિવાદમાં ચીને વધુ એક સંકેત પણ આપ્યો હતો.
હું અંગતપણે ગુજરાત અને ભારતને પસંદ કરુ છું: શિંઝો આબે
તેમણે ગુજરાતના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, હુ અંગતપણે ગુજરાત અને ભારતને પસંદ કરૂ છુ. ભારત માટે જે થઇ શકે તે સઘળુ કરવાની પણ નેમ વ્યકત કરી હતી. સાથે જ બુલેટ ટ્રેન શરૂ થઇ જાય ત્યારે પીએમ મોદી સાથે તેમાં બેસીને અમદાવાદ આવવાની ઇચ્છા દર્શાવી હતી.
વડાપ્રધાન શિન્ઝો આબેએ હવે ભારત અને જાપાનના સંબંધો માત્ર દ્વીપક્ષીય સંબંધો પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેનાથી આગળ તેઓ વધ્યા છે અને બંને દેશ વિશ્વમાં સ્પેશ્યિલ સ્ટ્રેટેજીક પાર્ટનર તરીકે ઉભરી રહ્યા હોવાનું કહ્યું હતુ.
શિન્ઝો આબેએ એશિયામાં ભારત અને જાપાન બંને દેશો લોકશાહી દેશો છે અને તેઓ વિશ્વભરમાં લોકશાહી- સ્વાતંત્ર્યતાના મૂલ્યને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, તેમ કહ્યું હતું. ભારત અને જાપાને આંતરિક સહયોગ વધારીને પ્રશાંત મહાસાગર સાથે સંકળાયેલા દેશોમાં શાંતિ-સૌહાર્દ જળવાય તેના પર ભાર મુક્યો હતો.