GSTV
Home » News » સમગ્ર ભારતમાં ભક્તો થયા ભાવવિભોર, જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક કરાય ઉજવણી

સમગ્ર ભારતમાં ભક્તો થયા ભાવવિભોર, જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક કરાય ઉજવણી

નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયાલાલ કી… જે ઘડીની લાખો ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મંગળ ઘડી આખરે આવી પહોંચી. રાત્રે બરાબર 12 વાગ્યાના ટકોરે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું ધરતી પર અવતરણ થયું. દ્વારકામાં જગત મંદિરના કપાટ ખુલતા જ મંદિર પરિસરમાં ઉપસ્થિત ભક્તોએ ગગનભેદી ઘોષ સાથે વ્હાલાના વધામણા કર્યા… ભક્તોએ હાથી ઘોડા પાલકી… જય કનૈયાલાલ કી. તેમજ દ્વારકામાં કોણ છે. રાજા રણછોડ છે. ના નાદ સાથે શ્રીહરિના જન્મની ઉજવણી કરી. લાલાને લાડ લડાવવા અધીરા બનેલા શ્રદ્ધાળુઓ તેમના દર્શન થતાં જ ભાવવિભોર બન્યા. ભગવાનના જન્મ થતાં જ ભાવિકભક્તો ઝૂમી ઉઠ્યા. કૃષ્ણ જન્મ સાથે જ ભગવાનની આરતી ઉતારવામાં આવી. આરતીના દર્શનનો લ્હાવો લઇ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી.

ડાકોરના ઠાકોરના વધામણાં

બીજી તરફ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ડાકોરના ઠાકોરની એક ઝાંખી મેળવવા કલાકો સુધી હજારો ભક્તો કતારમાં ઉભા રહ્યા. અને રાત્રે મંદિરના કપાટ ખુલતા જ ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ જય રણછોડ. માખણચોર. ના જયઘોષ સાથે શ્રીજીના વધામણા કર્યા. આ સમયે ઉપસ્થિત ભાવિકભક્તોના નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયા લાલકી. ના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. ભગવાનના જન્મ સમયે ભાવવિભોર બનેલા ભક્તો નાચતા-ગાતા ભગવાનના ભજનો સાથે રમઝટ બોલાવતા જોવા મળ્યા. જન્મ થયા બાદ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું. જે બાદ ભગવાનને સુંદર મજાના વાઘા અને સોના-ચાંદીના દાગીના ધરાવવામાં આવ્યા. ત્યાર બાદ ભગવાનને સોનાના પારણામાં ઝૂલાવવામાં આવ્યા. રણછોડરાયજીના દર્શન માટે ભક્તોએ મોડી રાત્રિ સુધી કતાર લગાવી. તેમજ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી.

ઈસ્કોન મંદિરમાં લાલાને લાડ લડાવાયા

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં પણ ભારે આસ્થાપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી. મધરાત્રે ભગવાનના જન્મ સાથે જ ઉપસ્થિત ભક્તો જાણે કે કૃષ્ણમય બની ગયા. લાલાને લાડ લડાવવા ઇસ્કોન મંદિરમાં જાણે કે માનવ મહેરામણ ઉમટી પડ્યું. શ્રીકૃષ્ણના જન્મ સાથે જ લોકોએ જય રણછોડ… માખણચોર.. ના નાદ સાથે તેમના વધામણા કર્યા. ભગવાનના જન્મ બાદ વિવિધ મંત્રોના ઉચ્ચારણ સાથે ભગવાનનો પંચામૃત તેમજ વિવિધ દ્રવ્યોથી દિવ્ય અભિષેક કરવામાં આવ્યો. જે બાદ ભગવાને સુંદર વાઘા ધારણ કર્યા. રાધા-કૃષ્ણના મનોહર સ્વરૂપના દર્શન કરી હજારો ભક્તોએ ધન્યતા અનુભવી.

દ્રારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

દ્વારકામાં ભગવાનના જન્મોત્સવને વધાવવા બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. ત્યારે રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી પણ હાજર રહ્યા. ધનરાજ નથવાણીએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી.

મુંબઈ ઈસ્કોન મંદિરમાં માનવ મહેરામણ ઉમટ્યું

મુંબઈમાં આવેલા ઈસ્કોન મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભારે હર્ષોલ્લાસથી ઉજવાયો. બરાબર 12 વાગ્યે ભગવાનનો જન્મ થતાંની સાથે જ ભક્તોએ દર્શન કરીને ધન્યતાનો અહેસાસ કર્યો. ભગવાનના જન્મોત્સવના દર્શન માટે મંદિરમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.

શામળાજીમાં ધામધૂમ પૂર્વક કરાઈ ઉજવણી

આ તરફ અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન શામળાજીમાં પણ દબદબાભેર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. શામળાજીમાં બિરાજતા કાળિયા ઠાકોરને વધાવવા હૈયે હૈયું દળાય તેટલી ભીડ ઉમટી પડી. મધરાત્રે ભગવાનના જન્મ સાથે જ ઉપસ્થિત હજારો ભાવિકભક્તોએ જય રણછોડ, માખણચોર… ના નારા સાથે શ્રીજીના જન્મને વધાવ્યો. તમામ ભક્તો જાણે કે કૃષ્ણભક્તિમાં લીન બની ગયા. વ્હાલાના વધામણા સાથે જ શ્રદ્ધાળુઓ કૃષ્ણભક્તિના ગીતો પર ઝૂમી ઉઠ્યા. શામળીયાની ઝાંખી મેળવી ભાવવિભોર બનેલા ભક્તોએ ધન્યતા અનુભવી.

મથુરામાં હર્ષોલ્લાસથી કરાય ઉજવણી

શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં ભગવાનના જન્મોત્સવની ભારે ધૂમધામ અને હર્ષોલ્લાસથી ઉજવણી થઈ. સમગ્ર મથુરાને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ થયો. હજારોની સંખ્યામાં ભક્તોએ કાનુડાના જન્મને વધાવ્યો. ત્યારે સમગ્ર મથુરા કૃષ્ણમય બની ગયું. જય કનૈયા લાલકી. હાથી ઘોડા પાલખી. ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. જન્મ બાદ ભગવાનને વિશેષ દ્વવ્યોથી અભિષેક કરાયો હતો. અને બાદમાં તેમને શણગારીને પારણામાં ઝુલાવ્યા. અને મહાઆરતી ઉતારવામાં આવી હતી. પરંપરા મુજબ ભગવાનના મુખ સમક્ષ અરીસો ધરવામાં આવ્યો હતો. મથુરામાં કંસની જેલમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. કંસને મારીને શ્રીકૃષ્ણે મથુરાને કંસના અત્યાચારથી મુક્ત કરાવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો.

હરે કૃષ્ણ મંદિર

આ તરફ અમદાવાદના ભાડજ સ્થિત હરેકૃષ્ણ મંદિરમાં પણ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. હરેકૃષ્ણ મંદિરમાં શ્રીજીના જન્મને વધાવવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. ભગવાનનો જન્મ થતાંની સાથે જ ઉપસ્થિત ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયાલાલ કી. ના નાદથી મંદિર ગજાવ્યું. લાલાના જન્મ માટે હરેકૃષ્ણ મંદિર દ્વારા ખાસ કેક પણ બનાવવામાં આવી. મધરાતે કૃષ્ણજન્મ થતાંની સાથે જ કેક કાપી ઉજવણી કરવામાં આવી. હજારો ભક્તોએ ભાડજના હરેકૃષ્ણ મંદિરની મુલાકાત લઇ પ્રભુના ચરણોમાં શીશ ઝૂકાવ્યું.

READ ALSO

Related posts

મોદી સરકારે ફરી RBI પાસે 10 હજાર કરોડ રૂપિયાની કરી માગ, લક્ષ્યાંક ચૂકતાં રૂપિયા ખૂટ્યા

Karan

મોદી સરકારની કમાણી ઘટી, 13.35 લાખ કરોડનો ટાર્ગેટ નહીં થાય પાર

Mayur

અમિત ચાવડાએ આપ્યો આંકડો : ભાજપના એટલા ધારાસભ્યોમાં નારાજગી છે કે જો બળવો કરે તો સરકાર પડી જાય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!