જમ્મુ-કાશ્મીરમાં સરકાર પડી ભાંગ્યા બાદ પાર્ટીમાં અસંતોષનો સામનો કરી રહેલા પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તી માટે નવી મુશ્કેલી ઉભી થઇ છે. તેમનો પક્ષ પીડીપી ભંગાણના આરે છે. આ દાવો કર્યો છે ખુદ પીડીપીના નેતા આબિદ અંસારીએ. તેમનું કહેવું છે કે પીડીપીના 14 ધારાસભ્યો પાર્ટી છોડવા માટે તૈયાર છે.
જમ્મુ-કાશ્મીરમાં મહબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીના ભવિષ્ય પર ખતરો મંડાઇ રહ્યો છે. પાર્ટીના નેતા અને ધારાસભ્યો ખુલ્લેઆમ અસંતોષ પ્રગટ કરી રહ્યા છે. તેઓ પાર્ટી નેતૃત્વ પર પરિવારને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ સરકારમાંથી સમર્થન પરત ખેંચ્યા બાદ રાજ્યમાં પીડીપી માટે મુશ્કેલીનો આરંભ થયો છે. જાદીબલથી પીડીપીના નારાજ નેતા આબિદ અંસારીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે પીડીપીના 14 ધારાસભ્યો પાર્ટી છોડવા માટે તૈયાર છે. શિયા નેતા ઇમરાન અંસારી રજા અને અંસારીએ ગત સપ્તાહે પીડીપી છોડવાનું એલાન કર્યુ હતુ.

મહબૂબાએ પોતાના ભાઇ તસદ્દુક સિદ્દીકને પ્રવાસ પ્રધાન બનાવી દીધા હતા. અને મામા સરતાઝ મદની પર ભ્રષ્ટાચારના આરોપો છતાં ઘણા અધિકાર આપ્યા હતાં. તે વાતથી પીડીપીના નેતા નારાજ છે.
બારામુલાના ધારાસભ્ય જાવિદ હુસૈન બેગએ મુફ્તી પર રાજ્યમાં પારિવારિક રાજ સ્થાપિત કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય પોતાના સંબંધી અને સાંસદ મુઝફ્ફર હુસૈન બેગ પર છોડી દીધો છે. ગુલમર્ગના ધારાસભ્ય મોહમ્મદ અબ્બાસ વાણીએ પણ પરિવારવાદ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા પાર્ટી છોડવાનું એલાન કર્યુ હતુ. મહબૂબા મુફ્તીએ ગત સપ્તાહે ઘણા ધારાસભ્યો અને પાર્ટી નેતાઓ સાથે અલગ અલગ મુલાકાત કરી હતી.
પાર્ટી સૂત્રો મુજબ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેમ કે એઆર વીરી, જીએન લોન, મોહમ્મદ ખલીલ બંદ, જહૂર મીર, એમવાઇ ભટ, નૂર મોહમ્મદ ભટ, યાવર દિલાવર મીર અને એજાજ અહમદ મીરે મુફ્તીને સમર્થનનો વિશ્વાસ આપ્યો છે.
જો કે બાંદીપોરાથી એમએલસી યાસિર રેશીએ અન્ય નેતાઓની સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં પરિવારની રાજનીતિનો વિકલ્પ શોધવાને સમર્થન આપ્યું છે. રેસીએ જણાવ્યું કે નવા નેતૃત્વને તક આપવાનો એકમાત્ર વિકલ્પ છે. તેમણે કહ્યું કે રાજ્યને પારખી ચુકાયેલા અને નિષ્ફળ રહેલા બે પરિવારના મોડલમાંથી રાહત જોઇએ છે. નૂરાબાદના ધારાસભ્ય અબ્દુલ મજીદ પાડેરએ પણ મહબૂબા મુફ્તી વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તેમણે પાર્ટીમાંથી હારેલા ઉમેદવારોને બહાર કાઢવાની તરફેણ કરી છે.