GSTV
GSTV લેખમાળા World ટોપ સ્ટોરી

James Webb Telescope : જેની પાછળ 75000 કરોડનો ખર્ચ થયો છે એ ઈતિહાસનું સૌથી મોટું ટેલિસ્કોપ કેવું છે?

James Webb Telescope

અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાનું લેટેસ્ટ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ શનિવારે લોન્ચ થવાનું છે. અગાઉ ઘણી વખત લોન્ચિંગ મોફૂફ થયા પછી હવે શનિવારે સવારે 7.20 કલાકે લોન્ચિંગ સમય (ભારતીય સમય મુજબ સાંજે 5થી 6 વચ્ચે) નિર્ધારિત કરાયો છે. આ ટેલિસ્કોપ અત્યંત મહાત્વાકાંક્ષી અને નાસાના સમાનવ ચંદ્ર મિશન પછીનું સૌથી મહત્વનું મિશન છે. ટેલિસ્કોપનું બજેટ જ 10 અબજ ડોલર (750 અબજ રૃપિયા અથવા 75 હજાર કરોડ) જેટલું છે. આ રકમ ખાસ્સી મોટી છે. એટલી બધી મોટી કે વર્ષ 2021-22ના બજેટમાં સમગ્ર ભારતનું હેલ્થ બજેટ તેના જેટલું (73 હજાર કરોડ) હતું. બીજી રીતે સરખામણી કરીએ તો કહી શકાય કે ગુજરાતના કુલ બજેટનો લગભગ ત્રીજા ભાગ જેટલી આ રકમ છે. તેના આધારે જ અંદાજ લાગી શકે કે આ ટેલિસ્કોપ પાછળ નાસાએ પૈસા ઉપરાંત જીવ રેડી દીધો છે.
નાસાનું હબલ સ્પેસ ટેલિસ્કોપ ઉપગ્રહની માફક ધરતીથી ઊંચે ભ્રમણકક્ષામાં રહીને 1990થી બ્રહ્માંડના ખાંખાખોળાં કરી રહ્યું છે. એ ટેલિસ્કોપ હવે નિવૃત્તિના આરે છે.  તેનું સ્થાન લેવા માટે જેમ્સ વેબને ખાસ તૈયાર કરાયું છે. અલબત્ત જેમ્સ વેબ કાર્યરત થશે એટલે હબલનુ કામ બંધ નહીં થાય. હબલના સંશાધનો ચાલતા રહેશે ત્યાં સુધી એ સક્રિય રહેશે. પરંતુ દૂરના બ્રહ્માંડમાં ખાંખાખોળાં કરવાનું કામ જેમ્સ વેબ સંભાળી લેશે.
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ તેના લોકેશનના કારણે અન્ય બીજા સ્પેસ ટેલિસ્કોપથી અલગ પડે છે. સામાન્ય રીતે સ્પેસ ટેલિસ્કોપ ધરતીથી ઊંચે લો-અર્થ ઓરબિટમાં ગોઠવાતા હોય છે. જ્યારે જેમ્સ વેબ તો ધરતીથી 15 લાખ કિલોમીટર દૂર ગોઠવવાનું છે. આ અંતર અત્યંત વધારે છે અને ત્યાં ટેલિસ્કોપ ગોઠવવું એ બહુ મોટો પડકાર છે. માટે જ નાસા આ મિશનને 1969ના સમાનવ ચંદ્રમિશન પછીનું સૌથી મહત્વનું મિશન ગણે છે. આટલુ દૂર હોવાથી આ ટેલિસ્કોપ રિપેરેબલ નથી. એટલીસ્ટ અત્યારે તો રિપેરેબલ નથી એવુ જ નાસા કહે છે, શક્ય છે કે ભવિષ્યમાં રોબોટિક મિશન દ્વારા એ કામ શક્ય બને. તો પણ હાલના તબક્કે રિપેરેબલ કહી શકાય એમ નથી. હબલ સ્પેસ ટેલિસ્કોપ તો એકથી વધારે વાર રિપેર કરવામાં આવ્યું છે. એટલે જ આજે 31 વર્ષે કડેધડે છે. જેમ્સ વેબનું આયુષ્ય 5 વર્ષ નિર્ધાર્યુ છે, જ્યારે મહત્તમ એ 10 વર્ષ સુધી કામ આપે એવી નાસાની આશા છે.

ટેલિસ્કોપ આ રીતે અવકાશમાં જાદુઈ ચાદર પર ગોઠવાયેલું રહેશે
 • હબલ સ્પેસ ધરતીથી સરેરાશ 570 કિલોમીટરની ઊંચાઈએ કક્ષામાં રહીને ભ્રમણ કરે છે. તેનો મુખ્ય અરીસો સાત ફીટ 10 ઈંચના વ્યાસનો છે. જ્યારે જેમ્સ વેબનો મુખ્ય અરીસો 21 ફીટ વ્યાસનો છે. આ અરીસો વળી 18 નાના ષટકોણ અરીસા ભેગા કરીને બનાવાયો છે. અરીસાવજનમાં બહુ હળવી એવી બેરીલિયમ ધાતુના બનેલા છે, જેના પર સોનાનું પડ ચડાવેલું છે છે. સોનાનુ પડ હોવાથી દૂરથી આવતા ઈન્ફ્રારેડ કિરણો સારી રીતે ઝીલી શકાશે. આ સોનાનુ પડ જોકે આપણા વાળ કરતા હજારમાં ભાગનું જ છે. એટલે વપરાયેલુ કુલ સોનુ તો માંડ 48 ગ્રામ છે. મુખ્ય અરીસાનું વજન જ 705 કિલોગ્રામ છે. અરીસાનું કામ દૂરના બ્રહ્માંડમાંથી આવતા કિરણો ઝીલવાનું છે. એ કિરણો ટેલિસ્કોપ ઝીલી કમ્પ્યુટર સુધી મોકલે જ્યાં તેનો અભ્યાસ થાય.
 • સરખામણીની વાત કરીએ તો જેમ્સ વેબ હબલ ટેલિસ્કોપ કરતા 100 ગણુ વધારે પાવરફૂલ છે. લોન્ચ થયાના 6 મહિના સુધીમાં જેમ્સ વેબ બ્રહ્માંડનો ખૂણેખૂણો તપાસી શકશે. કોઈ પણ ક્ષણે 39 ટકા બ્રહ્માંડ તેની રેન્જમાં રહેશે. એટલે કે એટલો વિસ્તાર તપાસી શકશે.
અન્ય ટેલિસ્કોપની માફક જેમ્સ વેબ ધરતીની ભ્રમણકક્ષામાં નહીં છેક 15 લાખ કિલોમીટર દૂર જવાનું છે
 • ટેલિસ્કોપ 15 લાખ કિલોમીટર દૂર આવેલા લેગ્રાન્જ પોઈન્ટ પર ગોઠવાશે. ફ્રાન્સના ગણિતશાસ્ત્રી જોસેફ લુઈસ લેગ્રાન્જે અવકાશમાં એવા પાંચ સ્થળો શોધી કાઢ્યા છે જ્યાં વિવિધ ગ્રહો-તારાઓનું ગુરુત્વાકર્ષણ એકબીજાને કાપે છે. જેમ બે જિલ્લાની હદ પુરી થતી હોય એમ બે (કે તેનાથી વધારે) અવકાશી પદાર્થોના ગુરુત્વાકર્ષણની હદ જ્યાં ભેગી થતી હોય એવું સ્થળ એટલે લેગ્રાન્જ પોઈન્ટ એમ કહી શકાય. એવા સ્થળે કોઈ સ્પેસક્રાફ્ટ રાખવામાં આવે તો એ વર્ષો સુધી સ્થિર રહી શકે. આવા પાંચ સ્થળ એલ-1, એલ-2, એલ-3, એલ-4, એલ-5 તરીકે ઓળખાય છે. તેમાંથી એલ-2ની પસંદગી જેમ્સ વેબના સરનામા તરીકે કરાઈ છે.
 • આ ટેલિસ્કોપ અત્યાર સુધીના તમામ સ્પેસ ટેલિસ્કોપમાં સૌથી મોટું અને સૌથી વધારે વજનદાર છે. વજન 6200 કિલોગ્રામ છે. એટલે રોકેટની ટોચ પર એ ક્રેન દ્વારા ગોઠવાશે.
 • બધા અરીસાનું કુલ ક્ષેત્રફળ 270 ચોરસ ફીટ છે.
 • ટેલિસ્કોપને ઊર્જા-બળતણ તેના પર ફીટ થયેલી સોલાર પેનલો દ્વારા મળશે. સોલાર પેનલ દ્વારા 2000 વોટ ઊર્જા પેદા થઈ શકશે.
 • ટેલિસ્કોપ દ્વારા એકઠી થતી માહિતી ધરતી પર મોકલાશે. ટેલિસ્કોપ રોજનો મહત્તમ 57.3 ગીગાબાઈટ (જીબી) ડેટા ધરતી પર મોકલી શકશે. દર સેકન્ડે સરેરાશ 28 મેગાબાઈટની શરેરાશ સ્પીડે. જોકે જેમ્સ વેબ તેની પહેલી ઈમેજ મોકલશે એ સમય છ મહિના પછી જ આવશે. ગોઠવાયાની સાથે જ બ્રહ્માંડની તસવીરો મોકલે એવું નહીં બને.
 • બજેટ, ડિઝાઈનમાં સુધારો, મંદી, કોરોનાકાળ વગેરે અનેક પડકારો આ ટેલિસ્કોપે લોન્ચ થતાં પહેલા જ પાર પાડ્યા છે. એટલે છેક 2007માં લોન્ચ તારીખ નક્કી થઈ હતી, એ મુહૂર્ત હવે 2021માં આવ્યું છે. આ તારીખ પણ 3 વાર તો ફરી ચૂકી છે. પહેલા 18 ડિસેમ્બરે લોન્ચિંગ હતું, પછી 22 ડિસેમ્બર અને હવે 24 ડિસેમ્બર નક્કી થઈ છે.
રોકેટની છેક ટોચ પર ફોલ્ડ કરીને ટેલિસ્કોપ ગોઠવાશે. અવકાશમાં ગયા પછી ટેલિસ્કોપ ખુલી જશે
 • 15 લાખ કિલોમીટરની દૂરી પર ટેલિસ્કોપ પર સૂર્યના કિરણોનો પ્રહાર વધારે વેધક રીતે થતો હોય છે. એટલે ટેસિસ્કોપને સનશિલ્ડથી સજ્જ કરવામાં આવ્યું છે. આ શિલ્ડ ટેલિસ્કોપ ગોઠવાયા પછી ખુલી જશે. ટેલિસ્કોપના લોન્ચિંગ વખતે એ ફોલ્ડિંગ હાલતમાં પેક થશે. આ સનશિલ્ડ પોતે પાંચ પડનું બનેલું છે અને કદ ટેનિસના મેદાન જેવડું છે. તેના પર ટેલિસ્કોપ રોટલી વચ્ચે માખણ મુક્યુ હોય એમ ગોઠવાશે. આવી ગોઠવણને કારણે માઈનસ 235 ડીગ્રીથી લઈને મહત્તમ 125 ડીગ્રી સુધીનું તાપમાન ટેલિસ્કોપ સહન કરી શકશે. આ સનશિલ્ડ ધરતી પર ફોલ્ડ થશે, ટેલિસ્કોપ સાથે રોકેટમાં ગોઠવાશે, અવકાશમાં પહોંચ્યા પછી ખુલીને પથરાઈ જશે. નાસાના વિજ્ઞાનીઓ માટે  એ પ્રકારે શિલ્ડ બનાવવું એ મોટો પડકાર હતો. હજુ તેને અવકાશમાં બરાબર ખોલવું (અનફોલ્ડ કરવું) એ તો પડકાર છે જ.
 • બાંધકામ પાછળ નાસાના સંશોધકોએ 4 કરોડ કલાકોનો શ્રમ કર્યો છે.
 • અમેરિકા ઉપરાંત અન્ય 14 દેશના હજારો વિજ્ઞાની-એન્જીનિયરો આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે. મુખ્ય બે સંસ્થાઓ છે નાસા અને યુરોપની ઈસા એટલે કે યુરોપિયન સ્પેસ એજન્સી.
 • ટેલિસ્કોપ ઘણુ પાવરફૂલ છે. કેટલું પાવરફૂલ એ સમજાવતું ઉદાહરણ નાસાએ આપ્યું છે. એ પ્રમાણે ચંદ્ર પર કોઈ મધમાખી આમ-તેમ ઘૂમતી હોય તો એ વખતે તેના શરીરમાં પેદા થતી ગરમી પણ આ ટેલિસ્કોપ પારખી શકે એમ છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે 40 કિલોમીટર દૂર રહેલો સિક્કો આપણે આંખે જોઈ શકીએ એવી ક્ષમતા થઈ.
 • નાસાએ છેક 1989માં ભવિષ્યના ટેલિસ્કોપનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. એ પછી આ ટેલિસ્કોપ બનાવાની શરૃઆત થઈ. 1961થી 1968 સુધી નાસાના મહત્વપૂર્ણ એડમિનિસ્ટ્રેટર રહી ચૂકેલા જેમ્સ એડવિન વેબના માનમાં આ ટેલિસ્કોપને તેમનું નામ અપાયું છે. સમાનવ ચંદ્રયાત્રાની તૈયારીમાં જેમ્સ વેબનો ઘણો ફાળો હતો.
 • યુરોપિયન સ્પેસ એજન્સીનું કદાવર રોકેટ એરિયન-5 આ લોન્ચિંગના વાહન તરીકે પસંદ થયું છે. ફ્રેન્ચ ગુયાનાના સ્પેસ પોર્ટ ખાતેથી રોકેટ રવાના થશે. 100થી વધારે સફળ મિશન પાર પાડી ચૂકેલું એરિયન-5 ભારે વજન ઊંચકવા માટે સક્ષમ છે. રોકેટના સૌથી ઉપરના છેડે આવેલા અપર સ્ટેજમાં ટેલિસ્કોપ સંકેલીને ગોઠવાશે. રોકેટ ઊંચે જશે અને ત્યાંથી ટેલિસ્કોપ અલગ પડી સ્પેસ ક્રાફ્ટની માફક જ 15 લાખ કિલોમીટર દૂર આવેલા એલ-2 પોઈન્ટ સુધી પહોંચશે. એટલે કે ટેલિસ્કોપ પોતે અવકાશમાં સફરની કામગીરી પણ કરશે. આ કામગીરી ખાસ્સી અઘરી છે. ચંદ્રમિશન કે મંગળ મિશનની માફક જ જેમ્સ વેબ ટેલિસ્કોપે જરૃર પડ્યે પોતાનો રસ્તો સુધારીને એલ-2 પોઈન્ટ સુધી પહોંચવાનું છે. દૂરના બ્રહ્માંડ સુધી મિશન પહોંચાડવામા આમ તો નાસાની માસ્ટરી છે, પરંતુ આ પ્રોજેક્ટની સફળતા વધારે મહત્વની છે. એલ-2 પોઈન્ટ સ્થિર છે, પંરતુ સાવ સ્થિર નહીં. એટલે ત્યાં રહીને સૂર્યની પ્રદક્ષિણા કરશે. અન્ય ટેલિસ્કોપની માફક ધરતીની પ્રદક્ષિણા નહીં કરે.
એરિયાન-5 રોકેટ દ્વારા લોન્ચ થશે, લોન્ચ પૂર્વેની તૈયારી, લોન્ચિંગ અને લોન્ચિંગ બાદની સ્થિતિ
 • ફ્રેન્ચ ગુયાના દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો પ્રદેશ છે, જ્યારે ટેલિસ્કોપ અમેરિકાની ભૂમિ પર તૈયાર થયું છે. માટે આ ટેલિસ્કોપને અમેરિકાના કેલિફોર્નિયાથી જહાજ દ્વારા ફ્રેન્ચ ગુયાના સુધી પહોંચાડાયુ છે. ટેલિસ્કોપ માટે ખાસ ધ સ્પેસ ટેલિસ્કોપ ફોર એર, રોડ એન્ડ સી (એસટીટીએઆરએસ) નામનું બોક્સ બનાવાયું છે. એ બોક્સમાં ગોઠવીને પહેલા વિમાન દ્વારા કેલિફોર્નિયા સુધી અને ત્યાંથી જહાજમાં ફ્રેન્ચ ગુયાનાના કાંઠે પહોંચાડાયુ હતું. 9300 કિલોમીટરની સફર જહાજમાં 16 દિવસે પુરી થઈ હતી.
 • સફર લાંબી છે એટલે અન્ય ઉપગ્રહોની માફક લોન્ચ થયાની અમુક મિનિટો પછી એ ગોઠવાશે નહીં. જેમ્સ વેબ 1 મહિનો સફર કરશે ત્યારે એલ-2 સુધી પહોંચી શકશે.
કેલિફોર્નિયાથી ફ્રેન્ચ ગુયાના સુધીની ટેલિસ્કોપની સફર
 • બ્રહ્માંડનો જન્મ 13.5 અબજ વર્ષ પહેલા થયો હોવાનું વિજ્ઞાનીઓ સ્વિકારીને ચાલે છે. તો પછી 13.5 અબજ વર્ષ પહેલા શું હતું… આકાશગંગાઓ કેવી રીતે સર્જાય છે.. વગેરે અનેક સવાલો બ્રહ્માંડ સાથે સંકળાયેલા છે. એ વિશે આધારભૂત માહિતી મેળવવાનું કામ આ ટેલિસ્કોપનું છે. અન્ય ગ્રહોની સ્થિતિ, ગ્રહોના વિવિધ પ્રકારો, દૂરથી આવતા અજાણ્યા કિરણો.. વગેરેનો અભ્યાસ પણ જેમ્સ વેબના પ્રોફાઈલમાં સમાયેલો છે. સ્પેસ ટેલિસ્કોપના ઘણા ગોલ નક્કી થયા છે. એ બધા ગોલ તો પુરા થશે. પરંતુ એટલું નક્કી છે કે ગોલ ઉપરાંત બ્રહ્માંડ વિશે ટેલિસ્કોપ એવી ઘણી માહિતી રજૂ કરશે જે અચંબિત કરશે.
 • મનુષ્યની આંખો ઈન્ફ્રારેડ લાઈટ જોઈ શકતી નથી. સાત રંગોની બહારની આ લાઈટ જેમ્સ વેબ ટેલિસ્કોપ જોઈ શકશે. બ્રહ્માંડમાં દૂરથી આવતા આવા કિરણોનો આ ટેલિસ્કોપ સારી રીતે અભ્યાસ કરી શકશે. આવા અભ્યાસ માટે ટેલિસ્કોપ પર કુલ ચાર વૈજ્ઞાનિક સાધનો ફીટ કરેલા છે. એ ચારેયના નામ નિઅર ઈન્ફ્રારેડ કેમેરા, નિઅર ઈન્ફ્રારેડ સ્પેક્ટોગ્રાફ, નિઅર ઈન્ફ્રારેડ ઈમેજર-સ્લાઈટલેસ સ્પેક્ટોગ્રાફ અને મિડ ઈન્ફ્રારેડ ઈન્સ્ટ્રુમેન્ટ છે.

Related posts

બીગ ન્યૂઝ / 88 મામલતદારની બદલી, 51 નાયબ મામલતદારને સરકારે આપી મોટી ભેટ

Zainul Ansari

પોલીસ ગ્રેડ પે મુદ્દે રાજકારણ ગરમાયુ : કોંગ્રેસે સરકાર પર કર્યો હુમલો, જવાળામુખી સમાન ગણાવ્યો મુદ્દો

Zainul Ansari

India US Drill China: ભારતમાં ચીન બોર્ડર પાસે એમ જ યુદ્ધાભ્યાસ નથી કરવા જઈ રહી US આર્મી, છુપાયેલી છે મોટી ચાલ

GSTV Web Desk
GSTV