GSTV

NIAની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો, જૈશ ચીફ આતંકી મસૂદ અઝર પુલવામા 2.0ની ફિરાકમાં હતો

Last Updated on August 26, 2020 by pratik shah

દક્ષિણ કાશ્મીરમાં ગયા વર્ષે14મી ફેબુ્રઆરીએ  સીઆરપીએફના 40 જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાના કેસમાં NIAએ મંગળવારે આત્મઘાતી હુમલાનું કાવતરૂં ઘડવા બદલ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર સહિત 19 આતંકીઓ વિરૂદ્ધ વિશેષ કોર્ટમાં 13,500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

NIA

મસૂદ બીજો આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હતો: NIA

આ સાથે આરોપનામામાં NIAએ દાવો કર્યો હતો કે જૈશનો વડો મસૂદ બીજો આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હતો. તેના માટે હુમલાના સ્થળની રેકી પણ કરાઈ હતી.

NIAની ચાર્જશીટમાં મસૂદ સહીત 19 આતંકીનો ઉલ્લેખ

જમ્મુની NIA કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર, તેના ભાઈ અબ્દુલ રઈસ અસગર, આતંકી સંગઠનના અનેક અન્ય કમાન્ડરોના નામનો સમાવેશ થાય છે. એનઆઈએના વકીલ વિપિન કાલરાએ કોર્ટમાં આરોપનામુ દાખલ કર્યા પછી જણાવ્યું કે આ કેસમાં મસૂદ અઝહર મુખ્ય આરોપી છે. આ કેસની આગામી સુનાવણી 1લી સપ્ટેમ્બરે થશે.

મસૂદને ISI કરી રહ્યું છે મદદ

NIAના વકીલે જણાવ્યું કે મસૂદ અઝહરને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ પણ મદદ કરી હતી. આ આરોપો પૂરવાર કરવા માટે કોર્ટ સમક્ષ પુરાવા પણ રજૂ કરાયા હતા. હુમલામાં અપનાવાયેલી ટેકનિક, સામગ્રીઓ અને ઘટનાસ્થળ પરથી એકત્ર કરાયેલા પુરાવા સાબિત કરે છે કે તેમાં પાકિસ્તાનનો હાથ હતો.

હુમલો પૂર્વયોજિત કાવતરું

તપાસના સંદર્ભમાં કરાયેલી ધરપકડો, તેમની પૂછપરછ, સોશિયલ મીડિયા ચેટ્સ, કૉલ વગેરેના રેકોર્ડ પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. આ બધું પૂરવાર કરે છે કે અર્ધલશ્કરી દળોના કાફલા પર હુમલા માટે કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. આ હુમલામાં સામેલ કેટલાક આતંકીઓને 2019માં વિવિધ એન્કાઉન્ટરમાં સલામતી દળોએ ઠાર કર્યા હતા.

આદિલ અહમદ ડારની મદદથી કર્યો હતો આતંકી હુમલો

NIAની તપાસમાં જણાય છે કે પાકિસ્તાને કાશ્મીરના સ્થાનિક નિવાસી આદિલ અહમદ ડારનો ઉપયોગ કર્યો. તેણે જ પુલવામામાં વિસ્ફોટકોથી લદાયેલી કાર સાથે સીઆરપીએફના કાફલામાં સામેલ બસને ટક્કર મારી હતી. ચાર્જશીટમાં જણાવાયું છે કે આતંકીઓ પહેલાં 6ઠ્ઠી ફેબુ્રઆરી 2019ના રોજ આત્મઘાતી હુમલો કરવાના હતા.

19 આતંકીઓમાંથી 7ની ધરપકડ

હુમલા માટે એક કારમાં 160 કિલો અને બીજી કારમાં 40 કિલો વિસ્ફોટકો પણ મૂકી દેવાયા હતા, પરંતુ તે સમયે કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થતાં હુમલો થોડાક દિવસ માટે પાછો ઠેલાયો હતો. ચાર્જશીટમાં આરોપી ગણાવાયેલા 19 આતંકીઓમાંથી સાતની ધરપકડ કરવામાં આવી છે.

હુમલાનું કાવતરૂં પાકિસ્તાનમાં ઘડાયું હતું

ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કાશ્મીરમાંથી પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના સાથીઓમાં શાકિર બશીર માગરે, મોહમ્મદ અબ્બાસ રાથર, મોહમ્મદ ઈકબાલ રાથર, વાઈઝ-ઉલ-ઈસ્લામ, ઈંશા જાન, તારીખ અહમદ શાહ અને બિલાલ અહેમદ કુચીનો સમાવેશ થાય છે તેમણે હુમલા માટે આતંકીઓને સામગ્રી પહોંચાડી હતી. એનઆઈએની ચાર્જશીટમાં દાવો કરાયો છે કે આ હુમલાનું કાવતરૂં પાકિસ્તાનમાં ઘડાયું હતું. સાથે જ આતંકીઓને પાકિસ્તાનમાં જ તાલિમ અપાઈ હતી.

મસૂદ અઝહરે કાશ્મીરીઓને બદલો લેવા

એનઆઈએના સૂત્રોએ જણાવ્યું હતું કે, 2018માં ત્રાલમાં ભત્રીજા ઉસ્માન હૈદર માર્યા ગયા પછી મસૂદ અઝહરે એક વીડિયો સંદેશમાં કાશ્મીરીઓને બદલો લેવા માટે શહાદત માટે આગળ આવવા હાકલ કરી હતી. આ વીડિયો સંદેશને ચાર્જશીટમાં સામેલ કરાયો છે. એનઆઈએએ દાવો કર્યો હતો કે પુલવામા હુમલા પછી જૈશે બીજો હુમલો કરવા માટે પણ કાવતરૂં ઘડી કાઢ્યું હતું.

બાલાકોટ એરસ્ટ્રાઈકના પગલે બીજો હુમલો હાલ મુલતવી રખાયો 

ચાર્જશીટમાં જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય દબાણ અને ભારતીય હવાઈ દળ દ્વારા જૈશ પર બાલાકોટ એરસ્ટ્રાઈકના પગલે અઝર મહેમૂદે ઉમર ફારૂકને બીજો હુમલો હાલ મુલતવી રાખવા જણાવ્યું હતું. ઉમર ફારૂક આઈસી-બોમ્બર ઈબ્રાહિમ આથરનો પુત્ર હતો. ઈબ્રાહિમ આથરને પુલવામા હુમલાના માત્ર દોઢ મહિનામાં જ ઠાર કરવામાં આવ્યો હતો.

હુમલાખોરો ટ્રકમાં સાંબાથી કાશ્મીર પહોંચ્યા હતા

મોહમ્મદ ઈકબાલ રાઠર, બિલાલ અહેમદ કૂચ નામના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સે હુમલા માટે એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો. આ સિવાય આરોપી બનાવાયેલા મોહમ્મદ ઈકબાલ રાઠર જૈશના ટ્રાન્સપોર્ટેશન મોડયુલનો ભાગ હતો. તે એક ટ્રકથી સાંબા ગયો હતો, જ્યાંથી ઉમર ફારૂક અને તેના સાથીઓને આ ટ્રકમાં કાશ્મીર લઈ જવાયા હતા. ઉમર ફારૂકને 2016 અને 2017માં અફઘાનિસ્તાનમાં તાલીમ અપાઈ હતી ત્યાર પછી 2018માં તેણે ભારતમાં ઘૂસણખોરી કરી હતી. ત્યાર બાદથી તે આતંકી હુમલા માટે સંશાધનો ઊભા કરવાની તૈયારી કરતો હતો. ચાર્જશીટમાં જણાવાયું છે કે પુલવામા હુમલા માટે આરોપીઓને પાકિસ્તાનમાંથી સીધા જ જૈશના વડા મસૂદ અઝહર અને રઉફ અસગર તરફથી આદેશો અપાયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Related posts

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta

પરિસ્થિતિ અતિ ગંભીર : ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટથી ફફડાટ, સિડનીમાં લૉકડાઉન લાગુ કરવા લશ્કર કરાયું તૈનાત

pratik shah

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!