દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવ પ્રસંગે થયેલી હિંસાના આરોપીઓની સંપત્તી પર મ્યુનિસિપાલિટીએ બુલડોઝર ફેરવ્યા પછી હવે ઈડીએ મની લોન્ડરિંગનો સકંજો કસ્યો છે. ઈડીએ મની લોન્ડરિંગના કાયદા હેઠળ મુહમ્મદ અંસાર સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. બીજીબાજુ રાજસ્થાનના અલવરમાં ૩૦૦ વર્ષ જૂનું મંદિર તોડવા મુદ્દે ભાજપના બોર્ડ પર આક્ષેપ કરતાં કોંગ્રેસે શનિવારે જાહેરાત કરી હતી કે, મંદિર ત્યાં જ બનશે અને તોડનારા લોકો સામે એફઆઈઆર નોંધાશે. દરમિયાન કાનપુરના પોશ વિસ્તારમાં મંદિર તોડવાની નોટિસ જાહેર થયા પછી સંત સમાજ અને બજરંગ દળે દેખાવો કર્યા હતા.
દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને પત્ર લખીને જહાંગીરપુરી હિંસાના આરોપીઓ સામે મની લોન્ડરિંગ રોકથામ કાયદા હેઠળ તપાસ કરવા વિનંતી કરી હતી. આથી ઈડીએ આરોપીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. ઈડી આરોપીઓની ગેરકાયદે સંપત્તિ જપ્ત કરે તેવી શક્યતા છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જહાંગીરપુરી હિંસા પાછળ ગુનાઈત કાવતરાંની તપાસ દિલ્હી પોલીસ કરશે તથા ઈડી માત્ર હિંસા માટે કરાયેલા ફન્ડિંગ અંગે તપાસ કરી કાર્યવાહી કરશે. જહાંગીરપુરી હિંસાના મુખ્ય આરોપી મુહમ્મદ અંસાર પાસે અખૂટ સંપત્તિ હોવું દિલ્હી પોલીસ માટે આશ્ચર્યજનક છે.
બીજીબાજુ દિલ્હી કોર્ટે શનિવારે જહાંગીરપુરી હિંસાના સંદર્ભમાં નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ પકડાયેલા પાંચ આરોપીઓની કસ્ટોડિયલ ઈન્ટરોગેશન આઠ દિવસ લંબાવી છે, જેમાં મુખ્ય કાવતરાંખોર અંસાર, અથડામણ સમયે ખુલ્લો ગોળીબાર કરનાર સોનુ, સલિમ, આહર અને દિલશાદનો સમાવેશ થાય છે.

દરમિયાન રાજસ્થાનના અલવર જિલ્લાના રાજગઢમાં ૩૦૦ વર્ષ જૂનું મંદિર તોડવા મુદ્દે કોંગ્રેસ નગર પાલિકાના ચેરમેન વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની જાહેરાત કરાઈ છે. સાથે જ કોંગ્રેસ નેતા ભંવર જિતેન્દ્રસિંહે જાહેરાત કરી કે મંદિર ફરીથી એ જ જગ્યાએ બનાવાશે. વધુમાં મંદિર તોડવા માટે જવાબદાર નગરપાલિકાના ચેરમેન સહિત અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાશે.
દરમિયાન ઉત્તર પ્રદેશના કાનપુરના પોશ વિસ્તારમાં ત્રણ મંદિરોને તોડવા માટે નગર નિગમે નોટિસ ફટકારતાં સંત સમાજ અને બજરંગ દળના કાર્યકરોએ દેખાવ કર્યા હતા. તેમણે કહ્યું કે, મંદિરોને તોડવા માટે ચલાવાયેલું બુલડોઝરે તેમની લાશો પરથી પસાર થવું પડશે. આ દેખાવોના પગલે બપોર સુધીમાં દેખાવો ઉગ્ર બની ગયા હતા. વધુમાં બજરંગ દળના કાર્યકરોએ મંદિર સામે રસ્તો જામ કરી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દીધો હતો.
Read Also
- મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આ 5 સુપરફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ, બીમારીઓ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર રહશે
- મોટી કારની માંગ વધી, જાણો શા માટે સીયાઝ, વરના અને એસયુવી 700ને પસંદ કરવામાં આવે છે?
- અમદાવાદ-મહેસાણા હાઇવે પર મોટો અકસ્માત, કારચાલકે 3 શ્રમિકોને અડફેટે લેતા ત્રણેયના ઘટના સ્થળે મોત
- રતન ટાટાની કંપની ગુજરાતમાં લિથિયમ આયન બેટરી બનાવવા જઈ રહી છે
- રાજ્યસભા ઈલેક્શન/ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર, 3 બેઠકો માટે ઓગસ્ટમાં ચૂંટણી યોજાશેઃ ઉમેદવારો બદલાશે કે રીપિટ થશે?