GSTV
India News ટોપ સ્ટોરી

ઠાકરે સરકાર હાલકડોલક : ભાજપ હવે ચાલી શકે છે મોટો દાવ, અઘાડી માટે સરકાર બચાવવી હવે મુશ્કેલ

ઠાકરે

મહારાષ્ટ્રના નગર વિકાસ ખાતાંના પ્રધાન તથા શિવસેનાના સૌથી સિનિયર નેતાઓમાંના એક એકનાથ શિંદેએ ૨૦થી વધુ સમર્થક ધારાસભ્યો સાથે સુરતની એક હોટલમાં મુકામ કરી બળવાનું બ્યૂગલ ફૂંકતાં રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકાર ફરી હાલકડોલક બની ગઈ છે. શિંદેએ કોંગ્રેસ અને એનસીપી સાથેની હાલની આઘાડી છોડી ફરી ભાજપ સાથે જોડાવા શરત મુકતાં આ બળવા પાછળ ભાજપનો રાજકીય દોરીસંચાર હોવાનું માનવામાં આવે છે. જોકે, શિવસેના માટે આ શરત સ્વીકારવાનું બહુ મુશ્કેલ હોવાથી રાજ્યમાં પ્રવાહી રાજકીય સ્થિતિનું નિર્માણ થયું છે. આ સંજોગોમાં રાજ્યમાં કોઈ નવી સરકાર રચાશે કે પછી ઉદ્ધવ સરકાર ટકાવી રાખવામાં સફળ થશે કે પછી ફરી રાષ્ટ્રપતિ શાસનની નોબત આવશે તે સવાલ ચર્ચાઈ રહ્યો છે.

કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજ્સ્થાન પછી ભાજપના મહારાષ્ટ્રમાં શરુ થયેલાં ઓપરેશન લોટસની સિલસિલાબંધ વિગતો અનુસાર રાજ્યની વિધાન પરિષદની ચૂંટણી ગઈ મોડી રાતે સંપન્ન થઈ હતી. તેમા ભાજપે પોતાના પાંચેય ઉમેદવારોને જીતાડીને આઘાડી સરકારને રાજ્યસભા ચૂંટણી પછી વધુ એક ફટકો માર્યો હતો. તે વખતે જ મીડિયા સાથેની વાતચીતમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે વિધાનસભામાં ૧૩૪ ધારાસભ્યો અમારી સાથે હોવાનું સાબિત થઈ ગયું છે અને હવે ૧૦ જ ધારાસભ્યોનો ટેકો બાકી છે. તેમણે આ નિવેદન કર્યું ત્યારે ઓલરેડી શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સુરતની રાહ પકડી ચૂક્યા હતા. જોકે, સીએમ ઉદ્ધવ ઠાકરે સહિત શિવસેનાના સિનિયર નેતાઓને આજે સવાર સુધી આ બળવાની ગંધ આવી ન હતી.

મુખ્યપ્રધાને સવારે શિવસેનાના ધારાસભ્યોની મીટિંગ બોલાવી ત્યારે બળવાખોર ધારાસભ્યોની ગેરહાજરી દેખાતાં પૂછપરછ અને તપાસ બાદ સમગ્ર બળવાનો ખ્યાલ આવ્યો હતો. એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યો સુરતના અઠવા લાઈન્સની એક હોટલમાં પહોંચ્યા છે અને તેમનો સંપર્ક થઈ શકતો નથી તેવા અહેવાલો પ્રસરતાર્જાણે રાજકીય ભૂકંપ સર્જાયો હતો.

ઠાકરે

જોકે, ઉદ્ધવ ઠાકરે વતી તરત ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો હાથ ધરાયા હતા. બે વિશ્વાસુ નેતા રવીન્દ્ર ફાટક અને મિલિન્દ નાર્વેકરને દૂત તરીકે શિંદેનું મન જાણવા માટે મોકલાયા હતા. ત્યાં શિંદેએ એનસીપી અને કોંગ્રેસ સાથેની હાલની આઘાડી તોડીને ફરી ભાજપ સાથે જોડાઈ જવાની શરત મુકી હોવાનું કહેવાય છે. એ પછી ખુદ ઉદ્ધવ ઠાકરે તથા તેમના પત્ની રશ્મિ ઠાકરેએ પણ પક્ષના સૌથી જૂના અને વિશ્વાસુ એવા શિંદે સાથે વાત કરી તેમનો અસંતોષ જાણવા પ્રયાસ કર્યો હતો. જોકે, મોડી રાત સુધી તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. બીજી તરફ, શિવસેનાના અસંખ્ય કાર્યકરો મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બ ળવાખોરો વિરુદ્ધ દેખાવો કર્યા હતા. તેને પગલે એકનાથ શિંદેના ઘરની બહાર સુરક્ષા વધારવામાં આવી હતી.

એકનાથ શિંદેના બળવા પાછળ અનેક કારણ ચર્ચાઈ રહ્યાં છે. એક મોટું કારણ એ છે કે ઉદ્ધવનું સોફ્ટ હિંદુત્વ ઘણા શિવસૈનિકોને માફક આવતું ન હતું. બીજું કે ઉદ્ધવ સીએમ હોવા છતાં મહત્વનાં ખાતાં એનસીપી પાસે જ હતાં અને એનસીપીના પ્રધાનો શિવસેનાના ધારાસભ્યોને ભંડોળની ફાળવણી કે વિકાસ કામોમાં સહકાર આપતા ન હતા. ધારાસભ્યો પાસેથી પણ કટકીની માગણી થતી હોવાની ચર્ચાઓ છે. શિવસેનામાં આંતરિક રીતે પણ મુખ્યપ્રધાન ઉદ્ધવ ખુદ સિનિયર નેતાઓને બાજુ પર મુકી આદિત્ય ઠાકરેને આગળ ધરી રહ્યા હોવાથી શિંદે જેવા સિનિયર નેતાઓ પોતે હાંસિયામાં મુકાઈ રહ્યા હોવાની લાગણી અનુુભવતા હતા.

ઠાકરે

રાજ્યની ૨૮૮ ની કુલ સંખ્યા ધરાવતી વિધાનસભામાં બે ધારાસભ્ય જેલમાં છે અને એકનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આથી ૨૮૫ની અસરકારક સંખ્યામાં બહુમતી માટેનો જાદૂઈ આંકડો ૧૪૩ ધારાસભ્યોનો છે. ભાજપ ૧૦૬ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે. આ ઉપરાંત તેને અન્ય ટચૂકડા પક્ષો તથા અપક્ષો મળી કુલ ૧૧૪નું સમર્થન છે. જોકે, વિધાન પરિષદમાં તેણે ૧૩૪ ધારાસભ્યોના મત અંકે કર્યા હતા. આથી જો શિંદે મક્કમ રહી ભાજપમાં જોડાય કે અલગ જૂથ બનાવી ભાજપને ટેકો આપે તો મહારાષ્ટ્રમાં ભાજપની સત્તા પર પુનઃવાપસી થઈ શકે છે. જોકે, શિંદેએ પક્ષાંતર વિરોધી ધારાની જોગવાઈ ટાળવા માટે ઓછામામાં ઓછા ૩૭ ધારાસભ્યોને પોતાની સાથે રાખવા પડશે. નહીં તો પછી તેઓ તમામ ટેકેદારો સાથે ધારાસભ્યપદેથી રાજનામું આપી ફરી ચૂંટાઈ આવવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. રાજ્યમાં ગત ઓક્ટોબર ૨૦૧૯માં ચૂંટણી થઈ હતી એટલ વર્તમાન વિધાનસભાની સવા બે વર્ષની મુદ્દત બાકી છે.

શિંદે ગમે તેટલા સમય સુધી ગુજરાત કે અન્યત્ર હોટલમા ંરહે પરંતુ સરકારના બળાબળનો ફેંસલો તો વિધાનસભા ગૃહમાં જ થવાનો છે. આથી હવે ભાજપ કદાચ સરકાર લઘુમતીમાં મુકાઈ હોવાથી વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ માટે વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી શકે છે.

Read Also

Related posts

મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત

Zainul Ansari

Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ

Zainul Ansari

મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું

Zainul Ansari
GSTV