ઇઝરાયલના જેરૂસલેમમાં અમેરિકન એમ્બેસી શરૂ થવા જઇ રહી છે. ત્યારે ઇઝરાયલ દ્વારા અમેરિકન એમ્બેસીના ભવ્ય ઉદ્દઘાટન સમારોહ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
ઉદ્દઘાટન સમારોહમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ. તેના વરિષ્ઠ સલાહકાર જૈરેડ કુશનર અને નાણાપ્રધાન સ્ટીવન નૂચીન હાજર રહશે.
આ સમારોહમાં દુનિયાભરના અનેક ટોચના રાજકીય નિષ્ણાતો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. જ્યારે કે એમ્બેસી ખોલવાના નિર્ણયનો પેલેસ્ટાઇન દ્વારા ભારે વિરોધ થઇ રહ્યો છે. આ ઉપરાંત વિરોધ કરી રહેલા અનેક યુરોપિયન રાષ્ટ્રો પણ ઉદ્દઘાટન સમારોહથી દૂર રહેશે.
અમેરિકાએ ઇઝરાયલના 70માં સ્વાતંત્ર્ય દિવસ બાદ જ અમેરિકન એમ્બેસી ખોલવાનો નિર્ણય કર્યો હતો. ગત વર્ષે 6 ડિસેમ્બરમાં જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપ્યા બાદ અમેરિકાએ એમ્બેસીને ત્યાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલે 1967ના યુદ્ધમાં જેરૂસલેમ પર કબ્જો કર્યો હતો. જેને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી નહોતી.