Movie Review : મુશ્કેલ પરિસ્થિતી સામે સંઘર્ષ કરતા ભાઇ-બહેનની સ્ટોરી છે Beyond The Clouds

ઇરાની ફિલ્મ નિર્માતા માજિદ મજિદીની ફિલ્મ ‘Beyond The clouds’ દ્વારા શાહિદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટરે બોલીવુડમાં એન્ટ્રી કરી છે. ફિલ્મમાં એક શહેરના સ્લમ એરિયામાં કેટલાંક યુવાનોની મસ્તી અને તેમની આંખોમાં રહેલા સપનાઓ સ્પષ્ટપણે જોવા મળે છે. ટ્રેલર જોઇને તમને ચોક્કસપણે ફિલ્મ સ્લમડૉગ મિલિનેયરના કેટલાંક સીન યાદ આવ્યાં હશે. પોતાની આ ફિલ્મ દ્વારા માજિદ હૉલીવુડ ડાયરેક્ટર ડેની બૉયલને ટક્કર આપતા જોવા મળી રહ્યાં છે.

ફિલ્મમાં ઇશાન આમિર નામના યુવકનું પાત્ર ભજવી રહ્યો છે. સાથે જ તેની બહેનનું પાત્ર માલવિકા મોહનન ભજવી રહી છે. મસ્ત મૌલા આમિર પોતાનું જીવન ખુલીને જીવે છે. પરંતુ અચાનક કંઇક એવું થાય છે જેમાં આમિર ફંસાઇ જાય છે. આ વચ્ચે પોલીસ આમિરને શોધતી ફરે છે. બહેન તારા પોતાના ભાઇને બચાવવાનો પ્રયાસ કરે છે પરંતુ આ વચ્ચે તારાને જ જેલમાં ધકેલી દેવામાં આવે છે. માજિદ મજિદી પહેલા પણ આવા જ સબ્જેક્ટ પર કામ કરી ચુક્યાં છે.

આ ફિલ્મ ક્યાંકને ક્યાંક 1997માં આવેલી ‘ચિલ્ડ્રન ઑફ હેવન’ જેવી લાગે છે. પોતાની પહેલી ફિલ્મમાં ઇશાન ઉંડી છાપ છોડી રહ્યો છે. સાથે જ એક્ટ્રેસ માલવિકા પણ પોતાના અભિનય દ્વારા તમને પ્રભાવિત કરશે. ફિલ્મની સિનેમેટોગ્રાફીની વાત કરીએ તો ફિલ્મમાં તમને પરફેક્ટ સિનેમેટોગ્રાફી જોવા મળશે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક દમદાર છે. ફિલ્મમાં એઆર રહેમાને મ્યુઝિક આપ્યું છે, જે તમને ચોક્કસપણે મંત્રમુગ્ધ કરી દેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter