GSTV
Home » News » આજથી આઈપીએલનો થશે રંગારંગ પ્રારંભ, આ ટીમો પર રહેશે નજર

આજથી આઈપીએલનો થશે રંગારંગ પ્રારંભ, આ ટીમો પર રહેશે નજર

IPL

ઈન્ડિયન પ્રીમિયર લીગની બારમી સિઝનનો આવતીકાલથી બેંગાલુરુમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. આઇપીએલની આ સિઝનમાં આઠ ફ્રેન્ચાઈઝમાંથી સાત ફ્રેન્ચાઈઝીના કેપ્ટન ભારતીય છે. જોકે રસપ્રદ બાબત એ છે કે, આઇપીએલના ખરા માસ્ટરમાઈન્ડ્સ એટલે કે ચીફ કોચ તરીકે આઠેય ફ્રેન્ચાઈઝીઓએ વિદેશીઓ પર પસંદગી ઢોળી છે. આઇપીએલના કોચિંગમાં સૌથી વધુ ડિમાન્ડ સાઉથ આફ્રિકનોની જોવા મળી રહી છે. આઠમાંથી ત્રણ ફ્રેન્ચાઈઝીના ચીફ કોચ તરીકે સાઉથ આફ્રિકનો જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યારે બે-બે ફ્રેન્ચાઈઝીના ચીફ કોચ તરીકેની જવાબદારી ઓસ્ટ્રેલિયન અને ન્યુઝિલેન્ડર્સ પાસે છે. જ્યારે આઇપીએલની ફ્રેન્ચાઈઝીના ચીફ કોચીસમાં એશિયાના એકમાત્ર પ્રતિનિધિ તરીકે શ્રીલંકાનો ભૂતપૂર્વ બેટ્સમેન માંહેલા જયવર્દને છે. તે હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ચીફ કોચ તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છે. 

ચેન્નાઈ સુપર કિંગ્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ અને પ્રભાવશાળી ફ્રેન્ચાઈઝી ચેન્નાઈના કોચ તરીકે ન્યુઝીલેન્ડનો સ્ટીફન ફ્લેમિંગ જવાબદારી સંભાળી રહ્યો છે. સ્ટીફન ફ્લેમિંગ વર્ષ ૨૦૦૮થી ચેન્નાઈની ટીમની સાથે છે. ચેન્નાઈ પરના બે વર્ષના પ્રતિબંધ દરમિયાન તે પૂણે જાયન્ટ્સની ટીમની સાથે જોડાયો હતો. તેની ધોનીની જુગલજોડીએ ચેન્નાઈને ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮ની સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતુ. તેઓ ૨૦૧૦ અને ૨૦૧૪માં ચેમ્પિયન્સ લીગ પણ જીત્યા હતા. ચેન્નાઈના બેટીંગ કોચ તરીકે ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ બેટ્સમેન માઈકલ હસી અને બોલિંગ કોચ તરીકે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટર એલ.બાલાજી છે. ટીમના બેટીંગ સલાહકારની ભૂમિકામાં સાઉથ આફ્રિકાનો એરિક સિમોન્સ છે, જ્યારે ફિલ્ડિંગ કોચ તરીકે રાજીવ કુમાર અને ફિઝિયો તરીકે ટોમી સિમ્સેક કામગીરી સંભાળી રહ્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

કોહલીની ટીમના કોચ તરીકે ભારતને ૨૦૧૧માં વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર સાઉથ આફ્રિકાના ગેરી કર્સ્ટન છે. વેટ્ટોરીના અનુગામી તરીકે બેંગ્લોરની ટીમની ટીમના હેડ કોચ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. ગત વર્ષે તેઓ બેંગ્લોરના બેટીંગ કોચ હતા. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટર આશીષ નેહરા બેંગ્લોરના બોલિંગ કોચની જવાબદારી સંભાળી રહ્યો છે. ટીમના ફિઝિયો તરીકે ઈવાન સ્પીચલી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ટોમ મુડી સનરાઈઝર્સ હૈદરાબાદના કોચ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. મુડી વર્ષ ૨૦૧૩થી હૈદરાબાદની સાથે છે. તેમના છ વર્ષના કાર્યકાળમાં ટીમ ચાર વખત પ્લેઓફમાં પહોંચી છે. ૨૦૧૬માં ચેમ્પિયન અને ૨૦૧૮માં રનર્સઅપ બની છે. ટીમના આસીસ્ટન્ટ કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના સિમોન હેલ્મોટ છે અને બોલિંગ કોચ તરીકે મુરલીધરન તેમજ મેન્ટોર તરીકે લક્ષ્મણ જવાબદારી સંભાળી રહ્યો છે. 

મુંબઈ ઈન્ડિયન્સ

શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન માંહેલા જયવર્દનેએ વર્ષ ૨૦૧૭ની સિઝનમાં પોન્ટિંગના અનુગામી તરીકે મુંબઈ ઈન્ડિયન્સના કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી અને તે જ વર્ષે ટીમને ચેમ્પિયન બનાવી હતી. જોકે ૨૦૧૮ના વર્ષમાં તેઓ પ્લેઓફમાં પણ પ્રવેશી ન શક્યા. લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકર ટીમનો મેન્ટોર છે, જ્યારે ઝહીર ક્રિકેટ ઓપરેશન્સન ડાયરેક્ટર છે. મુંબઈના આસીસ્ટન્ટ કોચ તરીકે પારસ મહામ્બ્રે છે. જ્યારે રોબિન સિંઘ બેટીંગ કોચની અને ન્યુઝીલેન્ડનો શેન બોન્ડ બોલિંગ કોચની જવાબદારી સંભાળે છે. ઈંગ્લેન્ડનો જેમ્સ પામ્મેન્ટ ફિલ્ડિંગ કોચ છે. 

કોલકાત નાઈટ રાઈડર્સ

સાઉથ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર જેક કાલીસ વર્ષ ૨૦૧૬થી કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છે. પહેલા તેણે બેટીંગ સલાહકારની જવાબદારી સંભાળી હતી. ઓસ્ટ્રેલિયાનો સિમોન કેટિચ તેના આસીસ્ટન્ટ કોચ તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છે. જ્યારે ઝિમ્બાબ્વેનો હિથ સ્ટ્રીક કોલકાતાનો બોલિંગ કોચ છે. ભારતીય ટીમનો ભૂતપૂર્વ ફિઝિયો ઓસ્ટ્રેલિયાનો એન્ડ્રુ લિપ્સ ટીમનો ફિઝિયોથેરાપીસ્ટ છે.  

કિંગ્સ ઈલેવન પંજાબ

ન્યુઝીલેન્ડના કોચ માઈકલ હેસનની નિયુક્તિ આ વર્ષે કિંગ્સ ઈલેવન પંજાબના કોચ તરીકે કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડની ટીમના જોરદાર પર્ફોમન્સ બાદ પંજાબે તેના પર પસંદગી ઉતારી છે. ટીમના આસીસ્ટન્ટ કોચ તરીકે મિથુન મન્હાસ છે. જ્યારે બોલિંગ કોચ તરીકે ઓસ્ટ્રેલિયાનો રાયન હેરિસ અને ફિલ્ડિંગ કોચ તરીકે ન્યુઝીલેન્ડનો જ ક્રેગ મેક્મિલન છે. હેસનને આઇપીએલનું નવું વર્ષ ફળે છે કે નહિ તે જોવાનું રહેશે. 

દિલ્હી કેપિટલ્સ

ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સ નામથી રિલોન્ચ થયેલી દિલ્હી ડેરડેવિલ્સ ટીમનો કોચ છે. મુંબઈની ટીમ સાથે પોન્ટિંગ ૨૦૧૪ થી ૨૦૧૬ સુધી જોડાયેલો રહ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૧૮થી સિઝનથી તે દિલ્હીની ટીમને માર્ગદર્શન આપી રહ્યો છે. ટીમના મેન્ટોર તરીકે આ વખતે ગાંગુલી પણ જોડાયો છે. દિલ્હીનો આસીસ્ટન્ટ કોચ મોહમ્મદ કૈફ છે, જ્યારે બોલિંગ કોચ તરીકે ઓસ્ટ્રેલિયાનો જેમ્સ હોપ્સ, ફિલ્ડિંગ કોચ તરીકે ભારતનો સુધાદીપ ઘોષ અને ફિઝિયો તરીકે ન્યુઝીલેન્ડનો પોલ ક્લોઝ અને ભારતનો વૈભવ ડાગા છે. ટીમની ટેલેન્ટ સર્ચની જવાબદારી કૈફ અને પ્રવિણ આમરે સંભાળે છે. 

રાજસ્થાન રોયલ્સ

આઇપીએલની સૌપ્રથમ સિઝનમાં ચેમ્પિયન બનેલી ટીમના કોચ તરીકે સાઉથ આફ્રિકાના પેડી અપટોન છે. જ્યારે ગેરી કર્સ્ટન ભારતીય ટીમના કોચ હતા, ત્યારે પેડી અપટોન ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં સામેલ હતા. તેઓ ૨૦૧૨માં પૂણે વોરિયર્સના કોચ હતા, જે પછી ૨૦૧૩ થી ૨૦૧૫ સુધી રાજસ્થાન રોયલ્સના કોચ રહ્યા. રાજસ્થાન પર બૅન આવતા બે વર્ષ તેઓએ દિલ્હીને કોચિંગ આપ્યું અને આ સિઝનથી તેઓ ફરી રાજસ્થાનની ટીમની સાથે જોડાઈ ચૂક્યા છે. રાજસ્થાનના સપોર્ટ સ્ટાફમાં બેટીંગ કોચ તરીકે અમોલ મઝુમદાર, બોલિંગ કોચ તરીકે સાઈરાજ બહુતુલે, ફાસ્ટ બોલિંગ કોચ તરીકે ઈંગ્લેન્ડના સ્ટેફાન જોન્સ, ફિલ્ડિંગ કોચ તરીકે દિશાંત યાજ્ઞિાક અને ફિઝિયો તરીકે જોન ગ્લોસટર (ઓસ્ટ્રેલિયા) છે.

READ ALSO

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar