IPLની 16મી સીઝન શરુ થવામાં હવે માત્ર 3 જ દિવસ બાકી છે. પરંતુ આ સીઝન શરુ થાય તે પહેલા જ અનેક મોટા ખેલાડીઓ ઈજાગ્રસ્ત બન્યા છે. ઈજાગ્રસ્ત અનેક ખેલાડીઓ આ સીઝનમાં રમતા જોવા નહિ મળે. આ સીઝનમાં ચાહકોને જસપ્રિત બુમરાહ, ઋષભ પંત, જોની બેયરસ્ટો, કાયલ જેમસન, વિલ જેક્સ, શ્રેયસ અય્યર અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ક્રિકેટરોને મેદાનમાં રમતા જોવાનો લ્હાવો નહિ મળે. જયારે જોશ હેઝલવુડ, રજત પાટીદાર, મોહસીન ખાન, લોકી ફર્ગ્યુસન, મુકેશ ચૌધરી જેવા ક્રિકેટરો રમશે કે નહિ તે હજુ સુધી નક્કી નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સના(CSK) ક્રિકેટરો ઈજાથી સૌથી વધુ પ્રભાવિત છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ એકમાત્ર એવી ટીમો છે જેનો એક પણ ખેલાડી ઈજાગ્રસ્ત નથી.

આ સીઝનમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓ એટલા બધા છે કે દિલ્હી કેપિટલ્સ અને કોલકાત્તા નાઈટ રાઇડર્સે પોતાના કેપ્ટન બદલવા પડ્યા છે. દિલ્હીએ આ સિઝનમાં પંતની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને કેપ્ટન બનાવ્યો છે. તે જ સમયે, કોલકાતાએ શ્રેયસના સ્થાને નીતિશ રાણાને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ દરમિયાન શ્રેયસ ઈજાગ્રસ્ત થયો હતો. અને તેના રમવા પર શંકા છે. આ જ કારણ છે કે KKRએ રાણાને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. કોલકાતા માટે, ન્યુઝીલેન્ડના ઝડપી બોલર લોકી ફર્ગ્યુસનનું પણ ઈજાના કારણે શરૂઆતમાં રમવાનું નિશ્ચિત નથી.

RCBના રજત પાટીદાર, હેઝલવુડ હજુ પણ ઈજામાંથી સાજા થયા નથી
RCB માટે ગત IPLની સિઝનમાં 152.75ના સ્ટ્રાઈક રેટથી 333 રન બનાવનાર રજત પાટીદાર અને તેના ઝડપી બોલર જોશ હેઝલવુડના રમવા પર સંશય છે. પાટીદાર નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની હીલની ઈજાની સારવાર લઈ રહ્યો છે, જ્યારે હેઝલવુડ ઈજાને કારણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ રમ્યો ના હતો. IPLની ગત સિઝનમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પાટીદાર ઈજામાંથી સાજો થઈ રહ્યો હોવાનું કહેવાય છે પરંતુ તે અડધી સિઝનમાં બહાર રહી શકે છે. આરસીબી તરફથી રમતા ઈંગ્લેન્ડના બેટ્સમેન વિલ જેક્સ પણ ઈજાગ્રસ્ત થયા છે. તેના સ્થાને ન્યૂઝીલેન્ડના માઈકલ બ્રેસવેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

CSKના મુકેશ ચૌધરીના રમવા પર પણ શંકા
એ જ રીતે, ડાબોડી ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી, જેણે CSK માટે ગત સિઝનમાં 13 મેચમાં 16 વિકેટ લીધી હતી, તેની પણ NCAમાં પીઠની ઈજાની સારવાર ચાલી રહી છે. તે આ IPL સિઝનમાં રમી શકશે કે કેમ તે નિશ્ચિત નથી. CSK માટે મોટો ફટકો ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર કાયલ જેમિસનનો છે. કાયલના સ્થાને સાઉથ આફ્રિકાના સિસાંડા મગાલાને સામેલ કરવામાં આવ્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સે બુમરાહ બાદ આર્ચર નજર દોડાવી છે
મુંબઈ ઈન્ડિયન્સમાં જસપ્રિત બુમરાહ અને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝે રિચર્ડસન બંને ઈજાગ્રસ્ત છે. બુમરાહના સાથે ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર કેમ્પમાં જોડાઈ ગયો છે. આર્ચર છેલ્લે 2020માં આઈપીએલમાં રમ્યો હતો.

મોહસીન ખાન પણ ઘાયલ થયો છે
સંભલ (યુપી)નો ડાબોડી ફાસ્ટ બોલર મોહસિન ખાન, જેણે ગત સિઝનમાં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા, તે પણ આ વખતે ઈજાગ્રસ્ત છે. તેને ખભામાં ઈજા છે. લખનૌ સુપરજાયન્ટ્સને આશા છે કે મોહસીન પાછળથી કદાચ તેમના માટે રમી શકે છે.

પંજાબ કિંગ્સના જોની બેરસ્ટો પણ મેદાન બહાર
પંજાબ કિંગ્સ માટે ગત સિઝનમાં 253 રન બનાવનાર જોની બેરસ્ટો પણ આ લીગમાં નહીં રમે. તેના સ્થાને બિગ બેશમાં ધૂમ મચાવનાર મેથ્યુ શોર્ટને લેવામાં આવ્યો છે.

રાજસ્થાન રોયલ્સના પ્રસિદ્ધ કૃષ્ણા
રાજસ્થાન રોયલ્સના ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને પંજાબ કિંગ્સના ભૂતપૂર્વ બોલર સંદીપ શર્માને લેવામાં આવ્યા છે. લીગની 104 મેચોમાં 114 વિકેટ લેનાર સંદીપ શર્મા બોલને બંને રીતે સ્વિંગ કરે છે. તેને 50 લાખની મૂળ કિંમતે લેવામાં આવ્યો છે. તે છેલ્લી 10 સીઝનથી લીગમાં રમી રહ્યો છે.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ