GSTV
Home » News » IPL 2019: આજે બે મજબૂત ટીમો આમને-સામને, ધોનીના ‘ધુરંધરો’ સામે ટકરાશે રોહિતના ‘રણયોદ્ધા’

IPL 2019: આજે બે મજબૂત ટીમો આમને-સામને, ધોનીના ‘ધુરંધરો’ સામે ટકરાશે રોહિતના ‘રણયોદ્ધા’

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધમાકેદાર શરૃઆત કરનારી ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આવતીકાલે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. ચેન્નાઈ તેની ત્રણેય મેચો જીતી ચૂક્યું છે. જ્યારે મુંબઈને તેની ત્રણમાંથી બે મેચમાં હારનો સામનો કરવો પડયો છે. હવે રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આવતીકાલે ઘરઆંગણે ચેન્નાઈની વિજયકૂચ અટકાવવાના નિર્ધાર સાથે ઉતરશે.

મુંબઈના જાણીતા વાનખેડે સ્ટેડિયમમાં આવતીકાલે રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. ધોની અને રોહિત શર્માની ટીમોએ આઇપીએલના મહત્વના મુકાબલા માટે કમર કસી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે ઈન ફોર્મ ખેલાડીઓની ભરમાર જોવા મળી રહી છે. જ્યારે રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વખતે ખાસ પ્રભાવ પાડી શકી નથી. બુમરાહ જેવા સ્ટાર બોલરની હાજરી છતાં ટીમના બેટ્સમેનોમાં અગાઉના જેવો આત્મવિશ્વાસ દેખાતો નથી, જે ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનું કારણ છે.

મુંબઈને ટોચના સ્ટાર્સની મોટી ઈનિંગની આશા

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે શરૃઆતની ત્રણ મેચોમાં અનુક્રમે ૧૭૬,૧૮૭/૮ અને ૧૭૬/૭નો સ્કોર નોંધાવ્યો હતો. મુંબઈ તરફથી યુવરાજ અને ડી કૉક એવા બે જ બેટ્સમેનો એવા છે કે, જેમણે અડધી સદી ફટકારી છે. જોકે બાકીના બેટ્સમેનો સારી શરૃઆતને લાંબી ઈનિંગમાં ફેરવી શક્યા નથી. હવે ચેન્નાઈ સામેની મેચ જીતવા માટે મુંબઈના ટોચના બેટ્સમેનોએ આગવું ફોર્મ બતાવવું પડશે. ખાસ કરીને કેપ્ટન રોહિત શર્મા કે પછી ડી કૉક,સૂર્યકુમાર, યુવરાજ સિંઘ કે પછી પોલાર્ડ અથવા પંડયા બ્રધર્સે મોટી ઈનિંગ રમવી પડશે.

ચેન્નાઈને ઈન ફોર્મ સ્ટાર્સ વિજયી પર્ફોમન્સ જારી રાખવા ફેવરિટ

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સને આશા છે કે, તેના સુપરસ્ટાર્સ દમદાર પર્ફોમન્સ આગળ ધપાવશે. ધોનીએ રાજસ્થાન સામેની આખરી મેચમાં ૪૬ બોલમાં ૪ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે અણનમ ૭૫ રન ફટકાર્યા હતા, જે તેમની ટીમ તરફથી ચાલુ સિઝનમાં કોઈ બેટસમેને ફટકારેલી સૌપ્રથમ અડધી સદી હતી. ચેન્નાઈ પાસે વોટસન, કેપ્ટન ધોનીની સાથે રૈના, રાયડુ, જાધવ તેમજ ડ્વેન બ્રાવો અને જાડેજા જેવા સુપરસ્ટાર્સ છે. સ્પિન બોલિંગમાં ટીમનો મદાર જાડેજા, હરભજન તેમજ તાહીર પર ટકેલો છે. જ્યારે દીપક ચહર અને શાર્દૂલ ઠાકુર, વિલી તેમજ મોહિત શર્મા જેવા ફાસ્ટરો ટીમને જીત તરફ અગ્રેસર કરવા માટે સજ્જ છે.

બુમરાહનો જાદુ જારી પણ મુંબઈને અન્ય બોલરોના ફોર્મની ચિંતા

ભારતના ટોચના ફાસ્ટર જસપ્રીત બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ચાલુ વર્ષે પણ શાનદાર દેખાવ જારી રાખ્યો છે. તેણે બેંગ્લોર સામે માત્ર ૨૦ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે પંજાબ સામે ૩.૪ ઓવરમાં ૨૩ જ રન આપ્યા હતા. જોકે અન્ય બોલરો બુમરાહનો સાથ આપવામાં ઉણા ઉતરતા હોય તેવું લાગી રહ્યું છે. તેમાં ય શ્રીલંકન ફાસ્ટર માલિંગા આઈપીએલ છોડીને સ્વદેશમાં ઘરઆંગણાની લીગ મેચ રમવા જઈ રહ્યો છે, જેના કારણે મુંબઈના બોલિંગ કોમ્બિનેશન પર અસર પડશે. જોકે ટીમમાં વિન્ડિઝનો ફાસ્ટર અલઝારી જોસેફ જોડાઈ ચૂક્યો છે, જેના કારણે તે માલિંગાની ખોટ પુરી કરી શકે તેમ છે. 

Read Also

Related posts

વેલાવાળા શાકભાજીને જીવાતથી કેવી રીતે રક્ષણ આપશો ?

Mayur

જાણો મુંબઈમાં બેઠાં બેઠાં કચ્છની ખેતીનું ધ્યાન રાખતા એક આધુનિક ખેડૂતને

Mayur

સતીષભાઈએ ધરૂ ઉછેરમાં કેવી રીતે સફળતા મેળવી ખેડૂતોને આપી પ્રેરણા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!