ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૨ના લીગ રાઉન્ડના અંતિમ તબક્કાનો સોમવારથી પ્રારંભ થઇ ગયો છે. હવે આગામી પાંચ મે-રવિવારના લીગ રાઉન્ડની સમાપ્તિ થશે અને પોઇન્ટ ટેબલમાં ટોચનું ચાર સ્થાન ધરાવતી ટીમ પ્લે ઓફ્માં પ્રવેશ કરશે. હાલ ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સે પ્લેઓફ્નું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પ્લે ઓફમાં પ્રવેશવાની આશા પર લગભગ પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. રાજસ્થાન રોયલ્સને પ્લે ઓફ્માં પ્રવેશવા માટે ચમત્કાર પર મદાર રાખવો પડશે. આમ, પ્લે ઓફ્ના બાકીના બે સ્થાન માટે ચાર ટીમ વચ્ચે જંગ છે. ૭ મે-મંગળવારથી શરૃ થતાં પ્લે ઓફ્ના રાઉન્ડમાં પ્રવેશવા કઇ ટીમને કેટલી તક છે તેની સ્થિતિ ઉપર એક નજર…
મુંબઇ ઇન્ડિયન્સ
મુંબઇની ટીમના ૧૪ પોઇન્ટ છે અને તેની નેટ રન રેટ પણ મજબૂત છે.મુંબઇ માટે વધુ એક જમા પાસું એ છે કે તેની બાકીની બંને મેચ ઘરઆંગણે છે. મુંબઇ હવે બાકીની બંને મેચમાં સાધારણ અંતરથી હારે તો પણ તે પ્લે ઓફમાં પ્રવેશ કરી શકે છે. અલબત્ત, મુંબઇ ઇન્ડિયન્સનો આગામી લક્ષ્યાંક હવે બાકીની બંને મેચમાં વિજય મેળવીને ટોપ-૨માં સ્થાન મેળવવાનો રહેશે.
સનરાઇઝર્સ હૈદરાબાદ
સોમવારના પંજાબ સામેના મુકાબલા અગાઉ છેલ્લી સાત મેચમાંથી હૈદરાબાદનો માત્ર બેમાં વિજય થયો છે. હૈદરાબાદ હવે બાકીની ત્રણેય મેચમાં વિજય મેળવશે તો તે પ્લે ઓફ્માં પ્રવેશ નિશ્ચિત કરશે. અલબત્ત, ત્રણમાંથી બે મેચમાં વિજય મેળવે તો તે સ્થિતિમાં ૧૪ પોઇન્ટ ધરાવતી અન્ય ટીમ સાથે તેને ‘શૂટઆઉટ’ની સ્થિતિનો સામનો કરવો પડશે. આ સ્થિતિ સર્જાય તો હૈદરાબાદ નેટ રનરેટથી ક્વોલિફાઇ થાય તેની સંભાવના વધી જાય છે. અલબત્ત, ચેન્નાઇ-મુંબઇ-દિલ્હી-પંજાબ એમ તમામ ટીમ ૧૬ કે તેથી વધુ પોઇન્ટ સાથે સમાપન કરે તો હૈદરાબાદ માટે ક્વોલિફાઇ થવું મુશ્કેલ થઇ શકે છે. સોમવારની મેચમાં હૈદરાબાદ હવે પંજાબને હરાવે તો તેના માટે રાહત રહેશે. કેમકે, પંજાબ ૧૬ પોઇન્ટ સુધી નહીં પહોંચી શકે અને તેને ત્યારબાદ ક્વોલિફાઇ થવા બેમાંથી માત્ર એક મેચમાં વિજય મેળવવો પડશે. આ પછી તે ૧૪ પોઇન્ટ મેળવી નેટ રનરેટના આધારે ક્વોલિફાઇ કરી શકે છે.
કોલકાતા નાઇટ રાઇડર્સ
મુંબઇ સામેના વિજય સાથે કોલકાતા માટે પ્લે ઓફ્માં પ્રવેશવાની આશા જીવંત બની છે. પરંતુ કોલકાતા મહત્તમ ૧૪ પોઇન્ટ સાથે સમાપન કરી શકે છે. કેમકે, ૬ ટીમ ૧૪ કે વધુ પોઇન્ટ સાથે તેમના લીગ રાઉન્ડની સમાપ્તિ કરી શકે છે. કોલકાતા માટે હવે બાકીની બંને મેચમાં મોટા અંતરથી વિજય મેળવવો જરૃરી છે. હાલ કોલકાતાની નેટ રન રેટ હૈદરાબાદ, મુંબઇ કરતાં ઓછી છે. કોલકાતા ૧૨ પોઇન્ટ સાથે પણ ક્વોલિફાઇ કરી શકે છે. પરંતુ તેના માટે તેમણે અન્ય પરિણામ તેમની તરફેણમાં જાય તેની આશા રાખવી પડશે. જેમકે, સનરાઇઝર્સ તેની બાકીની મેચ હારી જાય તો તેના અને કોલકાતાના સમાન ૧૨ પોઇન્ટ થઇ જશે. આ સ્થિતિમાં નેટ રનરેટથી કોલકાતા પ્લેઓફમાં પ્રવેશી શકે છે. કોલકાતા હવે આગામી મેચમાં પંજાબ સામે હારશે તો તેના માટે પ્લે ઓફમાં પ્રવેશવું મુશ્કેલ થઇ જશે.
કિંગ્સ ઇલેવન પંજાબ
સનરાઇઝર્સની જેમ પંજાબના ૧૧ મેચમાં ૧૦ પોઇન્ટ છે. પરંતુ તેમની નેટ રનરેટ સનરાઇઝર્સ કરતાં ઘણી ઓછી છે. સોમવારની મેચમાં પંજાબ હૈદરાબાદ સામે વિજય મેળવે તો તે ત્યારબાદ બાકીની બેમાંથી એક મેચમાં પણ હારે તો પણ ક્વોલિફાઇ થઇ શકે છે. પરંતુ આ સ્થિતિ માટે સનરાઇઝર્સ બાકીની બેમાંથી એક મેચમાં હારે તેની પણ દુઆ કરવી પડશે. મુંબઇ બાકીની બંને મેચમાં હારે તો પંજાબ ૧૪ પોઇન્ટ સાથે પણ પ્લેઓફમાં પ્રવેશ કરી શકે છે. આ સ્થિતિ માટે પંજાબે નેટ રનરેટની તકેદારી રાખવી પડશે.
રાજસ્થાન રોયલ્સ
સનરાઇઝર્સ સામેના વિજય સાથે રાજસ્થાન રોયલ્સની પ્લે ઓફ્માં પ્રવેશવાની આશા જીવંત બની છે. રાજસ્થાન બાકીની બંને મેચમાં વિજય મેળવીને પ્લે ઓફમાં પ્રવેશ કરી શકે છે. અલબત્ત, તેના માટે રાજસ્થાને અન્ય ટીમના પરિણામ તેમની તરફેણમાં જાય તેની તકેદારી રાખવી પડશે. રાજસ્થાન હવે એકાદ મેચમાં પણ હારશે તો કંગાળ નેટ રનરેટ હોવાથી તેની પ્લેઓફ્માં પ્રવેશવાની આશા ઉપર પણ પૂર્ણવિરામ મૂકાશે.
રોયલ ચેેલેન્જર્સ બેંગલોર
દિલ્હી સામેના પરાજય સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પ્લે ઓફ્માં પ્રવેશવાની આશા ઉપર લગભગ પૂર્ણવિરામ મૂકાયું છે. તેઓ હવે બાકીની બે મેચમાં વિજય મેળવે તો મહત્તમ ૧૨ પોઇન્ટ થશે. ૧૨ પોઇન્ટ સાથે પણ બેંગલોર પ્લે ઓફ્માં પ્રવેશી શકે છે. જેના માટે તેને કેટલાક પરિણામ પોતાની તરફેણમાં આવે તેની દુઆ કરવી પડશે. જેમકે, પંજાબ હૈદરાબાદને હરાવે અને ત્યારબાદ કોલકાતા સામે હારે, ચેન્નાઇ-મુંબઇ તેની બાકીની બંને મેચમાં વિજય મેળવે અને રાજસ્થાન-સનરાઇઝર્સ બાકીની બંને મેચમાં હારે. આ સ્થિતિમાં ચેન્નાઇના ૨૦, મુંબઇ-દિલ્હીના ૧૮ પોઇન્ટ જ્યારે કોલકાતા-પંજાબ-બેંગલોરના ૧૨ પોઇન્ટ થશે. આ સ્થિતિમાં બેંગલોરને નેટ રન રેટ ઉપર મદાર રાખવો પડશે. કોલકાતા કરતા નેટ રન રેટ સુધારવા બેંગલોરે તેની બાકીની મેચમાં ૫૦ કરતાં વધુ અંતરથી વિજય મેળવવો પડશે. જેની સાથે એવા પણ ચમત્કારની આશા રાખવી પડશે કે મુંબઇ સામે કોલકાતાનો ૯૫ કે તેથી વધુ રનથી વિજય મેળવે. આમ, બેંગલોર માટે ‘મેથેમેટિકલી’ તક છે જ્યારે ‘પ્રેક્ટિકલી’ પ્લે ઓફ્ની રેસમાંથી બહાર છે.
આઇપીએલ-૧૨માં હવે બાકીના મુકાબલા
તારીખ મેચ સ્થળ સમય
૩૦ એપ્રિલ બેંગલોર વિ. રાજસ્થાન બેંગાલુરુ રાત્રે ૮
૧ મે ચેન્નાઇ વિ. દિલ્હી ચેન્નાઇ રાત્રે ૮
૨ મે મુંબઇ વિ. હૈદરાબાદ મુંબઇ રાત્રે ૮
૩ મે પંજાબ વિ. કોલકાતા ચંડીગઢ રાત્રે ૮
૪ મે દિલ્હી વિ. રાજસ્થાન દિલ્હી બપોરે ૪
૪ મે બેંગલોર વિ. હૈદરાબાદ બેંગાલુરુ રાત્રે ૮
૫ મે પંજાબ વિ. ચેન્નાઇ ચંડીગઢ બપોરે ૪
૫ મે મુંબઇ વિ. કોલકાતા મુંબઇ રાત્રે ૮
૭ મે ક્વોલિફાયર-૧ ચેન્નાઇ સાંજે ૭ઃ૩૦
૮ મે એલિમિનેટર વિશાખાપટનમ્ સાંજે ૭ઃ૩૦
૧૦ મે ક્વોલિફાયર-૨ વિશાખાપટનમ્ સાંજે ૭ઃ૩૦
૧૨ મે ફાઇનલ હૈદરાબાદ સાંજે ૭ઃ૩૦
Read Also
- માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
- સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો
- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ
- Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!