આઈએનએક્સ મીડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટે ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને ધરપકડથી આપવામાં આવેલી વચગાળાની રાહતને પહેલી ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. આ મામલામાં ગત મહીને ઈડી દ્વારા પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બમરની પૂછપરછ થઈ ચુકી છે.
ચિદમ્બરમ એફઆઈપીબીની 305 કરોડ રૂપિયાની મંજૂરી સંદર્ભે કથિત ભૂમિકા માટે તપાસ એજન્સીઓના રડારમાં આવ્યા છે. સીબીઆઈએ 2007માં 305 કરોડ રૂપિયાના વિદેશ ફંડ પ્રાપ્ત કરવા માટે આઈએનએક્સ મીડિયાને એફઆઈપીબી સાથે મળેલી મંજૂરીમાં કથિત અનિયમિતતા માટે ગત વર્ષ 15 મેના રોજ એફઆઈઆર નોંધી હતી. યુપીએ-1 સરકારના કાર્યકાળમાં જ્યારે આ મંજૂરી આપવામાં આવી હતી ત્યારે ચિદમ્બરમ કેન્દ્રીય નાણાં પ્રધાન પદે આસિન હતા. સીબીઆઈએ શરૂઆતમાં આરોપ લગાવ્યા હતા કે કાર્તિએ આઈએનએક્સ મીડિયાને વિદેશી રોકાણની મંજૂરી આપવા માટે કથિતપણે દશ લાખ રૂપિયાની લાંચ આપી હતી. બાદમાં તેમણે આ આંકડામાં ફેરફાર કરતા તેને દશ લાખ અમેરિકન ડોલર ગણાવ્યા હતા.