ગુજરાતના પાટીદારો માટે મોટા સમાચાર, ફડણવીસ સરકારે આપી મરાઠાઓને અનામત

ગુજરાતના પાટીદારો માટે મોટા સમાચાર એ છે કે, મહારાષ્ટ્રમાં મરાઠાઓને 16 ટકા અનામત મળવાની માગણીને સ્વીકારી લેવાઈ છે. ફડણવીસ સરકાર મહારાષ્ટ્ર વિધાનસભામાં વિઘેયક લાવી છે. જે 30મી નવેમ્બર સુધી પારીત થઇ જાય તેવી સંભાવના છે. સરકાર 5મી ડિસેમ્બરથી મરાઠાઓને અનામત અાપવા માગે છે. અા બાબતે કોઈ શંકાને સ્થાન નથી કે આ વિધેયકનો એક પણ પાર્ટી વિરોધ કરે. મહારાષ્ટ્રમાં 3 દાયકાથી ચાલતી લડાઈમાં અાજે મરાઠાઓની મોટી જીત થઈ છે. મરાઠાઓ માટે આ મોટા સમાચાર છે. મરાઠીઓને હવે નોકરી અને શિક્ષણમાં 16 ટકાનો લાભ મળશે. મહારાષ્ટ્રમાં પણ ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે. અહીં પાટીદારોને અનામત મળે માટે રૂપાણી સરકાર રાજી ન હોય તેવો માહોલ છે. મહારાષ્ટ્રની ભાજપ સરકારે આગળ આવીને મરાઠાઓને અનામત અાપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાતમાં અાગામી સમયમાં પાટીદાર અનામત અાંદોલનની અાગ વધુ ભડકી શકે છે.

સર્વ સંમતિથી બિલ પસાર

મહારાષ્ટ્રમાં ત્રીસ ટકા મરાઠા સમુદાયની અનામતની માગણી પર વિધાનસભામાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ દ્વારા ખરડો રજૂ કરવામાં આવ્યો છે. આ ખરડા પ્રમાણે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 16 ટકા અનામત આપવામાં આવ્યું છે. શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મરાઠા સમુદાયને 16 ટકા અનામત આપવાની જોગવાઈ સાથેના ખરડાને મંજૂરી આપવામાં આવી છે. મરાઠા અનામત બિલ મહારાષ્ટ્ર વિધાનસભામાં કોઈપણ પ્રકારની ચર્ચા વગર સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું છે. આ પહેલા છેલ્લા કેટલાક સમયથી મરાઠા સમુદાય દ્વારા અનામતની માગણી સાથે આંદોલનો અને દેખાવો થયા હતા. બાદમાં આખો મામલો પછાત વર્ગ પંચની પાસે પહોંચ્યો હતો.

કોંગ્રેસ અને એનસીપીએ પણ અાપ્યું સમર્થન

મરાઠા સમુદાયને અનામત આપવા સંદર્ભે બહુપ્રતિક્ષિત બિલને ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનમંડળે મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકારે મોટો દાંવ ખેલતા મરાઠાઓને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 16 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને મહારાષ્ટ્ર વિધાનમંડળના બંને ગૃહોએ સર્વસંમતિથી પારીત કર્યો છે. સરકાર નજીકના ભવિષ્યમાં ખરડાને કાયદામાં ફેરવવા માટેની બંધારણીય ઔપચારીકતાને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત મામલે ખરડો રજૂ કરતી વખતે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે કહ્યુ હતુ કે તેમની સરકારે મરાઠા અનામત માટેની પ્રક્રિયાને પૂર્ણ કરી લીધી છે અને તેઓ ખરડો લાવ્યા છે. જો કે ફડણવિસે ધનગર અનામત પરનો રિપોર્ટ પૂર્ણ નહીં હોવાની વાત જણાવી હતી. તેમણે કહ્યુ હતુ કે ધનગર અનામત પર રિપોર્ટના પૂર્ણ કરવા માટે એક ઉપસમિતિની રચના કરવામાં આવી છે અને ઝડપથી એક રિપોર્ટ તથા એટીઆરને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. પહેલા વિધાનસભામાંથી ખરડો સર્વસંમતિથી પારીત થઈને વિધાનપરિષદ પહોંચ્યો અને ત્યાં પણ ખરડાને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો.

5મીથી મરાઠાઓે મળશે અનામતનો લાભ

મહારાષ્ટ્ર સરકારની કોશિશ પાંચમી ડિસેમ્બરથી રાજ્યમાં મરાઠા અનામત લાગુ કરવાની છે. હવે આગામી પાંચ દિવસોમાં કાયદાકીય ઔપચારીકતાઓ પૂર્ણ કર્યા બાદ તેને અમલી બનાવવામાં આવશે. કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવ્હાણે મરાઠા અનામત બિલના મંજૂર થવા માટે આખા મરાઠા સમુદાયને શ્રેય આપ્યો છે. તેમણે કહ્યુ છે કે મતોના ધ્રુવીકરણ માટે ફડણવિસ સરકારે આના સંદર્ભે નિર્ણય કર્યો છે અને તેથી જ સરકારે મુસ્લિમ અનામતને લઈને કોઈ નિર્ણય કર્યો નથી.

 વિપક્ષે સરકારની નિયત પર શંકા વ્યક્ત કરી 

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં મરાઠા અને ધનગર સમાજને અનામતના મામલે મહારાષ્ટ્ર વિધાનમંડળના શિયાળુ સત્રમાં ગતિરોધ સર્જાયો હતો. મંગળવારે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેએ એકબીજાની નિયત પર શંકા અને સવાલો તથા તર્ક-વિતર્કોનો વરસાદ વરસાવ્યો હતો. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે વિપક્ષનું મન કાળું હોવાનો આરોપ લગાવ્યો હતો અને વિપક્ષે સરકારની નિયત પર શંકા વ્યક્ત કરી હતી. ફડણવિસે કહ્યુ હતુ કે વિપક્ષ જૂઠ્ઠાણા ફેલાવી રહ્યું છે. વિપક્ષને અનામતના મુદ્દા પર રાજનીતિ કરવી છે. તેમને પણ આનો રાજકીય જવાબ આપતા વડે છે. સરકાર મરાઠા સમુદાયને અનામત આપશે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે પંચના નિયમ-14 અને 15ને ટાંકીને કહ્યુ હતુ કે સરકાર નિયમો પ્રમાણે કામ કરી રહી છે. આ મહારાષ્ટ્ર પછાત વર્ગ પંચનો 52મો રિપોર્ટ છે. છેલ્લે 51મો રિપોર્ટ પણ ગૃહના પટલ પર રજૂ કરવામાં આવ્યો નથી. તેઓ મરાઠા અનામત બિલ રજૂ કરતા પહેલા રાજ્ય પછાત વર્ગ પંચના રિપોર્ટ પર એટીઆર રજૂ કરશે.

ભાજપ, કોંગ્રેસ, અેનસીપી અને શિવસેનાએ આપ્યું સમર્થન

આ પહેલા છેલ્લા કેટલાક સમયથી મરાઠા સમુદાય દ્વારા અનામતની માગણી સાથે આંદોલનો અને દેખાવો થયા હતા. બાદમાં આખો મામલો પછાત વર્ગ પંચની પાસે પહોંચ્યો હતો. આ મામલે મહારાષ્ટ્રમાં રહેતા મરાઠા સમુદાયને 16થી 18 ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણને મંજૂર કરી લેવામાં આવશે તેવા સંકેત આપતા દેવેન્દ્ર ફડણવિસે કહ્યુ હતું કે મહારાષ્ટ્રમાં એસસી-એસટી અને ઓબીસી સહીતના કુલ 52 ટકા અનામતમાં કોઈપણ પ્રકારનો ફેરબદલ કર્યા વગર મરાઠાઓને ભલામણ મુજબ 16 ટકા અનામત આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામતના મામલે ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર દ્વારા રજૂ થયેલા બિલને વિપક્ષ કોંગ્રેસ અને એનસીપી સહીતની વિધાનસભામાં પ્રતિનિધિત્વ ધરાવતી તમામ રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યું હતું.

મરાઠાની ઉપજાતી કુનબી સમુદાય જે પછાત માનવામાં આવે છે. ત્યારે દાવો છે કે પૂરા રાજ્યની જનસંખ્યામાં મરાઠાઓની ભાગીદારી માત્ર 30માંથી 12 ટકા જ છે. ત્યારે કુનબી સેનાના મુખિયા વિશ્વનાથ પાટિલે કહ્યું કે જનસંખ્યામા મરાઠાઓની 30 ટકા હિસ્સાવાળો આંકડો ખોટો છે. મરાઠાઓ અને રાજ્ય સરકારે કુનબી જનસંખ્યાની ગણતરી પણ મરાઠા સમુદાય સાથે કરી છે. અમે મરાઠાની ઉપજાતી છીએ અને તેઓ અમને તેમનો ભાગ નથી માનતા. જો કુનબીને આ ફિગરમાંથી હટાવી તે તો રાજ્યમાં મરાઠાઓની સંખ્યા 12 ટકા જ છે.

2014 અને 2015માં તત્કાલિન કોંગ્રેસ-એનસીપીની ગઠબંધનની સરકારે સરકારી નોકરીઓ અને શિક્ષમાં મરાઠા સમુદાયને 16 ટકા અનામત આપ્યું હતું. તેને બાદમાં કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. નવેમ્બર-2014માં એક વચગાળાના આદેશમાં હાઈકોર્ટે તત્કાલિન સરકારના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. કેટલીક અરજીઓમાં સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે બે અરજીઓમાં તાત્કાલિક કોટા લાગુ કરવાની માગણી કરવામાં આવી હતી.

પછાત વર્ગ પંચે મરાઠાઓને 16 ટકા અનામતની ભલામણ કરી હતી. જે અંતર્ગત અાજે વિધેયક મૂકવામાં અાવ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter