૬ વિધાનસભા સીટની પેટા ચુંટણી પૈકી એક સીટ અમદાવાદમાં અમરાઈવાડી બેઠક પર પણ યોજાવવાની છે. પરંતુ ત્યાં પહેલા જેવી સામાન્ય સ્થિતિ નથી. ભાજપ ભલે દાવો કરે પરંતુ પેટા ચૂંટણીમાં પણ કેન્દ્રીય મંત્રીને પ્રચાર માટે દોડાવવા પડી રહ્યા છે. તો બીજી તરફ જૂથવાદના કારણે ઉમેદવાર એકલા હાથે પ્રચારમાં જોડાયા છે. પેટા ચૂંટણી જીતવામાં ભાજપને સારી ફાવટ છે. પરંતુ આ વખતે તમામ સીટ પર સ્થિતિ સામાન્ય કે ભાજપ માટે અનુકુળ નથી તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે. લોકો હવે કોઇપણ મુદ્દે બહાર આવી રહ્યા છે અને ભાજપને રોકડું પરખાવી રહ્યા છે. કારણ કે રાજ્યમાં ૨૫ વર્ષથી ભાજપની સરકાર છે. પરંતુ હજીપણ કેટલાક વિસ્તારો એવા છે જેમાં લોકો વિકાસથી વંચિત છે

આમ તો અમરાઈવાડી બેઠક શહેરી વિસ્તારની છે અને શહેરી બેઠક પર ભાજપનો દબદબો રહેલો છે. પરંતુ અમરાઈવાડી બેઠક પર અત્યારે ભાજપને સંપૂર્ણ અનુકુળ આવે એવી સ્થિતિ રહી નથી. જેના કારણે જ ભાજપે અન્ય નેતાઓને ચૂંટણી જંગમાં ઉતારવાની ફરજ પડી રહી છે. પહેલા નીતિન પટેલને મેદાને ઉતાર્યા. હવે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાને પણ પ્રચારમાં બોલાવવા પડી રહ્યા છે. જેના કારણે સ્થિતિ સામાન્ય નહીં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. તો બીજી તરફ શહેર સંગઠનમાં જુથવાદ ચરમસીમા પર છે.

સુત્રો કહી રહ્યા છે કે શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને એક દિગ્ગજ નેતા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યો છે. જેના કારણે કાર્યકર્તાઓ વચ્ચે પણ ખેંચતાણ જોવા મળી રહી છે. અમરાઈવાડી વિસ્તારના અનેક પ્રશ્નો એવા છે જેને લઈને સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત કરી પરંતુ હજી સુધી તેનો નિકાલ આવ્યો નથી. ગંદકીના ઢગલા છે, પાણી અને ગટરની સમસ્યા પણ હજુ યથાવત છે તો સાથે જ ક્રાઈમ ગ્રાફ કાબુ કરવામાં પણ ભાજપ સરકાર સફળ થઇ નથી જેના કારણે પણ સ્થાનીકોમાં રોષ છે. હાલમાં બંને ઉમેદવાર પાટીદાર છે પરંતુ ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ જાણે કે એકલા જ પ્રચાર કરી રહ્યા હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે.

થોડા સમય અગાઉ મુખ્યમંત્રીએ મંત્રીઓ અને પ્રદેશ નેતાગીરીનો ઉધડો લઈને પ્રચારમાં જોડાવવા માટે સુચના આપી હતી. જે બાદથી પ્રચારમા ગતિ આવી છે. શહેર ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે હાલની સ્થિતિએ અમરાઈવાડી બેઠકની સ્થિતિ બાપુનગર વિધાનસભા જેવી બની રહી છે. છેલ્લે સુધી ભાજપને વિશ્વાસ હતો કે આસાનીથી જીત થશે, પરંતુ શહેર ભાજપના આંતરિક રાજકારણના કારણે ભાજપને સીટ ગુમાવવી પડી હતી. એજ દિશા તરફ અમરાઈવાડી બેઠક આગળ વધી રહી છે. પરંતુ કોઇપણ સંજોગોમાં આ સીટ જીતવાના હાઈ કમાન્ડના આદેશ બાદ ભાજપ સફાળું જાગી સ્થિતિ સુધારવામાં લાગી ગયું છે.
READ ALSO
- મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોનેકરવામાં આવશે આમંત્રિત
- Amritsar/ સુવર્ણ મંદિર પાસે બોમ્બ મુકાયાની માહિતી, સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ
- Train Accidents: વર્ષ 2012 પછી થયેલા મોટા ટ્રેન અકસ્માત, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો
- Train Accidents: વિકૃત મૃતદેહો, ખડી પડેલા ડબ્બા, પીડાથી કણસતા લોકો, ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં મોતનો આંક પહોંચ્યો 237, 900થી વધુ લોકો ઘાયલ
- Odisha Train Accident / ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં મોતનો આંકડો વધીને 70 થયો, 350થી વધુ ઘાયલ