GSTV

ગણપતિ બાપા મોરિયા / ક્યારથી યોજાય છે ગણેશોત્સવ? કોણે કરાવી હતી સાર્વજનીક ગણપતિ મહોત્સવની શરૃઆત? : ઉત્સવની જાણી-અજાણી રસપ્રદ વાતો

ગણેશોત્સવ

10 સપ્ટેમ્બરથી ભારતભરમાં ગણેશોત્સવની ઉજવણી શરૂ થઈ છે. ભારતમાં આમ તો દરેક તેહવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે પંરતુ આધ્યાત્મિક તેહવારની ઉજવણીમાં જોવા મળતી રોનક અનોખી હોય છે. ગણેશ ઉત્સવની શરૂઆત ભાદરવા મહિનાની વિનાયક ચોથના દિવસે થાય છે જ્યારથી દસ દિવસ માટે ગણપતિ બાપા તેમના ભક્તોને ત્યાં મેહમાન બનીને રહે છે. દસમા દિવસે વાજતગાજતે ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરી આ ઉત્સવનો અંત થાય છે. દસ દિવસ ચાલનારો આ ઉત્સવ ખરેખર માણસની ધાર્મિક એકતા, આધ્યાત્મિકતા, ભક્તિ અને ઈશ્વર પ્રત્યેની લાગણીનું ખરું પ્રતિબિંબ છે. ભારતમાં ગણેશ ઉત્સવની પ્રથા વર્ષોથી ચાલતી આવે છે. આ ઉત્સવ પેહલા માત્ર મહારાષ્ટ્ર પૂરતો જ ઉજાવવામાં આવતો હતો પરંતુ પાછલા સો-સવાસો વર્ષોમાં આ ઉત્સવ ભારતની સિમા પાર પણ ઊજાવવામાં આવે છે. માં શક્તિ અને શિવજીના પુત્ર ગણપતિને આમ તો ભારતમાં શુભ પ્રસંગે સર્વપ્રથમ પૂજવામાં આવે છે પંરતુ ગણેશ ઉત્સવના દસ દિવસોમાં ગણપતિ બાપાની સેવા કરવાનો આનંદ એક અનોખો અનુભવ સાબિત થાય છે.
ભારતભરમાં ઉજવાતો આ ગણેશ ઉત્સવ ભારતની ધાર્મિક એકતાનું પણ પ્રતિક છે. ગણેશ ઉત્સવ માટે ભારતમાં દર વર્ષે ગણેશજીની લાખો મૂર્તિની જરૂર પડે છે જેને બનાવનારા મોટા ભાગના કારીગર મુસલમાન છે. હિન્દુ ધર્મના ન હોવા છતાં મૂર્તિ બનાવનારા આ કારીગર ગણપતિ બાપાની મૂર્તિમાં જરૂરી દરેક પ્રકારની બરિકીનું ધ્યાન રાખે છે. ભારતમાં તો જોકે આવી ધાર્મિક એકતા કોઈ નવી વાત નથી પરંતુ ભારતને ધર્મના નામે લડતો દેશ ગણાવનારા વિદેશીઓએ ભારતની આ ખૂબી તરફ પણ કોઈ વાર નજર નાખવી જોઈએ. ભારતમાં ગણેશ ઉત્સવને સાર્વજનિક મહોત્સવ રૂપે ઉજવવાની શરૂઆત થઈ તેને આજે 129નું વર્ષ જાય છે ત્યારે જાણીએ ગણેશ ઉત્સવ વિશેની અમુક જાણી-અજાણી રસપ્રદ વાતો…..

ગણેશ ઉત્સવના પ્રણેતા કોણ ? શિવાજી કે પછી લોકમાન્ય તિલક

ગણેશ ઉત્સવની શરૂઆત વિશે હમેશા મતભેદ જોવા મળ્યો છે. ઇતિહાસકાર તેવું માને છે કે વર્ષો પેહલા બ્રિટિશરાજ દરમ્યાન મુંબઈના ધારાવી વિસ્તારમાં વસતા માછીમારો દ્વારા ધંધામાં વૃદ્ધિ થાય તે માટે ગણેશજીની સ્થાપના કરવાની શરૂઆત કરવામાં આવી હતી જે આજદિન સુધી ચાલ્યું આવે છે. એક અન્ય વર્ગ આ વાતને થોડી વધુ જૂની ગણાવે છે અને તેમના અનુસાર ગણેશ ઉત્સવની શરૂઆત છત્રપતિ શિવાજી દ્વારા પોતાના રાજ્યમાં કરવામાં આવી હતી. છત્રપતિ શિવાજીની આ પ્રથા પેશ્વાઓએ સાચવી રાખી હતી પરંતુ 1857ના અસફળ બળવા બાદ જ્યારે પેશ્વાઓનું સામ્રાજ્ય વિખરાય ગયું ત્યારે તેમની સાથે આ પ્રથા પણ લુપ્ત થઈ ગઈ હતી. 1893માં ગણેશ ઉત્સવની આ પ્રથા મહાન ક્રાંતિકારી બાળ ગંગાધર તિલક દ્વારા ફરી શરૂ કરવામાં આવી હતી. બાળ ગંગાધર તિલકે આ પ્રથા હિન્દુ અને વિધર્મીઓ વચ્ચે એકતા વધે તે માટે શરૂ કરી હતી જેના લીધે જ આજે પણ ગણેશ ઉત્સવ દરમ્યાન બાપાની મૂર્તિને ઘરની સાથે ગલી અથવા મહોલ્લાના નાકે પણ સ્થાપિત કરવામાં આવે છે. ગણેશ ઉત્સવની શરૂઆત કદાચ શિવાજીએ જ કરવી હોવાનું આપણે માની લઈએ તો પણ સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવાના પ્રણેતા બાળ ગંગાધર તિલકને માનવા રહ્યા.

ગણેશ ઉત્સવમાં સૌથી વધુ મૂર્તિનું સ્થાપન કયા શહેરમાં થાય છે ?

ગણેશ ઉત્સવ માટે ભારતમાં દર વર્ષે  લાખો ગણપતિની મૂર્તિ બનાવવામાં આવે છે. ગણેશજીની આ મૂર્તિ ભારત સિવાય બીજા પણ ઘણા ભારતીય વસ્તી ધરાવતા દેશમાં મોકલવા આવે છે. સાંસ્કૃતિક રીતે ગણેશ ઉત્સવ સમયે વપરાતી ગણપતિની મૂર્તિ માટીની બનેલી હોવી જોઇએ પરંતુ પાછલા વર્ષોમાં ગણપતિના વિવિધ રૂપ વાળી મૂર્તિ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે જેના કારણે પ્લાસ્ટર ઑફ પેરિસની મૂર્તિઓ વધુ ચલણમાં છે. ભારતમાં ગણેશ ઉત્સવ દરમ્યાન મુંબઈમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે જ્યારે પ્રતિમા સ્થાપના મુદ્દે બીજા ક્રમે મહારાષ્ટ્રનું પુના છે. આ લિસ્ટમાં ત્રીજા શહેરનું નામ જોકે વધુ જાણીતું નથી. ગણપતીની મૂર્તિ સ્થાપના મુદ્દે ત્રીજા ક્રમે મહારાષ્ટ્રનો પેન જિલ્લો આવે છે.

ગણપતિ બાપાના ચાહકો ભારત બહાર પણ છે

ભારતમાં તો ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે જ છે પંરતુ આ ઉત્સવને ભારતિય સિમાની પાર પણ પસંદ કરવામાં આવે છે. ભારત સિવાય ગણેશ ઉત્સવને નેપાળના તરાઈ વિસ્તાર, યુકે, યુએસ અને મોરેશિયસ જેવા દેશમાં પણ ઉજવવામાં આવે છે. ભારતમાં ગણેશ ઉત્સવ સૌથી વધુ ધામધૂમથી મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં ઉજવવામાં આવે છે. આ તો થઈ ગણેશ ઉત્સવની વાત પરંતુ ગણપતિ બાપાના ફેન ફોલોઈંગ તો ભારત સિવાય ઘણા દેશમાં જોવા મળે છે. ભારત સિવાય અફઘાનિસ્તાન, થાઇલેન્ડ, ચીન, નેપાળ અને ઈન્ડોનેશિયા જેવા દેશમાં ગણપતિ બાપાને પૂજવામાં આવે છે.

શા માટે મુંબઈ છે ભારતભરના ગણેશ ઉત્સવનું કેન્દ્રબિંદુ ?

ભારતનું ઓદ્યોગિક પાટનગર તેવું મુંબઈ શહેર આમ તો વિવિધ આકર્ષણથી ભરપુર છે પરંતુ ગણેશ ઉત્સવ સમયે આ શહેરની રોનકમાં જાણે ચાર ચાંદ લાગી જાય છે. ગણેશ ઉત્સવ ભલે હિન્દુ ધર્મનો તહેવાર હોય પંરતુ મુંબઈમાં આ ઉત્સવને દરેક ધર્મના લોકો એક સાથે મળીને ઉજવે છે. ગણેશ ઉત્સવ દરમ્યાન મુંબઈમાં દર વર્ષે લાખો ગણપતિ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે જેને જોવા માટે દેશ વિદેશમાંથી પર્યટકો મુંબઈ આવાનું પસંદ કરે છે. મુંબઈમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતા ગણપતિ પંડાલ ચિંચપોકલીના ચિંતામણી અને લાલબાગના રાજા છે. આ બંને પંડાલમાં ગણપતિના દર્શન કરવા માટે વર્ષે લાખો લોકો આવે છે. આ બંને પંડાલમાં ગણપતિને દસ દિવસ સુધી રાજાની જેમ રાખવામાં આવે છે અને વિસર્જન સમયે પણ આ બંને ગણપતિની શાન જોવા લાયક હોય છે. ચિંચપોકલીના ચિંતામણી અને લાલબાગના રાજા બંને ગણપતિના વિસર્જન સમયે વિશાળ જુલૂસ કાઢવામાં આવે છે અને આ જુલૂસને મુંબઈની ગલીઓમાં ફેરવતા, હાથથી ગણપતિની મૂર્તિની ખેંચીને ગીરગાઉ ચોપાટી સુધી લઈ જવામાં આવે છે અને જ્યાં તેમનું વિધિવત વિસર્જન કરવામાં આવે છે. તેમાં પણ લાલબાગના રાજા માટે નીકળતું જુલૂસ તો એટલું લાંબુ અને વિશાળ હોય છે કે તે પંડાલથી નીકળ્યા બાદ છેક વિસર્જનના બીજા દિવસે સવારે ચોપાટી પોહચે છે.

ભારતમાં સૌથી મોટી ગણપતિની મૂર્તિ કયા સ્થાપિત કરવામાં આવે છે ?

હૈદરાબાદમાં આવેલા ખૈરિયતાબાદ વિસ્તારમાં દર વર્ષે યોજવામાં આવતો ગણેશ ઉત્સવ ખૂબ અનોખો હોય છે કારણ કે ત્યાં સ્થાપિત કરવામાં આવતી ગણેશ પ્રતિમા ખૂબ વિશાળ હોય છે. 1954માં શંકરિયા નામક કોઈ માણસે માત્ર એક ફૂટની પ્રતિમાથી આ ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી ત્યારથી દર વર્ષે ખૈરિયતાબાદ ખાતે સ્થાપિત કરવામાં આવતી મૂર્તિની ઊંચાઈ વધારવામાં આવે છે. 2001માં ખૈરિયતાબાદ ખાતે જે મૂર્તિની સ્થાપના કરવામાં આવે હતી તેની ઊંચાઈ 40 ફૂટ હતી જ્યારે આજદિન સુધીમાં ખૈરિયતાબાદ ખાતે સૌથી ઉંચી મૂર્તિ 2019માં સ્થાપિત કરવામાં આવી હતી. 2019 દરમ્યાન ખૈરિયતાબાદ ખાતે 61 ફૂટની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ મૂર્તિ અજંતાની ગુફાઓમાં આવેલી ગુફા નં 19થી પ્રેરિત થઈને તૈયાર કરવામાં આવે છે. ભારતભરમાં ગણેશજીની મૂર્તિમાં તેમની સૂંઢને ડાબી તરફ વળેલી રાખવામાં આવે છે જ્યારે ખૈરિયતાબાદમાં સ્થાપિત કરવામાં આવતી આ મૂર્તિમાં ગણેશજીની સૂંઢને જમણી તરફ વળેલી રાખવામાં આવે છે.
ગણેશ ઉત્સવ પાછલા સો કરતાં પણ વધુ વર્ષોથી ઉજવવામાં આવતો મહોત્સવ છે જે ભારતિય સંસ્કૃતિનું એક આગવું પ્રતીક છે. આ ઉત્સવ ઇશ્વરની ભક્તિ સાથે માણસને એકબીજાની નજીક લઈ આવવાનું કામ પણ કરે છે. તેવું નથી કે ભારતમાં આ ઉત્સવ માત્ર સામાન્ય માણસ જ ઉજવે છે પરંતુ બોલીવુડ સ્ટારથી માંડીને મોટા બિઝનેસમેન સુધી સૌ કોઈ ગણેશ ઉત્સવમાં હર્ષલ્લાસપૂર્વક સામેલ થાય છે. ભારતમાં પાછલા સો કરતાં પણ વધુ વર્ષોથી ઉજવાતા આ ઉત્સવ પર ગયા વર્ષે કોરોનાના કારણે રોક લાગી ગઈ હતી પરંતુ આ વર્ષે કોરોના નબળો પડતા ફરી એક વાર ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશે. આ વર્ષે જોકે ગણેશ ઉત્સવમાં સરકાર દ્વારા ઘણી પાબંદી લગાડવામાં આવી છે પરંતુ તેનાથી ગણેશ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.

Related posts

દિવાળી પહેલા 12 લોકોને સરકાર આપશે મોટી ભેટ! બેંક ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા

Zainul Ansari

આ છે વિશ્વના પાંચ એવા બ્રીજ જેને ઓળંગવા માટે જીવ હથેળી પર લઇને પડે છે ફરવું, જો તમે છો રોમાંચના શોખીન તો એકવાર જરૂર લો મુલાકાત…

Zainul Ansari

સારા સમાચાર! સરકાર તમામ ખેડૂતોને આપશે કિસાન ક્રેડિટ કાર્ડ, અહીં અરજી કરો અને મેળવો લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!