GSTV

Queen of Suspense / ક્યારેય સ્કૂલે ન જનારા અગાથા ક્રિસ્ટી કઈ રીતે જગતના નંબર વન ક્રાઈમ લેખિકા બન્યાં?

અગાથા ક્રિસ્ટી

બ્રિટનમાં દુનિયાભરના ઘણા મહાન લેખક થઈ ગયા જેમાં ઘણી નોંધપાત્ર મહિલાઓ પણ સામેલ છે. જોકે બ્રિટિશ મહિલા લેખકના નામની સૂચિ તૈયાર કરવી હોય તો તેમાં પેહલા ક્રમે અગાથા ક્રિસ્ટી સિવાય કોઈનું નામ શોભે નહીં. અગાથા ક્રિસ્ટીને લોકો “ક્વીન ઓફ સસ્પેન્સ” અને “ક્વીન ઓફ ક્રાઇમ” જેવા હુલામણા નામથી પણ ઓળખે છે. અગાથા મેરી ક્લેરિસા મિલરનો જન્મ 15 સપ્ટેમ્બર 1890ના રોજ ઇંગ્લેન્ડના ડેવોન જિલ્લાના ટોર્કવે શહેરમાં થયો હતો. નાનપણથી જ વાંચવામાં રસ ધરાવતી અગાથાને પ્રાથમિક શિક્ષણ અને લખવા માટેની પ્રેરણા બંને તેની માતા તરફથી મળ્યા હતા. અગાથાને નાનપણથી જ પોતના મનમાં પાત્રો રચવાનું ગમતું હતું જેના કારણે જ્યારે તેમને પોતાની માતા તરફથી લખવાની પ્રેરણા મળી ત્યારે તેણીએ ઇતિહાસ રચી દીધો.
અગાથાના લગ્ન 1914માં રોયલ ફ્લાઈંગ કોર્પ્સના પાઇલટ કરનલ આર્કીબાલ્ડ ક્રિસ્ટી જોડે થયા હતા જ્યાર બાદ તેમનું નામ અગાથા મિલરમાંથી અગાથા ક્રિસ્ટી થયું હતું. અગાથા ક્રિસ્ટીએ પોતાની નવલકથા દ્વારા સાહિત્યને બે અમર પાત્રો આપ્યા છે જેમાંથી એક છે હરક્યુલ પોઇરો અને બીજું છે અને બીજું છે મિસ જેન માર્પલ. આ બંને પાત્રો જાસૂસ છે અને આ બંને પાત્રોની લોકચાહના પણ લગભગ એક સમાન જ છે. સાહિત્યમાં રસ ધરાવનાર લગભગ દરેકે અગાથા ક્રિસ્ટી એક વાર તો વાંચ્યા જ હશે જેનું કારણ છે કે અગાથા ક્રિસ્ટીના પુસ્તકોનું દુનિયાભરની ભાષામાં અનુવાદ થયું છે. અગાથા ક્રિસ્ટીએ પોતાના જીવનકાળ દરમ્યાન 70થી વધુ ક્રાઇમ નોવેલ લખી છે જેમાંથી લગભગ દરેકને તેમના વાંચકો દ્વારા બહોળો પ્રતિસાદ આપવામાં આવ્યો છે. આજે અગાથા ક્રિસ્ટીનો 133નો જન્મદિવસ છે જે નિમિતે જાણીએ તેમના વિશેની અમુક ઓછી જાણીતી વાતો……

 • અગાથા ક્રિસ્ટી પોતાના જીવન દરમ્યાન ક્યારે પણ નિશાળ નથી ગયા. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાની માતા પાસેથી ઘરે જ મેળવ્યું છે. અગાથા ક્રિસ્ટીને 16 વર્ષની ઉંમરે સંગીતમાં રસ જાગ્યો હતો જે શીખવા માટે તેમને પેરિસની એક મ્યૂઝિક સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા. તેઓ લેખકની સાથે સારા સંગીતવાદક પણ હતા પરંતુ તેમના શરમાળ સ્વભાવને લીધે જાહેરમાં સંગીત વિશે વાત કરવાનું ટાળતા હતા.
 • અગાથા ક્રિસ્ટીએ પોતાના જીવનની પ્રથમ વાર્તા નાનપણમાં બિમારી વખતે કંટાળો દૂર કરવા માટે લખી હતી. આ વાર્તાનું નામ “હાઉસ ઓફ બ્યૂટી” હતું.  અગાથા ક્રિસ્ટીની પ્રથમ નવલકથા “ધ મિસ્ટીરિયસ અફેર એટ સ્ટાઈલ/The Mysterious Affairs At Styles” ઓક્ટોબર 1920માં પ્રગટ કરવામાં આવી હતી. અગાથાએ આ નવલકથા લખી તેનું કારણ તેણે પોતાની પિતરાઈ બહેન મેજ સાથે લગાવેલી શરત હતી. આ નવલકથા પ્રગટ થઈ તે પેહલા આ પુસ્તકને ચાર વર્ષ સુધી 6 પ્રકાશકો દ્વારા રિજેક્ટ કરવામાં આવી હતી જ્યારે આખરે 1920માં જ્હૉન લેન નામના એક પ્રકાશકે આ પુસ્તક પ્રગટ કરવાની હામી ભણી હતી.
 • એક સાથે બે સમાન લોકપ્રિય પાત્રોનું સર્જન કરનારા અગાથા એકમાત્ર લેખક હતા. અગાથાએ રચેલા પાત્રો, મિસ્ટર પોઈરો અને મિસ માર્પલ બંને પાત્રોની પ્રેરણા તેમણે પોતાના નીજી જીવન પરથી મેળવી હતી. મિસ માર્પલની પ્રેરણા તેમણે પોતાની દાદી પાસેથી મેળવી હતી અને પોઈરોની પ્રેરણા તેમને કેનેરી ટાપુના પ્રવાસ દરમ્યાન ત્યાં જોવા મળેલી કોઈ વ્યક્તિ પાસેથી મળી હતી. હરક્યુલ પોઇરોનું પાત્ર પ્રથમ વખત 
 • “ધ મિસ્ટીરિયસ અફેર એટ સ્ટાઈલ”માં ચિત્રિત કરવામાં આવ્યું હતું અને મિસ માર્પલનું પાત્ર “ધ મર્ડર એટ ધી વેરકેજ”માં પ્રથમ વખત વાંચવા મળે છે. અગાથા રચિત પાત્ર મિસ માર્પલનું નામ જોકે પ્રથમ વખત “ધી બોડી ઈન ધી લાઇબ્રેરી” નામની નવલકથામાં વર્ણવામાં આવ્યું હતું.
 • અગાથા ક્રિસ્ટી આમ તો દુનિયાભરમાં “ક્વીન ઓફ સસ્પેન્સ”ના નામથી ઓળખાય છે પંરતુ તેમણે ક્રાઇમ સિવાય બીજા પ્રકારની પણ ઘણી નોવેલ લખી છે. તેમણે ઘણા નાટક, રોમેન્ટિક નોવેલ અને કવિતાઓ પણ લખી છે. પોતાની કારકિર્દી દરમ્યાન અગાથાએ ઘણી નવલકથા “મેરી વહેમસ્કોટ” ઉપનામથી પણ લખી છે. એક નાટક લેખક રૂપે પણ તેમને ખૂબ સારી લોકચાહના મળી છે. અગાથા દ્વારા લખાયેલુ નાટક “ધ માઉસટ્રેપ” દુનિયાનું સૌથી લાંબુ ચાલનાર નાટક બન્યું છે. આ નાટક 1952માં બ્રિટન ખાતે પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યું હતું ત્યારથી 2020 સુધી આ નાટક ચાલ્યું હતું.

પોતાની અડધી સદીની કારકિર્દી દરમ્યાન અગાથા ક્રિસ્ટીએ 66 ક્રાઇમ નોવેલ, 6 અન્ય નોવેલ અને 150 ટુંકી વાર્તા લખી છે. તેમના પુસ્તકોની આજદિન સુધી 200 કરોડ નકલ વેચાય ચૂકી છે. અગાથા ક્રિસ્ટીના આમ તો દરેક પુસ્તક અતી રસપ્રદ હોય છે પરંતુ એક વાર શરૂ કર્યા બાદ જકડી રાખે તેવા અમુક પુસ્તકોના નામ આ પ્રમાણે છે…..

1. The Murder of Roger Ackroyd (1926)
2. Peril at End House (1932)
3. Muder On Orient Express (1934) જેનો ગુજરાતી અનુવાદ મર્ડર મિસ્ટ્રી નામથી કરવામાં આવ્યો છે.
4. The ABC Murders (1935)
5. And Then There Were None (1939) જેનો ગુજરાતી અનુવાદ ક્રાઈમ સીન નામથી કરવામાં આવ્યો છે.
6. Five Little Pigs (1943), એ જ નામથી ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલો છે.
7. Crooked House (1949)
8. A Murder Is Announced (1950), એ જ નામથી ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલો છે.
9. Endless Night (1967)
10. Curtain: Poirot’s Last Case (1975)

 • અગાથા ક્રિસ્ટીએ મેરી વહેમસ્કોટ નામથી લખેલી નવલકથા “એબસેન્ટ ઈન ધ સ્પ્રિંગ” માટે ત્રણ દિવસમાં પૂરી કરી હતી. અગાથા ક્રિસ્ટીની સુપ્રસિદ્ધ નવલકથા “મર્ડર ઓન ઓરિએન્ટ એક્સપ્રેસ”ને લેખિકાએ પોતાના જીવનનું સૌથી ખરાબ કામ ગણાવ્યું છે જોકે વાંચકોને આ નવલકથા ખૂબ પસંદ પડી છે. પોતાની વધુ એક નવલકથા “એન્ડ ધેર વર નન” ને આ લેખિકાએ પોતાના જીવનનું સૌથી અઘરું કામ ગણાવ્યું છે.
 • અગાથા ક્રિસ્ટીનો મનપસંદ રંગ લીલો હતો , તે ઉપરાંત તેમને સૌથી વધુ પસંદ પાલતુ પ્રાણી કૂતરું હતું. અગાથાને તેનું પ્રથમ કૂતરું તેના પાંચમા જન્મદિવસે ભેટમાં મળ્યું હતું. યોર્કશાયર ટેરી પ્રકારના આ કૂતરાનું નામ અગાથાએ ટોની પડ્યું હતું. ક્રાઇમ લેખક અને સસ્પેન્સના મહારાણી હોવા છતાં અગાથાને વાંદાથી ખૂબ ડર લાગતો હતો.
 • લેખિકા રૂપે 75 વર્ષની ઉંમરે અગાથાએ પોતાની નિવૃત્તિ જાહેર કરવાનું નક્કી કર્યું હતું પરંતુ ત્યારે અગાથાની લોકપ્રિયતા આસમાને હતી જે જોતા તેને હજી થોડા વર્ષો સુધી લખવાનું નક્કી કર્યું હતું. અગાથા ક્રિસ્ટી 85 વર્ષની ઉંમર સુધી લખતા હતા જ્યારે 1976માં 86 વર્ષની ઉંમરે તેમનું મોત થયું હતું. અગાથાની આખરી નવલકથા “સ્લિપિંગ મર્ડર” હતી જે તેમના મૃત્યુ બાદ પ્રગટ કરવામાં આવી હતી.
 • લેખક હોવાની સાથે અગાથા ક્રિસ્ટી , સર્ફ બોર્ડ પર સર્ફિંગ કરનાર પ્રથમ પશ્ચિમી મહિલા હોવાનું બિરૂદ પણ ધરાવે છે. 1922ના સાઉથ આફ્રિકા અને ત્યાર બાદ હવાઈ ખાતે તેમણે સર્ફિંગ કર્યું હતું જેના કારણે તેમને આ અનોખો ખિતાબ મળ્યું હતું.
 • તુર્કીના પાટનગર ઇસ્તંબુલમાં આવેલી હોટલ પેરા પેલેસનો રૂમ નં 411 અગાથા ક્રિસ્ટી માટે ખાસ રોકી રાખવામાં આવ્યો છે. આ રૂમમાં બેસીને તેમણે “મર્ડર ઓન ઓરિએન્ટ એક્સપ્રેસ” કથાનો એક ભાગ લખ્યો હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે. આ રૂમને ખાસ અગાથા ક્રિસ્ટીની યાદમાં સજાવવામાં આવ્યો છે જેમાં અગાથા ક્રિસ્ટીના અરબી દેશના પ્રવાસ દરમ્યાન પડેલા અમુક ફોટા અને તેમની ઢગલાબંધ નવલકથા પ્રસ્તુત કરવામાં આવી છે.
 • 1955માં અગાથા ક્રિસ્ટી એક લિમિટેડ કંપની બન્યા હતા. જ્યાર બાદ 1972માં મેડમ તુસાદ મ્યુઝિયમ ખાતે તેણીનું મીણનું પૂતળું મૂકવામાં આવ્યું હતું. 1976માં મૃત્યુ પામ્યા તે પેહલા છેલ્લી વખત અગાથા ક્રિસ્ટી “મર્ડર ઓન ઓરિએન્ટ એક્સપ્રેસ” ફિલ્મના પ્રીમિયર ખાતે 1974માં જોવા મળ્યા હતા.
 • લંડનના સેન્ટ પોલ ચર્ચ પાસે આવેલા કોવેન્ટ ગાર્ડનમાં અગાથા ક્રિસ્ટી મેમોરિયલ તૈયાર કરવામાં આવ્યું છે. આ મેમોરિયલની ઊંચાઇ 2.4 મીટર છે અને તેને ખાસ પુસ્તકના આકારમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ મેમોરિયલને અગાથા ક્રિસ્ટીના પ્રસિદ્ધ નાટક “ધ માઉસટ્રેપ”ની 60મી વર્ષગાંઠે 2012માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

Related posts

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!